સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/પારિતોષિક પહેલાં પતરાં

આફ્રિકાના ઊંડાણમાં પચાસ વર્ષ સુધી ગરીબોની, દરદીઓની, રક્તપિત્તિયાંઓની સેવા કરતાં કરતાં ૧૯૬૫માં સ્વર્ગે સિધાવેલા ડૉક્ટર આલ્બર્ટ શ્વાઈત્ઝર એક દિવસ રક્તપિત્તિયાં માટેની હૉસ્પિટલનું છાપરું બાંધી રહ્યા હતા. તે વેળાએ સ્વીડનથી ખાસ આવેલ એક સંદેશવાહક તેમની સમક્ષ ખડો થયો અને ખૂબ ખુશાલી દર્શાવતાં બોલ્યો : “હું સ્ટોકહોમથી આવું છું. આપશ્રીને મારે....” ડૉક્ટરે વચ્ચે જ કહ્યું : “ઠીક, ઠીક, આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો? સારું થયું તમે વખતસર આવી ચડયા — એકલે હાથે ખીલા મારતાં મને ફાવતું નહોતું.” પોતાનો ઉમળકો માંડ શમાવીને પેલા સજ્જને ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠોકાઈ રહ્યા એટલે એણે વાત આગળ ચલાવી : “ડૉક્ટર શ્વાઈત્ઝર, નોબેલ પારિતોષિક સમિતિએ મને આપની પાસે મોકલ્યો છે. આપ સ્ટોકહોમ પધારો અને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતી છે.” ડૉક્ટરે સહજભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યું : “હું આવીશ — પણ હમણાં આવી શકાય તેવું નથી. મારે હજી આ મકાન તૈયાર કરવાનું છે. દરદીઓને બાપડાને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમિતિનો આભાર માનજો ..... એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામ લાગશે.” એટલું બોલીને ડૉક્ટર શ્વાઈત્ઝર નીચું ઘાલીને પાછા પતરાં બેસાડવાના કામે લાગી ગયા.