સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેન્દ્ર વિ. ભટ્ટ/ભુલભુલામણી



સૂવા માટે ધરુવાડિયું, ફરવા માટે વાદળ,
ખાવા કૂણા તડકા-લચકા, પીવા માટે ઝાકળ!

નિશા-ફૂલનું મધુ શોધતાં જશું આગિયા પાછળ,
બીજ તણી બંકિમ હોડીમાં તરશું આગળ…આગળ!

પતંગ-પાંખો પહેરી, લઈને તમરાં-સૂરની સાંકળ,
થશું સવાર જ્યાં ધૂમકેતુનો ઘોડો દેતો હાવળ!

સૌ ભેરુ અમ પારિજાત ને ગુલાબ, આવળ-બાવળ,
અરજ પ્રભુને : જગમાં કો’નું કદી ન નીકળો કાસળ!

મોરપીંછ, બંસી માગીશું એક લાકડી-કામળ,
અમે માગશું ઘર-ઘરમાં હો નંદ-યશોદા-શામળ!

સૂર્ય-ચંદ્રની આંખે આંજી અંધારાનું કાજળ,
ભુલભુલામણી રમશું લઈને થોડા શબ્દો-કાગળ!