સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીશ/પહેલાંના લોકો સારા હતા!
આપણે ભૂતકાળની પ્રશંસા કરતા આવ્યા છીએ. આપણી એવી માન્યતા રહી છે કે પહેલાં બધું બરાબર હતું, હવે બધું વિકૃત થતું જાય છે. અને ખૂબી એ છે કે દરેક જમાનામાં લોકો એવું માનતા આવ્યા છે! આજ સુધી મેં એવું એક પણ પુસ્તક જોયું નથી કે જેમાં એમ લખ્યું હોય કે વર્તમાનકાળના માણસો સારા છે. દુનિયાનું જૂનામાં જૂનું પુસ્તક પણ એમ જ કહે છે કે, આજકાલના માણસો બગડી ગયા છે, પહેલાંના માણસો સારા હતા. કહે છે કે ચીનમાં છ હજાર વર્ષ પુરાણું એક પુસ્તક છે. એ પુસ્તકની ભૂમિકા વાંચીને એમ જ લાગે કે કોઈ આધુનિક લેખકે હાલના જમાના સંબંધે એ લખ્યું હશે. તેમાં લખ્યું છે કે, આજકાલના લોકો પાપી ને અનાચારી થઈ ગયા છે; પહેલાંના લોકો સારા હતા! હવે જો છ હજાર વરસ જેટલા પ્રાચીન ગ્રંથમાં પણ આવું લખેલું હોય, તો તો પછી એમ ન પૂછવું પડે કે, ભાઈ, એ “પહેલાંના લોકો” ક્યારે હતા? ખરેખર ક્યારેય હતા ખરા?
આજથી બે હજાર વરસ પછી તમારી કે મારી સ્મૃતિ કોઈને નહીં રહી હોય. પણ ગાંધી યાદ રહી જશે. રામકૃષ્ણ યાદ રહી જશે, રમણ યાદ રહી જશે. સામાન્ય માણસોની સંખ્યા આજે આટલી મોટી છે, તે બે હજાર વરસ પછી ભુલાઈ જશે. માત્રા ગાંધી જેવા અપવાદરૂપ મનુષ્યોનું જ સ્મરણ રહેશે. અને બે હજાર વરસ પછીની માનવજાત વિચારશે કે ગાંધીના યુગમાં માણસો કેટલા સારા હતા! ગાંધીના દાખલા પરથી આજે આપણે સૌ જે છીએ તેનો આંક મંડાશે — અને તે તો બિલકુલ અસત્ય હશે. તે અસત્ય એટલા માટે હશે કે ગાંધી આપણા બધાના પ્રતિનિધિ નહોતા. ગાંધી તો આપણામાં અપવાદરૂપ હતા. ગાંધી એવા નહોતા કે જેવા આપણે લોકો છીએ; ગાંધી એવા હતા, જેવા આપણે થવું જોઈએ. પણ બે હજાર વરસ પછી ગાંધી આજના યુગના પ્રતીક બની જશે, અને ત્યારના લોકો વિચારશે કે કેટલો સારો હતો આ ગાંધીનો યુગ! ગાંધીના જેવા એના લોકો! પણ હકીકત તો વિપરીત છે. આપણે કદાચ ગોડસે જેવા હોઈ શકીએ, પણ ગાંધી જેવા તો બિલકુલ નહીં.
આ જ વસ્તુ હંમેશાં થતી રહી છે. બુદ્ધ આપણને યાદ છે, મહાવીર યાદ છે, રામ અને કૃષ્ણ યાદ છે, ઈશુ આપણને યાદ છે. અને આવી થોડીક વ્યક્તિઓના આધારે આપણે પ્રાચીન કાળના જનસમાજ વિશે જે ખ્યાલો બાંધીએ છીએ તે બિલકુલ ભ્રમભરેલા છે. સત્ય તો એ છે કે જો મહાવીરના કાળમાં લોકો અહિંસક હોત, તો મહાવીરને યાદ રાખવાની કોઈ જરૂર જ ન રહેત. જો બુદ્ધના સમયના લોકો બુદ્ધ જેવા હોત, તો બુદ્ધને મહાપુરુષ કહેવાની જરૂર ન રહેત. હજારો વરસ પછી આજે આ બધી વ્યક્તિઓનું આપણે સ્મરણ કરીએ છીએ તે તો એટલા માટે કે તે બહુ અનોખાં ને અદ્વિતીય મનુષ્યો હતા; એમના જેવું બીજું કોઈ નહોતું.
મહાન માનવતાનો જન્મ જે દિવસે થશે, તે દિવસે મહાપુરુષોના યુગનો અંત આવી જશે. મહાપુરુષોનું વિશિષ્ટપણું ત્યાં સુધી જ સંભવિત છે જ્યાં સુધી સામાન્ય માનવતાનું સ્તર નીચું અને વિકૃત છે. સફેદ દીવાલ પર સફેદ અક્ષરથી લખવું અર્થહીન છે, એ તો કાળા પાટિયા પર જ લખવું જોઈએ. સફેદ ખડી કાળા પાટિયા પર દેખાય છે. મહાવીર અને બુદ્ધ આપણને દેખાય છે કારણ કે તેઓ માનવતાના કાળા પાટિયા ઉપર સફેદ ખડીના લીટાઓ છે. પણ એમના આધારે આપણે નક્કી કરી નાખ્યું કે પ્રાચીન માનવ સારો હતો.
વિચાર કરો કે બુદ્ધનો ઉપદેશ શું છે? જીસસનો ઉપદેશ શું છે? પોતાના જમાનાના સમાજને એ શું સમજાવી રહ્યા છે? એ બોધ આપે છે કે ચોરી ન કરો, બેઈમાની ન કરો, હિંસા ન કરો, ઘૃણા ન કરો. જો ત્યારના લોકો ઈમાનદાર હતા ને ચોર ન હતા, તો એ બધો ઉપદેશ કોને માટે હતો? કોને કહી રહ્યા હતા એ કે ચોરી ન કરો, બેઈમાની ન કરો? તે વખતના લોકોને જ ને? અને એ જ ઉપદેશ આજે આપણા યુગને પણ આપવો પડે છે, એ કઈ વાતનો પુરાવો છે? એ જ વાતનો કે મનુષ્ય જેવો આજે છે તેવો જ લગભગ હંમેશાં રહેલો છે. કેમ કે જે ઉપદેશની આજે તેને જરૂર છે તે જ ઉપદેશ ભૂતકાળમાં પણ હંમેશાં જરૂરી હતો. દવાઓ રોગનો ખ્યાલ આપે છે, ઉપદેશ ઉપરથી તે સાંભળનાર મનુષ્યની હાલતનો ખ્યાલ આવે છે. સ્વસ્થ માણસને માટે ઔષધિની જરૂર ઊભી થતી નથી. જે ઔષધોની પાંચ હજાર વરસ પહેલાં જરૂર હતી, તેની જ આજના જમાનાને પણ જરૂરત હોય, તો પછી વર્તમાનકાળને ગાળો દેવી એ અણસમજ છે.