સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/રામ રાખે ત્યમ રહિયે
રામ રાખે ત્યમ રહિયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહિયે,
આપણે ચિઠ્ઠીના ચાકર છૈયે.
કોઈ દિન પ્હેરિયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરિયે.
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યાં રહિયે.
કોઈ દિન રહેવાને બાગબગીચા, તો કોઈ દિન જંગલ રહિયે.
કોઈ દિન સૂવાને ગાદીતકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે.