સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/હરહંમેશના ભેરુ


કિશોરલાલ મશરૂવાળા આપણા વિરલ કાર્યકરોમાંના એક છે. એ અવિશ્રાંત પરિશ્રમ કરનારા છે. ઝીણામાં ઝીણી વિગત પણ એમની નજર બહાર જતી નથી. તેઓ ગુજરાતીના જેટલા જ મરાઠીના વિદ્વાન છે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાં કે કોમી અભિમાનોથી સર્વથા મુક્ત સ્વતંત્ર વિચારક છે, જન્મસિદ્ધ સુધારક છે, સર્વ ધર્મોના અભ્યાસી છે. ધર્મઝનૂનનો વા પણ એમને વાયો નથી. એઓ જવાબદારી અને જાહેરાતથી હંમેશાં દૂર રહેવા માગે છે. અને છતાં જો એક વાર જવાબદારી લીધી, તો પછી એમના કરતાં વિશેષ સૂક્ષ્મતાપૂર્વક એને પાર પાડનાર બીજો મેં જાણ્યો નથી. પોતાની ક્ષીણ તબિયતની બિલકુલ પરવા ન કરતાં (પ્રજાસેવકને સારુ આને હું ગુણરૂપ નથી લેખતો) તેઓ તમામ સાધકોના હંમેશાં ને હરપ્રસંગે ભેરુ થઈ પડ્યા છે. આ બધી વિગતો કિશોરલાલનો મહિમા વધારવા હું નથી લખતો. એમને મહિમાની કે ગૌરવગાનની મુદ્દલ જરૂર નથી. મારા આત્મસંતોષને ખાતર હું તે લખી રહ્યો છું. [‘હરિજનબંધુ’ અઠવાડિક: ૧૯૪૦]