સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/ક્યમ રહું?

હરિ, મને કોકિલ બનાવી વગડે મેલીયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ,
હવે હું મૂંગો ક્યમ રહું!

હરિ, મને ઝરણું બનાવી ગિરિથી દેડવ્યું,
વળી તમે દરીઓ થઈ દીધી દિલે આશ,
હવે હું સૂતો ક્યમ રહું!

હરિ, મને સુવાસ બનાવી કળીયું ખીલવી,
વળી તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ,
હવે હું બાંધ્યો ક્યમ રહું!

હરિ, મને દીપક પેટાવી દીવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ,
હવે હું ઢાંક્યો ક્યમ રહું!

હરિ, મને હુંપદ આપીને પુરુષાર્થી કીધો,
વળી તમે પરમપદ થઈ દીધી પ્યાસ,
હવે હું જુદો ક્યમ રહું!

[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]