સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિભાઈ પ્રજાપતિ/જીવતરનું ભાથું
આત્મકથામાં આત્મશ્લાઘાથી બચવું અને સત્યનું આલેખન કરવું તેમજ તેને કલાત્મક ઘાટ આપવો એ એક અઘરું કાર્ય છે. આ પ્રકારની આકરી કસોટીમાંથી પાર ઊતરીને સમયે સમયે આપણને કેટલીક ઉત્તમ આત્મકથાઓ પ્રાપ્ત થતી રહી છે. આવી એક રસપ્રદ અને ઉત્તમ આત્મકથા આપણને ભારતીય રોકેટ કાર્યક્રમના પ્રણેતા અને સુવિખ્યાત વૈજ્ઞાનિક એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા પ્રાપ્ત થાય છે: ‘વિંગ્ઝ ઓફ ફાયર’. સરળ અભિવ્યકિત અને કાવ્યાત્મકતાના રંગે રંગાયેલી આ કૃતિ એક સુગ્રથિત નવલકથાની જેમ વાચકને કુતૂહલવૃત્તિ સાથે જકડી રાખવા સમર્થ છે. એક વૈજ્ઞાનિકની કલમે લખાયેલ તેમજ વિજ્ઞાન અને અધ્યાત્મનો સુમેળ સાધતી આ આત્મકથા એક પ્રાણવાન કૃતિ બની છે. પ્રસંગોપાત્ત પોતાના ભાવને અનુરૂપ અંગ્રેજી કવિઓની તેમજ સ્વરચિત કાવ્યપંકિતઓ ઉપરાંત ‘અથર્વવેદ’, ‘ભગવદ્ગીતા’, ‘કુરાન’, ખલીલ જિબ્રાન વગેરેનાં ટાંચણોથી સભર હોવાથી રોકેટ અને મિસાઈલ્સની વિકાસગાથા વર્ણવતી હોવા છતાં આ કૃતિ બોઝિલ બની નથી. ઠેરઠેર મૌલિક વિચારમૌકિતકો વાચકોને જીવતરનું ભાથું પૂરું પાડે છે. સરળ ભાષા અને પ્રવાહિતા આ કૃતિની આગવી વિશેષતા છે. વિદ્યાર્થી, અધ્યાપક, સંશોધક, મૅનેજર વગેરે હરકોઈ ક્ષેત્રની વ્યકિત આ ગ્રંથમાંથી પોતાને ઉપયોગી માહિતી મેળવીને કૃતાર્થતા અનુભવશે તેમ નિ:શંકપણે કહી શકાય. આજે દિનપ્રતિદિન વાંચનટેવ વિસરાતી જાય છે, ત્યારે આ આત્મકથ્ાાનું વાંચન ઉદ્દીપક બની રહેશે. [‘ઉદીચ્ય’ પખવાડિક: ૨૦૦૨]