સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/વહુનું વાસીદું
સંધાય આવે ને જાય ઊલળતા હાથે,
એક વહુનું વાસીદું વહુને માથે.
શેડકઢાં દૂધ મારા સસરાને જમાડો
ને જેઠને જમાડો બાસૂંદી
માખણનો પીંડો મારા પરણ્યાને પરોસો
ને સાસુને ચખાડો થીણું ઘી;
સૂકો એવો રોટલો ને ખાટી એવી છાશ, વીરા!
આવે મારે ઠોસરાની બાથે....
ઘંટીનાં પડ વચ્ચે આયખું ઘસાતું, વીરા!
ઊડા કૂવાનાં નીર સીંચું;
માનો ખોળો કાં મુંને રોજરોજ યાદ આવે,
ક્યાં રે જઈ હું આંખડી મીચું?
કોને પૂછું કે મારો આવો અવતાર, વીરા!
ઘડ્યો હશે શેણે દીનાનાથે?
સંધાય આવે ને જાય ઊલળતા હાથે,
એક વહુનું વાસીદું વહુને માથે