સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/વિયોગદુખ


પૂજ્ય બહેન, તમને વધારે પૈસા હું ક્યાંથી આપું? મારે મિત્રાના પૈસા દેવાના. હું કયે મોઢે પૈસા માગું? એ પણ પૂછે, “તારી બહેન તો તારી સાથે જ હોવાં જોઈએ.” એનો જવાબ હું શું આપું? મારી બહેન પણ મારા કામમાં મને મદદ કરી રહ્યાં છે, એમ અભિમાનપૂર્વક કહેવાનો અવસર તમે નથી આપતાં. આવી દશામાં હું એક જ વસ્તુ તમને કહી શકું છું : તમે જે અગવડો ભોગવી રહો છો, એથી વધારે સગવડ ભોગવીને હું રહેતો નથી. તેથી તમારાં દુઃખ મને અસહ્ય નથી લાગતાં. તમે દળણાં દળીને ખૂટતા પૈસા મેળવો છો, તેમાં મને કશીય શરમ નથી લાગતી. હું તો એટલું માગું છું કે તમે અહીં આવીને મારી સાથે વસો, મારા કામમાં ભાગ લો. એમ કરશો તો, અત્યારે તમને ભાઈ નથી એમ લાગતું હશે તે દશા મટી જશે અને એકને બદલે ઘણા ભાઈઓ જોશો. અને ઘણાં બાળકોની તમે મા બનીને બેસશો. આ શુદ્ધ વૈષ્ણવધર્મ છે. એ તમને ન વસે ત્યાં સુધી આપણે વિયોગદુખ સહન કરવાનું રહ્યું. તમને કાગળ તો નથી લખતો, પણ તમારી મૂર્તિ મારી પાસેથી એક ઘડીભર દૂર રહી નથી. તમે મારી પાસે નથી, એથી જે ઘા મને વાગેલો છે તે ઘા કદી રૂઝાઈ જ ન શકે એવો છે. એ તમે જ રૂઝવી શકો. તમે મારી પાસે હો, તો મને તમારો ચહેરો જોઈને બાની કાંઈક યાદી તો આવે જ. તેથી પણ તમે મને દૂર રાખ્યો છે તેની તમારી સામેની મારી ફરિયાદ બંધ ન રહી શકે એવી છે. હું કાગળ લખું તોયે મારી બળતરા જ બતાવી શકું અને આમાં જેમ મારું છે તેમ મહેણાં જ મારી શકું. તેથીયે કાગળ લખવામાં ઢીલ કરું છું.