સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પામરતાનું પાપ
દેશમાં પક્ષો તો હંમેશાં રહેવાના જ. કોઈ પણ સુધારાને માટે બધાને સામાન્ય એવો કાર્યક્રમ શોધી શકાય નહીં. કારણ, કેટલાક બીજાઓના કરતાં વધારે આગળ જવાનું ઇચ્છનારા હોય. આવી તંદુરસ્ત વિવિધતામાં હું હરકત જોતો નથી. પણ આપણામાંથી જે વસ્તુ હું દૂર કરવા ઇચ્છું છું તે તો એ કે, આપણે એકબીજા પર ખોટા હેતુઓનું આરોપણ ન કરીએ. આપણને ઘેરી વળેલું પાપ એ આપણા મતભેદો નથી પણ આપણી પામરતા છે. શબ્દો ઉપર આપણે મારામારી કરીએ છીએ. ઘણી વાર તો પડછાયાને માટે આપણે લડીએ અને મૂળ વસ્તુ જ ખોઈ બેસીએ છીએ. ખરેખરી નડનારી વસ્તુ આપણા મતભેદો નથી, પણ તેની પાછળ રહેલી આપણી લઘુતા છે. [‘યંગ ઇન્ડિયા’ અઠવાડિક પરથી અનુવાદિત : ૧૯૧૯]