સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/અર્ધજલે ડૂબી પ્રતિમા

હજુ યે ઘૂંટણ તારાં ડૂબી અર્ધજલે રહ્યાં,
ચિંતવી શું રહી એવું, સેંકડો વરસો વહ્યાં.
પુરાણી વાવમાં, સૂની, જલસૂકી, અવાવરી,
ક્યાં હશે ઘર? ક્યાં વ્હાલાં? ભૂલી બેઠી શું બાવરી!
અને તારો ભરાયો ના હજુ યે ઘડૂલો અહીં,
બનીને પથ્થર ઊભી, પ્રાણ તો કહીંના કહીં.
કોણ જાણે સખીવૃંદ ક્યારે ચાલ્યું ગયું હશે,
તને સાદ કરી થાકી, એમ ધારી તું આવશે;
કોઈ મિલન સંકેતે આપેલું વેણ સાચવી,
પરંતુ હજુ યે ના’વ્યું મન માનેલ માનવી?
કેટલાં આંસુડાં તારાં હશે આ જલમાં સર્યાં?
ભરીને ઘડૂલા પાછા ઠાલવ્યા તેં ભર્યા ભર્યા?
પ્રતીક્ષા ના થશે પૂરી? જલમાં સ્હેલ ડૂબવું,
સ્હેલું માથું અફાળીને ચૂરેચૂરા થઈ જવું,
ના રે ના, એ બને ક્યાંથી? આપેલું વેણ પાળવા,
ઘસાતાં ને ઘસાતાં યે કાળના ઘાવ ખાળવા
તારે, કાં કે કહે કોણ, ક્યારે એ આવશે ઘડી?
કોઈની ક્યાંકથી સ્પર્શી જાય સોના તણી છડી!