સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેશ દવે/ગુરુદેવ અને બિજોયા
બહુ ઓછા સર્જકોએ રવીન્દ્રનાથ ઠાકુર જેટલું બહુવિધ અને વિપુલ સાહિત્ય-સર્જન કર્યું હશે. કવિતા, નાટક, નવલિકા, નવલકથા, આત્મચરિત્રાત્મક લેખન, પ્રવાસકથા અને બાળસાહિત્ય સહિતનાં તમામ સ્વરૂપોમાં એમની પાસેથી અઢળક મળ્યું છે. એમના અન્ય સાહિત્ય જેટલું જ તેમનું પત્ર-સાહિત્ય મબલક અને માતબર છે. રવીન્દ્રનાથ જબરા પત્રલેખક હતા. રવીન્દ્રનાથના જીવનકાળ દરમિયાન ‘યુરોપ પ્રવાસીર પત્ર’, ‘ચિઠીપત્ર’, ‘યુરોપયાત્રીર ડાયરી’, ‘છિન્નપત્ર’, ‘ભાનુસિંહેર પત્રાવલિ’, ‘સૂર ઓ સંગતિ’ અને ‘પથેર સંચય’ એટલું પત્ર-સાહિત્ય પ્રગટ થયું હતું. તેમના મૃત્યુ પછી ‘સ્મૃતિ’, ‘પલ્લિ પ્રકૃતિ’, ‘સંગીતચિંતા’ અને ‘ચિઠીપત્ર’ના દસ ભાગ પ્રગટ થયા છે. ટૂંકમાં તેમના પત્ર-સાહિત્યના વીસ ગ્રંથો થયા છે, પણ તેમાં ક્યાંય રવીન્દ્રનાથ અને વિક્ટોરિયા ઓકામ્પોના પત્રવ્યવહારનો સમાવેશ નથી. ઓકામ્પો અને રવીન્દ્રનાથ વચ્ચેનો પત્રવ્યવહાર નવેમ્બર ૧૯૨૪થી શરૂ થયો. તે પહેલાં રવીન્દ્રનાથ વિક્ટોરિયા ઓકામ્પોને ઓળખતા નહોતા. ઓકામ્પો પણ રવીન્દ્રનાથને પ્રત્યક્ષ મળ્યાં નહોતાં; જોકે તેમણે રવીન્દ્રનાથનાં પુસ્તકો વાંચેલાં. આકસ્મિક રીતે રવીન્દ્રનાથ અને ઓકામ્પોનું મિલન થયું. એ મધુર અકસ્માત રસિક નીવડ્યો અને એમાંથી એક રોમહર્ષક સંબંધ બંધાયો. અમેરિકાની દક્ષિણે આવેલો પ્રદેશ લૅટિન અમેરિકા તરીકે ઓળખાય છે. તે પ્રદેશમાં ઘણાં રાજ્યો છે. તેમાંના એક રાજ્ય પેરુએ તેની સ્વાતંત્ર્યની શતાબ્દીની ઉજવણીમાં રવીન્દ્રનાથને આમંત્રણ આપ્યું. ત્યાંથી મેક્સિકો પણ જવાનું હતું. બંને દેશો રવીન્દ્રનાથની સંસ્થા ‘વિશ્વભારતી’ માટે એકએક લાખ ડોલર આપવાના હતા. ઓક્ટોબર ૧૯૨૪માં રવીન્દ્રનાથ પેરુ જવા નીકળ્યા. એટ્લેન્ટિક મહાસાગર પાર કરી રવીન્દ્રનાથ દક્ષિણ અમેરિકા પહોંચ્યા. ત્યાં અધવચ્ચે જ નાદુરસ્તીને કારણે આર્જેન્ટિનામાં ઊતરી જવું પડ્યું. ત્યાં સારવાર લઈ, અઠવાડિયું રોકાઈ પેરુ જવાનું નક્કી કર્યું, પણ હૃદયના નિષ્ણાતોએ ટાગોરને સંપૂર્ણ આરામ લેવા ફરમાવ્યું. અઠવાડિયાને બદલે આર્જેન્ટિનાના બુયોનેસ એરિસ નગરમાં એક મહિનો ને વીસ દિવસ રોકાઈ જવું પડ્યું. પેરુની ઉજવણીમાં જવાનું રદ કરવું પડ્યું. બુયોનેસ એરિસમાં રવીન્દ્રનાથના જીવનમાં એક નવું અને અજબ પ્રકરણ ઉમેરાયું. રવીન્દ્રનાથને બુયોનેસ એરિસમાં કોઈ પરિચય નહોતો. ક્યાં રહેવું, શું કરવું તેની મૂંઝવણ હતી. તેમને ખબર નહોતી કે તેઓ ઓળખતા નહોતા એવી વિક્ટોરિયા ઓકામ્પો નામની રવીન્દ્રનાથની એક જબરી ચાહક રાજધાની બુયોનેસ એરિસના ઉપનગર સાન ઇસીદ્રોમાં વસતી હતી. વિક્ટોરિયાને જ્યારે ખબર પડી કે રવીન્દ્રનાથ પેરુ જવા બુયોનેસ એરિસથી પસાર થવાના છે ત્યારે તેની ખુશાલીનો પાર ન રહ્યો. વિક્ટોરિયા સાહિત્યવર્તુળોમાં નામના કાઢી રહી હતી. ફ્રેન્ચ અને સ્પૅનિશ સારું જાણતી, અંગ્રેજી આછું અને ઓછું આવડતું. સાહિત્યની તે ગજબની શોખીન હતી. તેના લગ્નજીવનની કરુણાંતિકા વખતે દસ વર્ષ પહેલાં ‘ગીતાંજલિ’ના ફ્રેન્ચ અનુવાદે તેને શાતા અને સ્થિરતા આપી હતી. તેણે રવીન્દ્રનાથના યેટ્સે કરેલા અંગ્રેજી, જીદે કરેલા ફ્રેન્ચ અને ઝેનોબિયાએ કરેલા સ્પૅનિશ અનુવાદો વાંચ્યા હતા. વિક્ટોરિયાને જ્યારે ખબર પડી કે રવીન્દ્રનાથને બુયોનેસ એરિસમાં રોકાવું પડે તેમ છે, ત્યારે પ્લેટ નદીને કિનારે ‘વિલા મિરાલરિયો’ નામના બંગલામાં રવીન્દ્રનાથના રહેવા માટે તેણે વ્યવસ્થા કરી આપી. એનું ઘર તેની નજીકમાં જ હતું. ચોત્રીસ વર્ષની વિક્ટોરિયાને રવીન્દ્રનાથ માટે આદર જ નહીં, પ્રેમ હતો. ત્રેસઠ વર્ષના પણ જાજરમાન રવીન્દ્રનાથની તેણે અનેક રીતે સેવા કરી. તે રોજ વિલા મિરાલરિયો આવતી. તેમાંથી બંને વચ્ચે એક સરસ, સુંદર, લાગણીસંબંધ બંધાયો. રવીન્દ્રનાથના ઘણા વખતના શુષ્ક, એકાકી જીવનમાં સાહિત્ય, લાગણી અને ઉષ્માની મીઠી વીરડી ફૂટી. ઘણા વખતે નવાં ગીતોનો ફાલ ઊતર્યો. રવીન્દ્રનાથ વિક્ટોરિયાને ‘વિજયા’ કહી સંબોધતા. ઓકામ્પોને ત્યાં લખાયેલાં ગીતો પછીથી ‘પૂરબી’ નામના સંગ્રહમાં ગ્રંથસ્થ થયાં છે. તે સંગ્રહ રવીન્દ્રનાથે ‘વિજયા’ને અર્પણ કર્યો છે. વિક્ટોરિયાએ પાછળથી સ્પૅનિશ અને ફ્રેન્ચ સાહિત્યમાં નામ કાઢ્યું. રવીન્દ્રનાથના જીવનમાં આવેલી સ્ત્રીઓમાં ‘વિજયા’ કદાચ સૌથી વધુ બુદ્ધિમાન, રસિક, સાહિત્યપ્રેમી, અને રવીન્દ્રનાથનાં રસ-રુચિ સાથે તાલ મિલાવી શકે તેવાં હતાં. રવીન્દ્રનાથ અને વિક્ટોરિયા વચ્ચે સાઠેક પત્રોની આપ-લે થઈ છે. રવીન્દ્રનાથના મૃત્યુ (૧૯૪૧) પછી ચાળીસેક વર્ષ સુધી રવીન્દ્રનાથ અને ઓકામ્પો વચ્ચેના સંબંધ કે પત્રવ્યવહાર પર ધ્યાન અપાયું હોય એવું જણાતું નથી. ૧૯૮૦ના અરસામાં રવીન્દ્ર ભવન, વિશ્વભારતી તથા શાંતિનિકેતને રવીન્દ્રનાથ અને ઓકામ્પો વચ્ચેના પત્રવ્યવહારનું સંપાદન કરાવવાનું નક્કી કર્યું. સંપાદનનું કામ ઓક્સફર્ડમાં રહેતાં કેતકી કુશારી ડાયસનને સોંપવામાં આવ્યું. કેતકી મૂળ બંગાળનાં; અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પૅનિશ જાણે. આ અગાઉ તેમણે ‘રવીન્દ્રનાથ ઓ વિક્ટોરિયા ઓકામ્પોર સંધાને’ નામની નવલકથા બંગાળીમાં લખી હતી. કેતકીએ શાંતિનિકેતન, બુયોનેસ એરિસ અને ઇંગ્લૅન્ડ એમ ત્રણ ખંડોમાં ફરી, સાહિત્ય તપાસ્યું, સંબંધિત વ્યક્તિઓના પત્રો જોયા, તેનો ક્રમ ગોઠવ્યો, સંકલન કર્યું, ઘટતી જગ્યાએ ટિપ્પણ અને નોંધો લખી અને એ રીતે પ્રમાણભૂત સંપાદન કર્યું. એ પુસ્તક ‘In Your Blo“oming Flower-Garden’ના નામથી પ્રગટ થયું છે. રવીન્દ્રનાથ અને ઓકામ્પોના એકબીજા પરના પત્રો લાગણીનો ઉત્કટ સંબંધ દર્શાવે છે. નવેમ્બર અને ડિસેમ્બર ૧૯૨૪ દરમિયાન બંને એક જ સ્થળે, એક જ ઘરમાં હતાં, છતાં મોઢામોઢ વાત કરવાને બદલે બેઉ વચ્ચે નવ જેટલા પત્રોની આપ-લે થઈ! ઓકામ્પોએ લખ્યું છે તેમ, “લાગણી હૃદયતંત્રને હલબલાવી મૂકે ત્યારે બોલી શકાતું નથી”. કવિ રાતે વાતો કરે, લખેલી નવી કવિતા આપે અને ઓકામ્પો મંત્રમુગ્ધ થઈ સાંભળી રહે, તેવો માહોલ અવારનવાર ગોઠવાતો. રવીન્દ્રનાથ લખે છે, “એકલતાનો ભારે બોજ લઈ હું જીવી રહ્યો છું”… “મારા અંતરને કોઈ પામે એવી મારી અભિલાષા માત્ર સ્ત્રીના પ્રેમ વડે સંતોષાઈ શકે એમ છે”… “તું મને ચાહે છે એટલે જ આ બધી વાતો તને કહી શકું છું…” આવું ઘણું બધું લખાણ ટાંકી શકાય.
[‘રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ’ પુસ્તક : ૨૦૦૬]