સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/વિધાતાએ દીકરી ઘડી
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી શી કમાલ! રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું ખજાનો ખુટાડી કરું ખલકને ન્યાલ. દેવીયું કનેથી માગી લીધો મલકાટ અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર, ચપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીને આંખે ભર્યાં દમકતાં નૂર. સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક સૂરજનાં ધોળાંફૂલ હાસ ને હુલાસા દીધાં જોઈ કારવીને કીધું, હવે કાં’ક ઠીક. વિધાતાએ દીકરી ઘડી ને વળી જોઈ જોઈ વારે વારે હસું હસું થાય એનું મુખ, હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું હર્યુંભર્યું હોત, નર્યું નીતર્યું આ સુખ.
(અનુ. મકરન્દ દવે)