સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બોરિસ પાસ્તરનાક/ખ્યાતિ
વિખ્યાત થવું એ નથી કોઈ શોભનીય ઘટના,
નહીં બનાવે એ આપણને ગૌરવાન્વિત.
નિરર્થક છે સંગ્રહસ્થાન રચવાં
અને તૂત છે કીર્તિગાથાઓ રચવાની પ્રવૃત્તિ.
સર્જકતાને જોઈતી નથી બુલંદ અને સસ્તી લોકપ્રિયતા,
એ તો માગે છે સ્વાર્પણ.
ને લ્યાનત હજો એ અજ્ઞાની અપકૃત્ય કરનારા પર
ગાવા દે છે જે બીજાઓને તેનાં પોતાનાં ગુણગાન....
તેથી અજ્ઞાતની ગર્તામાં ડુબાડી દો જાતને.
કશું ન સૂઝે એવા ધુમ્મસમાં
ઓગળી જાય છે જેમ ભૂમિ,
તેમ છુપાવી દો સગડ તમારા ચીલાના.
તમારા એક એક પગલાનું પગેરું શોધીને
તમારા જીવંત માર્ગે પાછળ પડશે બીજાઓ;
પણ દેખાડશો ના ભેદ
તમારા વિજય કે પરાજયના.
અને ન વળશો પાછા જરાય
કે ન ડૂકશો તેમનો સામનો કરવામાં;
પણ રહેજો જીવંત તમારે ભાગે આવેલા જીવન સુધી,
રહેજો જીવંત અંત ન આવે ત્યાં સુધી.
અનુ. મહેશ દવે
[‘કવિતા’ બે-માસિક: ૨૦૦૪]