સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/મહાન મુફલિસ

          ચાલીસથી વધુ વરસો સુધી અમેરિકામાં સતત ફિલ્મોનું નિર્માણ કરનાર જગતના એક મહાન કલાકાર ચાર્લી ચેપલિનનો જન્મ ૧૮૮૯માં ઇંગ્લંડમાં થયેલો. તેનાં ગરીબ માતાપિતા બેઉ નાટક કંપનીમાં કામ કરતાં હતાં, તેમાં માતા અધઘેલી જેવી હતી અને પિતા દારૂડિયા હતા. લંડનની કંગાલ શેરીઓમાં વિતાવેલા બાળપણે ચાર્લીના અંતરમાં દીનદુખિયાં માટે ઊંડી સહાનુભૂતિ પ્રગટાવેલી. પાંચ જ વરસની વયે પિતાની સાથે તખ્તા પર પગ મૂકનાર ચાર્લીએ તે પછી એક નાટક મંડળી સાથે સાત વરસ લગી ઇંગ્લંડ, યુરોપ અને અમેરિકાની સફર કરી. એક અભિનેતા તરીકેની નામના એણે મેળવી તેને પરિણામે કીસ્ટોન નામની અમેરિકન ફિલ્મ કંપનીમાં એને ૧૯૧૩માં નોકરી મળી ગઈ-અઠવાડિયાના દોઢસો ડોલરના પગારથી. પહેલી ફિલ્મમાં તો દિગ્દર્શકે આપ્યો તેવો વેશ તેણે ધારણ કરેલો, પણ બીજી જ ફિલ્મથી એક મુફલિસ તરીકેનો પોતાનો જગમશહૂર પહેરવેશ ચેપલિને ઉપજાવી કાઢેલો — સાવ ટૂંકા જાકીટ હેઠળ લાંબું ને કોથળા જેવું પાટલુન ને મોટાંમસ પગરખાં પહેરેલું, ઝીણી ઝીણી મૂછો ને હાથમાં નેતરની સોટી વાળું. કીસ્ટોનના સ્ટુડિયોમાં હાસ્યરસની ૩૫ ફિલ્મો ચેપલિને બનાવી, તે બધી મૂંગી અને ૧૦-૧૦ મિનિટ ચાલનારી હતી, પણ તે જમાનાની બીજી કોમેડીઓના કરતાં તેમાં કલા અને સંયમનું તત્ત્વ વધુ ને વધુ પ્રમાણમાં જોવા મળતું ગયું. એ ફિલ્મોની સફળતા જોઈને બે જ વરસમાં હોલીવુડની બીજી એક કંપનીએ ચેપલિનને અઠવાડિયાના ૧૫૦ને બદલે સીધા ૧૨૫૦ ડોલરના પગારથી રોકી લીધા. ત્યાં ૧૯૧૫ના એક જ વરસમાં ૧૪ ફિલ્મો ઉતારી અને પછીને વરસે ત્રીજી એક ફિલ્મ કંપનીએ એને રોકી લીધા — વરસે પોણા સાતલાખ ડોલરના પગારથી! એ રીતે, હોલીવુડમાં આવ્યા પછી ચેપલિનની આવક દર વરસે લગભગ દસ ગણી થતી જતી હતી. સિનેમાના સામાન્ય પ્રેક્ષકો ઉપરાંત વિશિષ્ટ જનો તથા ફિલ્મ-વિવેચકોને હાથે એમનાં ચિત્રોની કદર હવે થવા લાગી. ૧૯૧૮માં ફર્સ્ટ નેશનલ નામની કંપનીએ બાર મહિને આઠ ફિલ્મ ઉતારવાનો કરાર કરીને વરસે દસ લાખ ડોલરના પગારથી ચેપલિનને રોકી લીધા. ત્યાં સુધીમાં તો ફિલ્મી દુનિયામાં એટલા બધા નકલી ચેપલિનો નીકળી પડ્યા કે પછી પોતાની દરેક ફિલ્મના આરંભમાં ચાર્લી ચેપલિનને પોતાની સહી સાથે એવી જાહેરાત પરદા પર રજૂ કરવી પડી કે એ હસ્તાક્ષર સિવાયની બીજી કોઈ ફિલ્મ અસલી ચેપલિનની નથી. ‘વન એ. એમ.’ (મધરાત પછી એક વાગ્યે) નામની એકપાત્રીય ફિલ્મ ચેપલિને ૧૯૧૬માં ઉતારી ત્યારથી મહાન ચલચિત્રોની તેમની પરંપરાનો આરંભ થઈ ગયો, અને પરદા પરના હાસ્ય-ફુવારાના ભીતરમાં લાગણીની કરુણાની ઝાંય પ્રેક્ષકોની નજરે ચડવા લાગી. રણમોરચા પરની ખાઈઓમાં રહીને લડતા સૈનિકોના જીવનની ભયાનકતાઓને હાસ્યનો અંચળો પહેરાવીને રજૂ કરતી ‘શોલ્ડર આર્મ્સ’ એમણે ૧૯૧૮માં તૈયાર કરી તે, એ જ વરસે પૂરા થયેલા પ્રથમ વિશ્વયુદ્ધ વિશેની સહુથી મહાન ફિલ્મો પૈકીની એક હજી પણ ગણાય છે. ૧૯૨૦માં ‘ધ કિડ’ નામની પહેલવહેલી લાંબી ફિલ્મ ચેપલિને ઉતારી તે ત્યાર સુધીનું એમનું સૌથી વધુ સફળ સર્જન નીવડ્યું. તેમાં જેકી કૂગન નામના જે બાળ-અભિનેતા પાસેથી એમણે કામ લીધું, તે આગળ જતાં જગવિખ્યાત બન્યો. સમસ્ત માનવજાતને સ્પર્શી જાય એવું એક તત્ત્વ ચેપલિનની ફિલ્મોમાં હવે સ્પષ્ટ થવા લાગ્યું હતું. ૧૯૨૧માં એ યુરોપની મુલાકાતે ગયા ત્યારે સામાન્યજનો ને મહાજનો, સહુ કોઈનો એકસરખો ઉષ્માભરેલો આવકાર એમને ઠેરઠેર સાંપડ્યો. એ જમાનાના બીજા કેટલાક નામાંકિત ફિલ્મ-કલાકારો સાથે મળીને ચેપલિને ૧૯૧૯માં ‘યુનાઇટેડ આટિર્સ્ટ્સ’ નામની સ્વતંત્ર કંપનીની સ્થાપના કરી. તેના નેજા હેઠળ બનાવેલી ‘ગોલ્ડ રશ’ (૧૯૨૫), ‘સર્કસ’ (૧૯૨૮) અને ‘સિટી લાઇટ્સ’ (૧૯૩૧) નામની ત્રણ ફિલ્મોમાં ચેપલિનની કલા તેના શિખરે પહોંચી… ૧૯૩૦ સુધીમાં તો વિજ્ઞાને બોલતી ફિલ્મો શક્ય બનાવી દીધી હતી, છતાં ‘સિટી લાઇટ્સ’માં ચેપલિને માત્ર સંગીત અને ધ્વનિનો ઉપયોગ કર્યો હતો ને તેનાં પાત્રો તો અગાઉની ફિલ્મોની જેમ મૂંગાં જ રહેલાં. આખરે પરદા પરના ચેપલિનના મુખમાંથી શબ્દો નીકળ્યા પહેલવહેલા ૧૯૩૬માં ‘મોડર્ન ટાઇમ્સ’ નામની ફિલ્મમાં, પણ તેય એક અસ્પષ્ટ રીતે ગણગણાયેલા ગીત રૂપે. રીતસરના સંવાદો ચેપલિનની ફિલ્મમાં પહેલવહેલા સાંભળવા મળ્યા છેક ૧૯૪૦માં ‘ગ્રેટ ડિક્ટેટર’ નામની ફિલ્મમાં. તે પછી આધુનિક ઔદ્યોગિક અને શહેરી સમાજ પરના કટાક્ષરૂપે ચેપલિનની ફિલસૂફી વ્યક્ત થઈ ‘મોડર્ન ટાઇમ્સ’માં. માનવ ઇતિહાસના મહાન સિતમગરો પૈકીના એક હિટલર પર કટાક્ષના ચાબખા ફટકારનારી ફિલ્મ ‘ગ્રેટ ડિક્ટેટર’માં ચેપલિન બેવડી ભૂમિકા ભજવે છે : ખુદ એ સરમુખત્યારની તથા દેખાવમાં એના જેવા જ લાગતા એક યહૂદી હજામની. તે પછી પેલા મહાન મુફલિસનું પાત્ર ચેપલિનની ફિલ્મોમાંથી વિદાય લે છે. વાણીના કરતાં અનેકગણી વધુ ચોટદાર અભિવ્યક્તિ માત્ર મૂંગા હાવભાવ મારફત કરી શકનાર મુફલિસનું પાત્ર બોલતી ફિલ્મોના યુગમાં કોળી શક્યું નહીં. અને ચેપલિનની સફળતા ને સિદ્ધિ પણ હવે કરમાવા લાગી. મુફલિસના પાત્ર વગરની હવેની ફિલ્મોએ ચેપલિનના ચાહક પ્રેક્ષકોને નિરાશ કર્યા, તેમ જ વિવેચકોને તેમાંનો આદર્શવાદ બહુ બોલકો લાગવા માંડ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં સામ્યવાદ-વિરોધી એક મોટો જુવાળ આવ્યો તે ભલભલા પ્રગતિશીલોને બદનામીના ઘોડાપૂરમાં તાણી ગયો. સોવિયેત સંઘ સાથે મૈત્રીની હિમાયત કરનાર ચેપલિન જેવા ભડવીરને પણ અમેરિકા છોડવાની નોબત આવી. તે પછીનાં વીસ વરસ એમણે યુરોપમાં ગાળ્યાં તે દરમિયાન બે જ ફિલ્મો બનાવી, એ પ્રમાણમાં અસફળ નીવડી. અંતે, ચેપલિન જેવા મહાન કલાકારને પોતે કરેલા અન્યાયનું કાંઈક પ્રાયશ્ચિત્ત અમેરિકાએ ૧૯૭૨માં કર્યું. તે વરસે, ઉત્તમ ચલચિત્ર કલા માટેના મશહૂર ‘ઓસ્કાર’ પારિતોષિકો આપવાના ભવ્ય વાષિર્ક સમારંભમાં ચેપલિનનું અત્યંત ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ૧૯૭૭માં, ૮૮ વરસની વયે એમનું અવસાન થયું ત્યારે, સમસ્ત માનવજાતને વધુમાં વધુ હસાવનાર વ્યક્તિ તરીકે ચાર્લી ચેપલિનનું નામ ઇતિહાસમાં અંકિત થઈ ચૂક્યું હતું.