સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/પંડિત સુખલાલજી
આંખો નહોતી એના બદલામાં બીજી બધી ઇન્દ્રિયો અત્યંત સતેજ હતી. શ્રીમતી મૃદુલા પ્ર. મહેતાએ એમના ‘પુણ્યશ્લોક પંડિતજી’ નામના સંસ્મરણમાં એક પ્રસંગ નોંધ્યો છે.
તે દિવસે ઉકળાટ પછી પવન નીકળ્યો હતો. ચાંદની પણ એવી જ સુંદર હતી. મૃદુલાબહેને એનો ઉલ્લેખ નહોતો કર્યો છતાં પંડિતજી બોલેલા: “પવન જ સરસ છે તેમ નથી, ચાંદની પણ સરસ છે, ખરું ને!”
મૃદુલાબહેન ડઘાઈ જાય છે. પંડિતજી કહે છે: “જો, એમાં કંઈ અલૌકિક શકિતની જરૂર નથી. આજની હવામાં જે અનેરી શીતળતા છે તે પૂર્ણિમાની સોળે કળાએ ખીલેલી ચાંદની સિવાય સંભવે નહીં. એ અનન્ય શીતળતાનો અનુભવ આંખ હોય તેને થાય એના કરતાં વધારે તીવ્રપણે આંખ વગરનાને થાય એમ હું ધારું છું. મેં ઘણી વાર આજે પૂનમ છે તેમ આ અનુભવે જાણ્યું છે. તેમાંય વૈશાખી પૂનમ પરખાયા વિના રહે જ નહીં!”
એ પછીની ગંભીર-હળવી વાતચીત દરમિયાન પંડિતજી મૃદુલાબહેનને ચાંદનીનું વર્ણન કરવા કહે છે. એ આખો ભાગ લેખિકાના શબ્દોમાં જ મૂકવા જેવો છે:
“મેં વૃક્ષ, વેલીઓ, પુષ્પો અને સરિતાના જળમાં પડતા ચંદ્રના પ્રકાશ, પ્રતિબિંબ-વલયોનું થોડું વર્ણન કર્યું. પછી પંડિતજીએ પોતે નાનપણમાં માણેલી ચાંદનીનું વર્ણન કર્યું, તે શબ્દો મારી પાસે રહ્યા નથી પણ તે પછી તેમણે જે વર્ણન કર્યું તેની એક ઘેરી છાપ મારા અંતરમાં છે.
“કહે: ‘પ્રકાશ કરતાં અંધકાર, ગાઢ અંધકારનો અનુભવ કોઈએ ન કર્યો હોય તેવો તીવ્રપણે મેં કર્યો છે. સોળ વર્ષની વયે જ્યારે આંખો ખોઈ ત્યારે આંખોનું તેજ ગયું તેટલું જ નહીં, સમસ્ત જીવન જીવવાની બધી આશા-આકાંક્ષાઓ ફરતો ગાઢ અંધકાર વીંટળાઈ વળ્યો હતો. પ્રગાઢ અંધકાર, જ્યાં પ્રકાશનીઆછી રેખા ન હતી, આશાની ઝાંય સરખી નહોતી અને અંધકારના ડુંગરનો, ચોસલે ચોસલાનો એવો ભાર હતો કે ડોક ઊચી ન થઈ શકે. ઊડા અંધારા કૂવામાં મને કોઈએ ધકેલી દઈ જાણે જીવનનાં એકેએક દ્વાર બંધ કરી દીધાં હતાં. આ અંધકારનો ખડક સમો ભાર ભેદીને બહાર નીકળાશે કે કદી કોઈ પ્રકાશરેખા સાંપડશે તેવી કલ્પના જ અસંભવિત લાગતી હતી. મારા મનની ત્યારે એ સ્થિતિ હતી. કોઈ આધાર નહીં, કોઈ ઓથાર નહીં. તમે એકલા, અટૂલા નિ:સહાયપણે અંધકારના એ કળણમાં ખૂંપી જાઓ તેવી દશા. મૃદુલા, જીવનનો તે અંધકાર શબ્દમાં મુકાય તેવો નથી...’
“તેમના સદા પ્રસન્ન ચહેરા પર વિષાદ છવાઈ ગયો હતો. શબ્દે શબ્દે અસહ્ય વેદના નીતરી રહી હતી. તેઓ બોલતા ગયા અને મારી આંખોમાંથી આંસુ નીતરતાં રહ્યાં. જરા પણ અવાજ ન થાય, શ્વાસ પણ જોરથી ન લેવાય તેની મેં ખૂબ તકેદારી રાખેલી પણ પ્રજ્ઞાચક્ષુ પામી ગયા. એકાએક થોભીને કહે: ‘અરે, તું રડે છે? આ તો ચાંદનીની મજા બગડી ગઈ! હું તો વર્ણનમાં તલ્લીન થઈ ગયો. પણ સાંભળ, રડવા જેવું તેમાં હવે શું છે? ઘોર અંધકારનો અનુભવ કર્યો, તો એવા જ દેદીપ્યમાન પ્રકાશનો પણ અનુભવ કર્યો છે. ગાઢ અંધકારના અસહ્ય ભાર અને ઘોર નિરાશામાં એક પ્રકાશ-કિરણ ઝળક્યું—પુરુષાર્થનું એક પગલું દેખાયું—આંચકો મારીને માથું ઊચું કર્યું અને નિરાશાનો ખડક ગબડી પડ્યો. ધીમે ધીમે પગ માંડતાં, ટેકો મેળવવાની મથામણ કરતાં કરતાં એક સાંકળ હાથ આવી અને ઊડા કળણમાંથી બહાર આવ્યો તો જે ભવ્ય, દેદીપ્યમાન અને ઉજ્જ્વળ પ્રકાશ મને મળ્યો તેવો બહુ વિરલ આત્માઓને મળ્યો હશે. જીવનને આ કિનારે તો પ્રકાશ અને આનંદરસ છે. પછી પ્રારંભમાં અંધકાર હતો તેનું કંઈ દુ:ખ થોડું જ હોય! ચાલ, હવે ખુશ ને? એક સરસ ભજન ગા, પછી આપણે જઈએ.’ કહી તેમણે વાત સમેટી લીધી.
“બીજે દિવસે સવારમાં ફરતાં ફરતાં કહે: ‘ઈશ્વર એક હાથે લઈ લે તો બે હાથે આપે એવો મારો જીવનનો અનુભવ છે. ઈશ્વરનાં ઔદાર્યને કદી સીમા નથી તે વાત તું જીવનમાં કદી ભૂલતી નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આધારનો કોઈક ખૂંટો તેણે આપણે માટે રાખ્યો જ હશે તેવી શ્રદ્ધા ગુમાવવી નહિ. પુરુષાર્થ કરવાનું આપણે ભાગે હોય છે. પુરુષાર્થ ન કરીએ તો ઈશ્વરીય ખૂંટો હાથ નહીં આવે.”
સોળ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયાં હોત પણ મોકૂફ રહ્યાં ને બીજા વર્ષે ઉનાળામાં માતા નીકળ્યાં ને આંખો ગઈ. વહેમો અને અંધશ્રદ્ધાઓને ઓળખી મુક્ત થતા ગયા. કાશીની યશોવિજય જૈન પાઠશાળામાં અભ્યાસ માટે ગયા. ન્યાય, કાવ્ય, વ્યાકરણના વિશેષજ્ઞો પાસે સ્વાધ્યાયની તક મળી. સંસ્કૃત-પ્રાકૃતમાં ભાષણ કરતા થયા. અલંકાર શીખવા લાગ્યા. ત્યારે જેટલું શીખતા એ બધું કંઠસ્થ કરીને. ચિંતન કરતા. ચિંતનનું પ્રમાણ વધ્યું. ઊડા ઊતરતા ગયા.
પંડિતજીએ શિક્ષણના ભાગરૂપે પ્રવાસો પણ કર્યા. સમ્મેતશિખર, પાલીતાણા, આબુ, મિથિલા વગેરે સ્થળોની યાત્રાથી પોતે રમ્ય પ્રદેશો અને સરલ સ્વભાવી જનપદોને જાતે સ્પર્શ્યાનો આનંદ પામેલા. બનારસમાં અધ્યાપન કર્યું. અમદાવાદ આશ્રમમાં રહ્યા તે દરમિયાન કામ માગ્યું ને ગાંધીજીએ એમને સાથે દળવા બેસાડ્યા. અનુયાયીઓએ ઊભાં કરેલાં આવરણ ભેદીને એ ગાંધીજીને જોતા રહ્યા છે. એ માટે એક દાખલો પૂરતો છે. પંડિતજી જૈન સાધુઓને ભણાવતા. એક બહેન ત્યાં ભણવા આવ્યાં. મહારાજજીઓએ વિરોધ કર્યો. પંડિતજી બહેનને ઘેર ભણાવવા જવા લાગ્યા. એનો પણ વિરોધ થયો ત્યારે તેમણે કહી દીધું: “જો કોઈ ઢેઢ, ભંગી કે બહેનો ભણવા આવશે અને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈને પણ તેમને ભણાવીશ.”
જૈન ધર્મનું તત્ત્વ ઇન્દ્રિયોને અને મનોવૃત્તિઓને જીતવામાં છે અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે, એ પામી ચૂકેલા પંડિતજીની ઉંમર ત્યારે પાંત્રીસેક વર્ષની હશે. ૧૯૧૫ની વાત છે. બનારસનું ચોમાસું ને એમને ભારે તાવ આવ્યો. માથું ફાટી જાય. પંડિતજી લગભગ તરફડે એવી દશા. શ્રાવકો આવે, ખબર પૂછતા બેસે. ત્યાં મુનિ પુણ્યવિજયજીના ગુરુ કાન્તિવિજયજી પધાર્યા. એ વૃદ્ધ મુનિ પંડિતજીનું માથું દબાવવા લાગ્યા. શ્રાવકો દોડી આવ્યા. હાહાકાર થઈ ગયો. જૈન સાધુઓ નિયમ મુજબ ગૃહસ્થની સેવા ન કરી શકે. પરંતુ કાંતિવિજયજી પાસે કારણ હતું. અમે સાધુઓ એમની પાસે ભણીએ છીએ. અમે તો એમની પાસે એકડા વિનાનાં મીંડાં જેવા છીએ. તેમની સેવા કરવી એ અમારો ધર્મ છે.
પંડિતજી ત્યાગી હતા પણ પોતાના શિષ્યો પ્રત્યેનું એમનું વાત્સલ્ય ધાર્મિક આચારની નકારાત્મક મર્યાદાઓ ઉલ્લંઘતું. એ માટે પણ એ ચોક્કસ સમજથી પ્રેરાતા. જ્ઞાનયોગ, કર્મયોગ કે ભકિતયોગ, કોઈ યોગસાધનાની શરતરૂપે એ અપરિણીત જીવનને ગણાવતા નહીં. એમને મન સાચી શરત હતી સંયમ. મોટા ભાગના માણસો માટે લગ્નજીવન સ્વસ્થ ઉત્કર્ષનું સાધન છે. કૃત્રિમ રીતે કડક નિયમોથી ઊભો કરેલો સાધુસમાજ વિકૃતિઓ વધારે. એમણે મૃદુલાબહેનને કહેલું કે સ્ત્રીઓના સહવાસ વગરના પુરુષો અર્ધદગ્ધ બુદ્ધુ નીકળ્યા છે અને પુરુષના યોગ્ય સહવાસ વગરની સ્ત્રીઓ વેવલી નીકળી છે. બહેનોને ભણાવવાનો પંડિતજીનો અનુભવ સારો હતો. કહેતા: આટલું સરળ અમારે લખવું હોય તો ઘણો વિચાર કરવો પડે. બહેનો કપડાંમાં ભલે ઠસ્સો કરે, તેમના લખાણમાં કૃત્રિમતા આવતી નથી.
શબ્દવેધી બાણ ચલાવનારા નિશાનબાજો પૃથ્વીરાજ ચૌહાણ સુધી હતા. પંડિતજીને અવાજ પરથી દિશાનો ખ્યાલ આવી જતો એટલું જ નહીં, અવાજ પરથી વક્તાના વ્યકિતત્વનો અંદાજ પણ આવી જતો. પંડિતજી શબ્દ દ્વારા પણ એમના ઉદ્ગાતાને પામી જતા.
સો વરસ પૂરાં થવામાં વાર ન હતી ત્યાં એમણે વિદાય લીધી. એકેએક ક્ષેત્રના વડીલો સ્મશાનમાં હાજર હતા અને એમના સહુના મોં પર અનાથ બની ગયાનો એક આછો છૂપો ભાવ હતો. પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખર અદૃશ્ય થઈ ગયું.
[‘સહરાની ભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]