સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/અંગ્રેજના ગુણદોષ


અંગ્રેજી પ્રજાએ ઘણાં પુણ્યકાર્યો કર્યાં છે. તેને સારુ પ્રભુ તેનું ભલું કરો. પણ અંગ્રેજી પ્રજાને નામે અંગ્રેજી અધિકારીઓએ હિંદુસ્તાનને શસ્ત્રરહિત કરી જે અઘોર પાપ કર્યું છે, તે તેનાં બધાં પુણ્યોને ધોઈ નાખશે. રાષ્ટ્રની ગુલામી પાકે પાયે થઈ ગઈ છે. અંગ્રેજોએ ઇરાદાપૂર્વક આમ કરવા નહીં ધાર્યું હોય, પણ તેમનો એવો ઇરાદો હોત તો પણ તેઓ આથી વધારે કરી શકત નહીં. હું ઇંગ્લેંડને વળગી રહ્યો છું તેનું કારણ એટલું જ છે કે હું માનું છું કે એ હાડે ખરાબ નથી. બીજી તરફથી, હિંદુસ્તાનને નઃશસ્ત્ર કરવાનું ઇંગ્લેંડનું કૃત્ય, અને હિંદુસ્તાનના ધનનું અને કળાનું અંગ્રેજોના વેપારી લોભની વેદી ઉપર અપાયેલું બલિદાન — એ બધાંને હું એટલું ધિક્કારું છું કે મારામાં પેલી શ્રદ્ધા ન હોત તો હું ક્યારનોય બળવાખોર બન્યો હોત. અંગ્રેજી પ્રજાના ગુણો ઉપર મારો વિશ્વાસ છે. એ પ્રજાએ હિંદુસ્તાનને ઘણું નુકસાન કર્યું છે, છતાં તેના ગુણદોષોનું માપ કરતાં મને તો ગુણનું માપ ચડિયાતું જણાય છે. પોતાની નીચે રહેલી પ્રજાને તેનું સ્વમાન ભુલાવવાના મહાન દોષો અંગ્રેજોમાં છે. પણ તેઓના બરોબરિયાને પૂરું માન આપવાના ને તેની તરફ વફાદારી બતાવવાના ગુણો પણ તેનામાં છે. બીજાના જુલમ નીચે કચરાયેલાને તે પ્રજાએ ઘણી વેળા મદદ કરેલી છે. અંગ્રેજ પ્રજાએ હલકાં કામો કીધેલાં છે, પણ તેને હલકી વાત ગમતી નથી. એથી એ જ પ્રજામાંથી પોતાની પ્રજાએ કરેલાં પાપ સામે બોલનારા નીકળ્યા છે. એ જ પ્રજાએ અનેક સુધારા કરવાની તત્પરતા બતાવી છે.