સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/વડલો

સરવરની પાળે એક વડલો ઘેઘૂર ઊભો :
પાંદે પાંદે લીલો રે કુંજાર :
દહાડે રે ડોલે, વડલો રાતે રે ચડતો ઝોલે :
ડાળે ડાળે પંખીના ગુંજાર!
ભીતર ગોપાયાં, એનાં મૂળ રે રોપાયાં ચોગમ :
ભેદી રે પાતાળી ઊંડી ભોમ!
નીચો રે ફાલ્યો, વડલો ઊંચો રે ફાલ્યો, એની
ટોચે રે તોળાયાં સારાં વ્યોમ!
વેલા-વડવાઈઓના એવા રે ગૂંથાયા, શીળા
મમતા કેરા માંડવા સઘન!
કવિ ને કવિતા આંહીં એવાં રે ખેંચાયાં, એનાં
ઘડિયાં રે લેવાયાં લગન!
ઝીણાં રે વીણાજંતર વાગે અદીઠાં આંહીં,
મૃગલો રે ડોલે વાંકે શંગિ :
થનગનતો આવે મીઠો માણીગર મોરલો ને
ભૂલો પડી આવે રે ભોરંગિ!
શિવજીએ ઝીલી અધ્ધર ધીંગી ગંગાની ધારા,
રમતી રે મૂકી ધરતી-ચોક :
વડલે ધરતીની ગંગા એવી રે ઉછાળી, છેક
હિમાળે પહોંચાડી રાખ્યો નોક!
પ્રલ્લેનાં પાણી જ્યારે ડૂબવશે દુનિયા સારી,
થાશે રે જળજળમાં બંબોળ!
જોગંદર વડલો ત્યારે અડૂબ્યો અડોલ ઊભો,
અનભે થૈ કરશે રે અંઘોળ!


[‘કવિલોક’ બેમાસિક]