સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યદુનાથ થત્તે/બાની વરસગાંઠ


હાલમાં નવાનવા તહેવારો નવા જમાના મુજબ નીકળવા લાગ્યા છે. નેતાઓના જન્મપ્રસંગે હવે તેમની વર્ષગાંઠો ઊજવવામાં આવે છે. નાનાં બાળકોના જન્મદિન તો ઘણા સમયથી ઘેરઘેર ઊજવવામાં આવે છે. પરંતુ દુનિયામાં બધી વ્યક્તિઓના કરતાં જેનું મહત્ત્વ વધારે છે એવી તો માતા જ છે. અમેરિકા જેવા દેશોમાં મે મહિનાની ૧૧મીએ માતૃદિન ઊજવવામાં આવે છે. તે લોકોએ માતૃપૂજાને રાષ્ટ્રીય તહેવારોમાં સ્થાન આપ્યું છે. સારી કલ્પના કોઈની પણ હોય, તે સારી હોય તો તેનો અમલ કરવામાં જ અકલમંદી છે. આ વાત મારા મનમાં આવી અને અમે આ વરસથી જ તેનો અમલ કરવાનો નિશ્ચય કરી લીધો. બા બાળકો માટે કેટલો પરિશ્રમ ઉઠાવે છે, કેટલો ત્યાગ કરે છે! તે માટે કૃતજ્ઞતા પ્રગટ કરવાની કલ્પના બધા પરિવારને ગમી ગઈ. માતાની વરસગાંઠના દિવસે માતાને ખુશ રાખવાનું બધાંએ ઠરાવ્યું. જે દહાડે માતાનો જન્મદિન આવવાનો હતો તે દિવસે પિતાજીએ કામથી છુટ્ટી લઈ લીધી. આટલા મહત્ત્વના તહેવારના દિવસે અમે, ભલા, કેમ નિશાળે જઈ શકીએ? અમે પણ રજા લઈ લીધી. પ્રસિદ્ધ માણસોના જન્મદિવસો પર રજા લેવાનો તો આપણો રિવાજ જ છે. માનો જન્મદિવસ તે શું દિવાળીથી ઊતરતો તહેવાર હોઈ શકે? બધું ઘર સજાવવાનું હતું. સ્થાને સ્થાને ફૂલોની માળાઓ અને કાગળની ઝંડીઓ લગાવવાની હતી. આંગણાને લીંપીગૂંપી ત્યાં સાથિયા ચીતરવાના હતા. ઘરમાં દીવાલે દીવાલે ‘માતૃદેવો ભવ’, ‘One who rocks the cradle rules the world’, ‘ન માતુઃ પરં દૈવતમ્’, ‘માતા એ ભગવાનનું સૌથી સૌમ્ય રૂપ છે’ એવાં સૂત્રો અને કહેવતો મોટામોટા અક્ષરોમાં લખવાનાં હતાં. ફૂલોની માળાઓ બનાવવામાં અમારી મા અજોડ છે. બધા ગામમાં તેની ખ્યાતિ છે. દર વરસે દિવાળીમાં ઘર સજાવવાનું કામ તો એ જ કરે છે. તો બાના જેવા અનુભવીને છોડીને અમારાં જેવાં બિનઅનુભવી છોકરાંઓ ઘરને શું સજાવવાનાં હતાં? બાએ આ કામ ઉપાડી લીધું. અમને કરવા જ ન દે! અમે તેને ફરી ફરી કહીએ કે અમે કરી લઈશું બધું. પણ તે માને ત્યારે ને? હું ઘર સજાવવામાં આટલો રસ ધરાવતો ન હતો, પણ મારી બહેનો કહેતી કે ઘર સજાવ્યા વગર ઉત્સવ કેવો! ઘરની સાફસૂફી પણ માતાએ પોતે જ કરી લીધી. અમે તો માતાને દુઃખ ન આપવાની પ્રતિજ્ઞા લઈને બેઠાં હતાં! થોડા માટે, ભલા, તેને નારાજ કેમ કરાય? અને તહેવારને માટે નવાં કપડાં તો તદ્દન જરૂરી છે. મારી બહેનો આ તહેવાર માટે સારી સારી રેશમી સાડીઓ ખરીદીને લાવી. રેશમી સાડી અને સુતરાઉ બ્લાઉઝ તો મેળ વિનાનાં જ દેખાય. એથી બ્લાઉઝ માટે પણ કપડું લેવું પડ્યું. આપણા દેશના દરજીઓ તો તદ્દન ગમાર છે. વખતસર કપડું સીવીને આપે તો તે દરજી જ શાના? અને આટલા થોડા સમયમાં કોણ કપડું સીવીને આપે? તેથી બરોબર સમય પર કપડાં તૈયાર થાય એ માટે માતાએ પોતે બ્લાઉઝ સીવીને તૈયાર કરી આપવાનું આશ્વાસન આપ્યું. માતાનો જન્મદિવસ ઊજવવાના તહેવાર માટે અમો બન્ને ભાઈઓ માટે પિતાજીએ બે બુશકોટ ખરીદ્યા. તેઓશ્રીએ આ પુણ્યપ્રસંગની યાદ માટે એક સારી ફાઉન્ટનપેન ખરીદ કરી. માતા માટે અમે કૅલિકોનું સારું કપડું લેવાનું ધાર્યું હતું. પણ સમય એવો આવ્યો છે કે ચીજની જે વખતે જરૂર હોય તે વખતે એ મળે જ નહિ, અને મામૂલી માણસ કાળા બજારની કિંમત આપીને શું ખરીદી શકે? તેથી બાએ કહ્યું : “રહેવા દો. આગળ સગવડે લઈ લઈશું. હમણાં જ ખરીદવાની ઉતાવળ શી છે? મારી જૂની સાડીઓ છે — જે હું તહેવારના દિવસે પહેરું છું — તે પહેરીને જ આ તહેવાર ઊજવીશ.” અમે તેને નારાજ કરવા ઇચ્છતા ન હતા, એટલે એનું કહેવું માનવું જ પડ્યું. પહેલાં તો તે માતૃદિન ઊજવવા જ રાજી ન હતી. જેમ તેમ કરીને તેને ગળે એ ઉતાર્યું હોવાથી તેની ઇચ્છાને પ્રમાણ માન્યા વગર આરો જ ન હતો. માતાને રોજ ઘરનું એટલું બધું કામ કરવું પડે છે કે તેને ફરવા જવાની પણ તક નથી મળતી. રસોઈમાંથી પણ ભાગ્યે જ રજા મળે. તેની વર્ષગાંઠના દિવસે તો રસોઈમાંથી તેને રજા મળવી જોઈએ! તે દિવસે તેને મોટરમાં બેસાડીને સૈર કરવા લઈ જવાનું પણ અમે ધાર્યું હતું. નજીકમાં એક સારું તળાવ હતું. બા કેટલાંય વર્ષોથી તે જ ગામમાં રહેતી હતી, છતાં એક વાર પણ તળાવ જોવા જવાનું શક્ય બન્યું ન હતું. પણ તળાવ પર જઈએ તો સાથે નાસ્તો તો જોઈએ જ! પણ બહેનોને રસોઈ કરવાનું જ્ઞાન ન હતું. જુઓ તો, આજકાલની સુશિક્ષિત યુવતીઓ! તે શું રસોઈ જાણે! ચા બનાવવા પણ કોઈ તેઓને કહે તો આંખ કાઢતી. કોક વાર બનાવતી, તો કાં તો ખાંડ નાંખવી ભૂલી જતી, કાં તો બે વાર ખાંડ નાખતી. તહેવારના દિવસે નાસ્તો સારો ન થાય તો બધી મઝા જ ચાલી જાય! રસોઈ કરવા માટે અમે માણસની તપાસ કરવા માંડી. પણ રસોઈયો ન જ મળ્યો. રસોઈયો એટલા બધા પૈસા માગતો હતો કે તેને બોલાવીએ તો મોટરમાં સૈર કરવાનો કાર્યક્રમ રદ કરવો પડત. બાએ કહ્યું : “હું રસોઈ બનાવીશ, મોટરમાં સૈર કરવાનો કાર્યક્રમ રદ ન કરવો જોઈએ.” મેં કહ્યું : “હોટેલમાંથી નાસ્તો લઈ લઈએ તો પણ કામ પતી જાય.” પણ બાને આ વાત સારી ન લાગી. ઘરમાં માણસ હોય ત્યારે હોટેલમાં કેમ જઈએ? અને હોટેલની ગંદકીની તેને ઘણી ઘૃણા હતી. બીજો ઉપાય ન હોવાથી બાની સૂચના અમારે સ્વીકારવી પડી. અને બાએ નાસ્તો બનાવ્યો. બરોબર સમયસર મોટર આવી. ભાડૂતી મોટર હતી. ભાડાની મોટરમાં તો પાંચ જ માણસો બેસી શકે. જનારાંઓ હતાં છ. અમે ડ્રાઇવરને છ માણસોને લઈ જવા વિનંતી કરી. પૈસા પણ વધારે આપવા તૈયાર થયા. પણ તે એકનો બે ન થયો. મામલો ઘણો જ મુશ્કેલ બની ગયો. છ માણસ તો જઈ શકતા ન હતા. ઘેર કોણ રહે? અમે બે ભાઈઓ તળાવમાં તરવા ખાતર જવાના હતા. બહેનો બનીઠનીને તૈયાર થઈ હતી. એટલે અમારામાંથી તો પાછળ કોણ રહે? પિતાશ્રી ઘેર રહેવા તૈયાર હતા, પણ માતા તેઓશ્રીના સિવાય આવવા રાજી ન હતી. પિતાશ્રીએ અમારા તરફ એક વાર આશાથી જોયું કે અમારામાંથી કોઈ પાછળ રહે તો સારું. પણ અમે તો સમતાના ભક્ત, અમારામાંથી કોણ અને કેમ પાછળ રહે? અમારા ચહેરા ઉપર નારાજીનો ભાવ જોઈ માએ કહ્યું : “મારી ચિંતા ના કરશો. તમે સૈર કરી આવ્યાં તો હું પણ સૈર કરી ચૂકી એમ સમજીશ. તમે બધાં જાઓ. મારી તબિયત સારી નથી. માથું પણ દુઃખે છે.” બાની વર્ષગાંઠના દિવસે તેને નારાજ કેમ કરાય? તેની ઇચ્છાને માન આપવું જ પડ્યું! અમે બધાં મોટરમાં બેઠાં. માએ ઘણી ખુશીથી અમને રવાના કર્યાં. અમારી મોટર જ્યાં સુધી દેખાતી હતી ત્યાં સુધી તે મોટર તરફ જોતી ઊભી હતી. તળાવ પર અમે પહોંચ્યાં. ચારે તરફ ખૂબ ફર્યાં. તરવામાં પણ ઘણી મજા આવી. પિતાશ્રી કહેવા લાગ્યા : “તમારી બા આવત તો આટલી મજા ન પડત. તે બિચારી આટલું ન ફરી શકત! તેના પગ થાકી જાત. તે ન આવી એ જ સારું થયું. બીજું કશું નહિ, પણ તેને આરામ તો મળ્યો.” બાએ નાસ્તો તો શું પણ ભોજનની જ પૂરી સગવડ કરી આપી હતી. અમે મીઠાઈઓ ઉડાવી. સાંજે ત્યાંથી પાછાં ઘેર આવ્યાં તો ઘણાં થાકી ગયાં હતાં. અમે ઘેર પહોંચ્યાં ને પિતાજીના બે દોસ્ત મળવા આવ્યા. પિતાજી તેઓની સાથે ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા. બાએ જોયું કે અમે ઘણાં જ થાકી ગયાં છીએ. રસોડામાં જઈને એ રસોઈ કરવા મંડી. મારી બન્ને બહેનો ઘણી જ થાકી ગઈ હતી. ઘેર આવી તો લાસ જ થઈને આવી હોય એમ લાગતું હતું. બાએ તેમને જોઈને કહ્યું : “જાઓ બેટી, ઘણી જ થાકી દેખાઓ છો. જઈને આરામ કરો.” બાએ રસોઈ પૂરી કરી ત્યાં આઠ વાગ્યા. બધાં સાથે જ ભોજન કરે તો ઠીક એમ ધાર્યું હતું. પણ જ્યારે પિતાજીને ભોજન માટે આમંત્રણ આપવા હું ગયો ત્યારે મિત્રોની સાથે એમની વાતો ચાલુ જ હતી. તેમના આગ્રહથી મિત્રોએ પણ ખાવા માટે રોકાવાનું નક્કી કર્યું. પિતાજીએ કહ્યું : “છોકરાંઓની બાની આજે વર્ષગાંઠ અમે ઊજવીએ છીએ. તમારા જેવા મહેમાન અનાયાસે આવ્યા છે તો તેનો લાભ ઉઠાવવો જ જોઈએ.” પિતાજીનું નિમંત્રણ મિત્રોએ કબૂલ કર્યું. બાએ તેઓને પણ ભોજન પીરસ્યું. બધાંનો સાથે જ ભોજન કરવાનો વિચાર પડતો મૂકવો પડ્યો..પીરસવાનું કામ માતાએ જ કર્યું. બહેનો થાકી હતી, અને પુરુષો શું પીરસવાનું કામ કરે! પિતાજીએ ઘણા આગ્રહથી મહેમાનદોસ્તોને ખવડાવ્યું. ભોજન પણ ઘણું સારું થયું હતું. ભોજન પૂરું થયું એટલે બહેનોને નિદ્રા આવવા માંડી. બાએ કહ્યું : “તમે જઈને સૂઈ જાઓ. હું બધું કામ કરી નાખીશ.” હું ભોજન થયા બાદ રસોડામાં ગયો. અમારા તળાવના પ્રવાસનું વર્ણન સંભળાવવાની ઇચ્છા રાખીને હું ગયેલો. બા જમતી હતી. બે મહેમાનોના અચાનક આવવાથી ઘણી ઓછી વસ્તુઓ બચી હતી. ગળી ચીજ તો એક પણ બચી ન હતી. થોડોઘણો ભાત અને દાળ રહ્યાં હતાં. ચાર કોળિયા ખાઈને બા ઊઠી. વાસણો જમા કરવા માંડી. એટલામાં પિતાજી અને તેમના બન્ને દોસ્તો અંદર આવ્યા. દોસ્તો બોલ્યા : “ભાભીજી, આજે રસોઈ તો ઘણી જ સારી બની હતી. હવે હરવર્ષ અમે તમારી વર્ષગાંઠના દિવસે તમારા હાથનું ભોજન કરવા આવીશું.” મિત્રો ગયા બાદ પિતાજી રસોડામાં આવ્યા અને કહ્યું : “તમારી વર્ષગાંઠ ઘણી સારી રીતે પાર પડી. ઘણી જ મઝા આવી. હવેથી દર વર્ષે તમારી વર્ષગાંઠ ઊજવવાનો મેં નિશ્ચય કર્યો છે.” મેં પણ કહ્યું : “બા, તારી વર્ષગાંઠ ધામધૂમથી ગઈ ખરીને!” બાની આંખોમાં આંસુ આવ્યાં. તેણે કહ્યું : “આજનો દિવસ હું ક્યારેય પણ ભૂલીશ નહિ!” બાની આંખોમાં આંસુ જોઈને મને લાગ્યું કે અમારી બધી મહેનત સાર્થક થઈ છે!