સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/એક બીજી ગંગોત્રી

          પોતાના ગામથી જ્યારે નીકળ્યા ત્યારે શબ્દ લઈને નીકળ્યા હતા—એમ કવિ ઉમાશંકરે નોંધ્યું છે. એ ‘શબ્દ’ પછી એમને ક્યાં ક્યાં લઈ ગયો? તો કહે છે કે એ શબ્દ એમને “સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં,—એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં” લઈ ગયો. એ શબ્દ એટલે કવિતાનો શબ્દ. કવિમાત્રને એ શબ્દ સૌપ્રથમ એના ઘરમાંથી મળે છે, એના વતનમાંથી મળે છે. દુનિયાના કોઈ પણ કવિની કાવ્યગંગોત્રીનું ગોમુખ એનું પોતાનું ઘર હોય છે. એટલે આપણને થાય કે જ્યાંથી કવિ-શબ્દ સરવાણી પ્રકટી, એ ગંગોત્રી, એ ગોમુખ અર્થાત્ કવિનું ઘર કેવાં હશે? કવિને વતન જવું એટલે તીર્થયાત્રાએ જવું. વર્ષોથી ઇચ્છા હતી ‘ગંગોત્રી’ના કવિ, ‘નિશીથ’ના કવિ, ‘સપ્તપદી’ના કવિ જે ગામથી શબ્દ લઈને નીકળ્યા, તે ગામ જવાની. કવિ ઉમાશંકરનું ગામ બામણા. સાબરકાંઠા જિલ્લાના ભીલોડા તાલુકાના ખંભેરિયા પહાડની તળેટીમાં વસેલું ગામ. ઈડર વિસ્તારનાં આ ગામોના ડુંગરો, જંગલો અને મેળાની વાત કરતાં કવિ થાકતા નથી. શૈશવકાળની કવિના વતનની આ ભૂમિમાં એમના સમસ્ત શબ્દલોકનાં નવાણ છે. ત્યાંથી ભોમિયા વિના એ શબ્દ લઈને નીકળ્યા હતા. એક દિવસ કવિએ કહ્યું, આપણે બામણા જવાનું છે. રોમ-હર્ષ. સદ્ભાગ્ય કેવું કે સ્વયં કવિની સાથે કવિને ગામ જવાનું મળે છે! એક સવારે અમદાવાદથી મોટરગાડીમાં નીકળ્યા. કવિપુત્રી નંદિનીબહેન તથા બીજા બે કવિમિત્રો ચંદ્રકાન્ત શેઠ અને મણિલાલ પટેલ સાથે હતા. કવિભૂમિનો લૅન્ડસ્કેપ જોવા અમે ઘણા આતુર હતા. હિંમતનગર છોડ્યા પછી એ બધો વિસ્તાર શરૂ થઈ જતો હતો. એ વિસ્તારના ખેતરાઉ, પહાડી માર્ગો ઈડરમાં ભણતી વખતે કવિએ જુદી જુદી ઋતુઓમાં અનેક વેળા પગપાળા કાપેલા. અત્યારે ડામરની સડક પરથી સરતી મોટરગાડીમાંથી બાજુમાં ચઢતાઊતરતા પહાડો અને એના વળાંકો બતાવી કવિ એ મારગ ચીંધતા હતા. રસ્તો બે માર્ગે ફંટાયો. એક શામળાજી તરફ જતો, બીજો ભીલોડા તરફ. શામળાજીના મેળાનો પ્રભાવ કવિના સર્જકચિત્ત પર ઘણો પડ્યો છે. વાર્તાકાર ઉમાશંકરની ‘શ્રાવણી મેળો’ વાર્તાની એ પટભૂમિ. અમારે ભીલોડાના માર્ગે જવાનું હતું. એક ઊચો ડુંગર દેખાયો. એ જ ખંભેરિયો. ખંભેરિયાની ટોચે એક ઝાડ દેખાતું હતું અને એક સફેદ ધજા ફરફરતી હતી. અમારી નજર એ ધજાની આસપાસ ફરફરવા લાગી. રસ્તાની ધારે એક ડુંગરી દેખાઈ. કવિએ કહ્યું: “આ ડુંગરીની ધારે બેસીને મિત્ર સાથે ‘સાપના ભારા’નાં નાટકો વાંચ્યાં છે.” ૧૯૩૧-૩૨ની આ વાત હશે. સૌ પ્રશ્નો પૂછીને કવિને એમના શૈશવ, કિશોરકાળની દુનિયામાં લઈ જતાં હતાં. બામણા ગામના પાદરે પહોંચતાં વિશાળ સરોવર; એનું પાત્ર પહાડો અને ખીણોના આધારે વળાંકોમાં ઘડાયું છે. પાદરમાં અમે ઊતરી ગયાં. આ બાજુ સરોવર, આ બાજુ ગામ. સરોવરકાંઠે સરસવનાં પીળાં ખેતર હતાં. આ બાજુ અમારી નજર સામે ખંભેરિયાનો ડુંગરો હતો. ગામ એના ઢાળ પર વસેલું છે. મોટરગાડીમાંથી ઊતરી અમે શેરીઓમાં ચાલવા લાગ્યાં. આમ તો ગામ જેવું ગામ. પણ આ તો કવિનું ગામ હતું, અને કવિ સાથે હતા. ગામના લોકોનું અભિવાદન ઝીલતા કવિની શેરીમાં પ્રવેશ્યા. કદાચ છે ને આ ઘરોમાં ‘સાપના ભારા’નાં એકાંકીઓનાં કેટલાંક પાત્રોના અનુજો—વંશજો મળી જાય. ‘દળણાના દાણા’નાં ડોશી, ‘કળજગનું પાણી પીવા એકલી રહી ગયેલી રામી’ પણ યાદ આવ્યાં. ઢોળાવ પર આવેલા ગામની આ શેરીમાં વરસાદના પ્રવાહને કારણે ઊખડેલા ઢેખાળા અને વાંઘાં હજી હતાં. મને થતું હતું, અત્યારે પંચોતેર વર્ષની વયે પહોંચવા થયેલા કવિ અહીં ચાલતાં શૈશવની પગલીઓ શોધતા હશે શું? શેરીના એકબે વળાંક વટાવતાં જ સામે નળિયાં છાયેલું કવિનું બાપીકું ઘર. બરાબર ખંભેરિયાની ઢાળે. ઘરમાં કવિનાં ભાભી રહે છે. આંગણું વટાવી અમે ઓસરીમાં આવ્યાં. ઘરની પછીતે જાઓ એટલે ખંભેરિયો શરૂ થઈ જાય. અમારી નજર સામેથી જાણે છસાત દાયકાનો સમય સરી જતો હતો. ઘરમાં હરતાફરતા શબ્દોને પીતા શિશુ કવિની કલ્પના કરી રહ્યા. ભર્યો પૂરો પરિવાર હતો. પાઘડી બાંધતા કવિના પિતા અને વત્સલ બાની કલ્પના કરી. અમે ઓસરીમાં બેઠા. ચંદ્રકાન્ત તો ચૂપચાપ સરકી ખંભેરિયો ચઢવા ઊપડી ગયા. કવિ સ્વજનોને મળવા ગામમાં ગયા. અમે ઘરના ઓરડામાં ગયા. આ ઓરડામાં કવિનો જન્મ. અમે પરસાળમાં બેઠા. કવિ આવી ગયા હતા. નાનપણની વાત કરતાં કરતાં દેવુભાઈ, કાન્તિભાઈ સૌ ભાઈઓને, ગામમાં જ રહેતાં બહેનને, મિત્રોને કવિ સ્મરી રહ્યા. ચા પીતાં પીતાં કવિએ કહ્યું: ત્યાં બેસી ‘ગીતાનિષ્કર્ષ’ વાંચ્યું હતું. ઓસરી બતાવતાં કહે: આ ઓસરી અનેક કવિતાઓનું જન્મસ્થળ છે. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહની ઘણી કવિતાઓ બામણામાં લખાઈ છે. એ વખતે કવિની વય વીસ-બાવીસની હશે. ‘વિશ્વશાંતિ’ના રચયિતા તરુણ કવિએ સ્વતંત્રતા માટેની લડતમાં ઉચ્ચ અભ્યાસ છોડી દઈ ઝંપલાવ્યું હતું. વિસાપુરનો જેલવાસ વેઠીને બામણા આવ્યા છે. મા-બાપને તો ઘણીય આશાઓ હતી, જેવી દરેક મા-બાપને હોય છે; પણ આ તરુણને તો દૂરના ‘અદીઠ વડવાગ્નિ બૂઝવવા’ દોડી જવું હતું. ઘેર ઘરડાં માવતરની આશાઓનું શું? પિતાનો પ્રેમ, મીઠી માડીનું વહાલ, ભલે, પણ કહે છે: મને રોકો ના, ના, ખડક ધરી આડે! યમશિલા વચાળે રૂંધો મા! શીદ ભીડી રહો બાથ જડમાં... વિચારે છે માવતર પહેલાં? દેશ પહેલો? આ ઘર નાનું પડે છે, આ ગામ. હવે તો ‘વિશ્વ’ જ એની સામે છે. આ ઓસરી એ તરુણના મનોમંથનની સાક્ષી છે. કવિ કહે: ઓસરીની પેલી પેલ્લી પર બેસી ઘણી ચોપડીઓ વાંચી છે. બપોર ભીલોડામાં ગાળી સાંજે ઈડર જવા નીકળ્યા. ત્યાં જતાં રસ્તે જાણે ‘ઝાકળિયું’ વાર્તાનાં ખેતરો દેખાતાં હતાં. ઘણી કાવ્યપંકિતઓ પણ સ્મરી રહ્યાં. સાંજ પડે તે પહેલાં ડુંગરોના માર્ગે થઈ ઈડર શહેર વીંધીને પશ્ચિમે આવેલી શ્રીમદ્ રાજચંદ્રની ઊચી પહાડીની તળેટીમાં સીધાં પહોંચી ગયાં. અહીં જે શિલા પર શ્રીમદ્ને જ્ઞાન લાધ્યું હતું તે સિદ્ધશિલા છે. શ્રીમદ્ રાજચંદ્ર જાતિસ્મર હતા, એટલે કે પૂર્વજન્મોનું એમને જ્ઞાન હતું. ઉમાશંકરભાઈએ એ વિશે એક વાત કરી: ભગવાન મહાવીર જ્યારે સદેહે આ ભૂમિ પર વિચરણ કરતા હતા ત્યારે આ ડુંગરોમાં આવેલા. એ સમયે તેઓ જે શિલા પર બેઠેલા તે સ્થળ શ્રીમદે ચિહ્નિત કરી બતાવ્યું છે. સૂર્ય જમીનમાં ઊતરી જતો જોયો. અમે પહાડી ઊતરી રહ્યાં. ઊતરતાં ઊતરતાં થતી વાતોમાં કવિનાં છાત્રવયનાં સ્મરણો ડોકાતાં. ઉમાશંકર ઈડરના છાત્રાલયમાં રહીને ભણેલા, ગુજરાતી ચોથા ધોરણથી અંગ્રેજી છઠ્ઠી સુધી. પછી મૅટ્રિકમાં અમદાવાદ આવેલા. બીજે દિવસે ઇડરિયો ગઢ ચઢવાનો હતો. પહેલાં તો અમે જે શાળામાં કવિ ભણેલા તે સર પ્રતાપ હાઈસ્કૂલ અને એની બાજુની બોર્ડિંગ ભણી ગયાં. કવિ જાણે પોતાની એ કિશોરાવસ્થાનાં પદચિહ્નો સૂંઘતા ચાલતા હતા. જીર્ણ બોર્ડિંગના એક ઓરડામાં અમે પ્રવેશ કર્યો. આ એ ખંડ જેમાં છાત્ર તરીકે એ રહ્યા હતા. એક ભીંતમાં તાકું હતું. કહે: આ ગોખલામાં મારી આખી ‘લાઇબ્રેરી’ રહેતી! બહાર આવ્યા. રસ્તા સામેની ટેકરીઓ બતાવતાં કહે: પેલી છે તે ધનેશ્વરીની ડુંગરી, ત્યાંની દેરીઓમાં અને ત્યાંના આંબાની ડાળીઓ પર બેસી પરીક્ષાના દિવસોમાં વાંચતા. નિશાળના પ્રાંગણમાંથી બહાર નીકળતાં કવિ કહે: નિશાળ છોડતી વખતે યાદ છે કે એક ગોરજ ટાણે એને અસ્ફુટ વાણીમાં કહ્યું હતું: “હું તારું નામ ઉજાળીશ.” કવિએ વચન પાળ્યું છે. ઈડરનો આ ડુંગરો અરવલ્લીની પર્વતમાળાનો આખરી છેડો છે. ગઢ પર ચઢ્યા, તો શિખરોની વચ્ચે વિશાળ ખુલ્લી જગ્યા. જૂની ઇમારતો, વાવો, મંદિરો, દેરાસર આ બધું છે. વડ જેવાં પુરાતન વૃક્ષો છે. અમે ચાલતા ચાલતા ગઢની ઉત્તર દિશાની રાંગે ગયા. ત્યાંથી નીચેનું મેદાન અને દૂરના ડુંગર રળિયામણા લાગતા હતા. આ બાજુ રાણીનું તળાવ દર્પણ જેવું લાગતું હતું. ઠંડો પવન હતો, હોલાંનો કલરવ હતો. દૂરથી ડંકીનો અવાજ સંભળાતો હતો. સવારના તડકામાં ખિસકોલીઓ બધી જમીન સરસી જડાઈ ઠંડી દૂર કરતી હતી. આ ઇડરિયા ગઢ પરથી જે કાવ્યઝરણું ફૂટ્યું તે એવું કે સતત વહેતો મહાનદ બની ગયું. કવિની સમગ્ર કાવ્યગંગાની ગંગોત્રી-ગોમુખ એ આ ભોમકા, આ ડુંગરા...

[‘તેષાં દિક્ષુ’ પુસ્તક: ૨૦૦૪]