સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણભાઈ નીલકંઠ/માધવબાગમાં સભા
સભામંડપમાં લોકો ખુરશીઓ અફાળતા હતા, અને પાટલીઓ પછાડતા હતા; તે દુંદુભિનાદ રણમાં ચઢવા તત્પર થયેલા આર્યભટોને પાનો ચઢાવતો હતો. પાછળથી આવ્યા જતા ટોળાના ધક્કાથી આગલી હારમાં ઊભેલા લોકો ખુરશીઓ પર બેઠેલા લોકો પર તૂટી પડી તેમને સ્થાનભ્રષ્ટ કરતા હતા; તે વ્યૂહરચના આર્યસેનાની સંગ્રામ આરંભ કરવાની ઉત્સુકતા દર્શાવતી હતી. ભીડમાં કચરાઈ જવાની બીકથી અને સભાના સર્વ ભાગનું દર્શન કરવાની ઇચ્છાથી થાંભલા પર ચઢી ગયેલા લોકો એક હાથે પાઘડી ઝાલી રહેલા હતા; તે યુદ્ધમાં અદ્ભુત શૌર્ય દર્શાવી, પ્રાણવિસર્જન કરનારને વરવા વિમાન ઝાલી ઊભી રહેલી અપ્સરાઓની ઉપમા પામતા હતા. આ ભીડમાં અને ઘોંઘાટમાં સભાના અગ્રેસરનું દર્શન કરવાની કે ભાષણમાંનો એક શબ્દ પણ સાંભળવાની આશા મૂકી ઓટલા નીચે અમે ઊભા હતા, એવામાં રામશંકર અને શિવશંકર આવી પહોંચ્યા. તે કહે કે, “અહીં કેમ ઊભા છો? ચાલો, રસ્તો કરીશું.” તેમની સાથે અમે ભીડમાં ઘૂસ્યા. કેટલાકને ધક્કા લગાવ્યા, કેટલાકના ધક્કા ખાધા, કેટલાકને અગાડી હડસેલ્યા, કેટલાકને પછાડી હઠાવ્યા, કેટલાકની વચ્ચે પેઠા. હું આ ધમાધમથી કંટાળી પાછા ફરવાનું કરતો હતો, પણ તેમ કરવું એ મુશ્કેલ હતું. ભદ્રંભદ્ર કહે કે, “આપણે ધૈર્ય રાખવું જોઈએ. જો, સભામાં ચારે તરફ આવો મહાભારત પ્રયત્ન લોકો કરી રહ્યા છે, તે સિદ્ધ કરે છે કે આ સંસારનો પંથ સરલ નથી.” રામશંકર કહે, “વાતો કરવા રહેશો તો કચડાઈ જશો, અગાડી વધો.” જેમ તેમ કરતા અમે એક પાટલી આગળ આવી પહોંચ્યા. પાટલી તો ખીચોખીચ ભરાઈ ગયેલી હતી. તેના અઢેલવાના કઠેરા પર પણ લોકો ઊભેલા હતા. તેમાંના કેટલાકને રામશંકરે ઝાલી નીચે પાડ્યા. તેમની જોડે સહેજ યુદ્ધ કરીને અમે પાટલીના કઠેરા પર ચઢીને ઊભા. ઊભા રહીને જોતાં સભામંડપની સર્વ રચના નજરે પડી. સભાપતિની બેઠક આસપાસની થોડીક જગા સિવાય બધે લોકો જગા મેળવવાના પ્રયાસમાં ગૂંથાયેલા હતા. સદાવ્રતમાં ખીચડી વહેંચાતી વખતની ગોસાંઈઓની ધમાચકડી પણ આની આગળ શાંત અને નિયમસર હોય છે. સર્વ સભાજનો અગાડી આવવાના પ્રયત્નમાં મચેલા હતા. ભાષણ સાંભળવા તેમને ઇચ્છા કે આશા હોય તેમ લાગતું નહોતું. સાંજ લગીમાં પણ અગાડી આવી પહોંચાય તો બસ. એ ધીરજથી છેક પાછળનું ટોળું પણ મહેનત જારી રાખી રહ્યું હતું. કેટલાક કહે કે સભાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. કેટલાક કહે કે હજી શરૂ થવાનું છે. જેમને અગાડી આવી પહોંચ્યા પછી પોતાની જગા જાળવવાનો જ પ્રયત્ન કરવાનો હતો, તેઓ ટોળાનું જોર નરમ પડે ત્યારે વિશ્રામ લઈ ચિંતા દૂર કરવા વિવિધ વાતો કરતા હતા. કોઈ કહે કે, “આજની સભામાં એવો ઠરાવ કરવાનો છે કે બ્રાહ્મણને રૂપિયાથી ઓછી દક્ષણા આપવી નહિ.” કોઈ કહે કે, “બધી રાંડીરાંડોને પરણાવી દેવી એવો સરકારે કાયદો કર્યો છે, તે માટે અરજી કરવાની છે કે સહુ સહુની નાતમાં જ પરણે.” કોઈ કહે કે, “એવી અરજી કરવાની છે કે ગાયનો વધ કરે તેને મનુષ્યવધ કરનાર જેટલી સજા કરવી, કેમકે અમારા ધર્મ પ્રમાણે ગૌમાતા મનુષ્યથી પણ પવિત્ર છે.” કોઈ કહે કે, “નાતના મહાજન થવાના કોના હક્ક છે તેની તપાસ કરવા એક કમિશન નીમવાનું છે.” આઘે ખુરશી ઉપર બેઠેલા બે જણાને રામશંકરે સલામ કરી તેથી ભદ્રંભદ્રે પૂછ્યું, “એ કોણ છે?” રામશંકર કહે, “પેલા ઠીંગણા ને જાડા સરખા છે ને ચારે તરફ જુએ છે તે આ ઘોરખોદીઆના ભાઈબંધ કુશલવપુશંકર અને તેમની જોડે બેઠા છે તે તેમના કાકા પ્રસન્નમનશંકર.” પાસે ઊભેલો એક આદમી બોલી ઊઠ્યો, “એ કુશલવપુનું જ નામ લોકોએ ઘોરખોદીઓ પાડેલું છે. એ નામ પડી ગયાં છે તે ભુલાવવા એ લોકોએ આ બે બ્રાહ્મણોને પૈસા આપી એ નામે પોતાને ઓળખાવવાને રાખ્યા છે. પૈસાની રચના કરનાર લોકો એવામાંયે પૈસાથી પોતાનું કામ સાધવા મથે છે.” આ ખુલાસો શિવશંકરને બહુ ગમ્યો હોય એમ જણાયું નહિ. કેમકે તેણે આડા ફરીને કહ્યું, “સમાલીને બોલજે.” પેલાએ કહ્યું કે, “જા, જા; સાળા હજામગોર, તું શું કરવાનો છે?” શિવશંકરે ઉત્તરમાં મુક્કી બતાવી. પેલાએ પ્રત્યુત્તરમાં મુક્કી લગાવી. આમ સભ્યતા આપ-લે કરતાં બન્ને નીચે ખસી પડ્યા. કેટલાક બન્ને પક્ષની મદદમાં શામિલ થઈ ગયા. કેટલાક તેમની ખાલી પડેલી જગ્યાએ ચઢી ગયા. હો-હો ચાલતી હતી તેવામાં સભાના મધ્ય ભાગમાં તાળીઓ પડવા લાગી. અમે પણ તાળીઓ પાડતા ઊંચા થઈ એ તરફ જોવા લાગ્યા. કોઈ ચકરી પાઘડીવાળો લાંબા હાથ કરી મરાઠીમાં બોલતો હતો. તે શું કહે છે તે પૂરું સંભળાયું નહિ. સંભળાયું તેટલું સમજાયું નહિ. તે બેસી ગયા પછી એક ગુજરાતી બોલવા ઊઠ્યો. બધે સંભળાય માટે તે ખુરશી પર ઊભો થઈ ગયો. તેણે પાઘડી જરા વધારે વાંકી મૂકેલી હતી. મૂછના આંકડા ચઢાવેલા હતા. કલપ લગાવવો રહી ગયો હશે ત્યાં કોઈ મૂછના વાળ સહેજ ધોળા જણાતા હતા. પાનથી હોઠ લાલ થયેલા હતા. બાંહ્યો ચઢાવી તેણે બોલવા માંડ્યું : “ગૃહસ્થો! આજની સભા શા માટે મળી છે તે આપણી ભાષામાં કહેવાનું માન મને મળ્યું છે. એ માનથી હું ઘણો મગરૂર થાઉં છું. એ માન કંઈ જેવુંતેવું નથી. આજકાલ યુરોપની ભાષામાં બોલવું એ મોટું માન ગણાય છે. પણ હું સમજું છું કે હું કેવો ગધેડો (હર્ષના પોકાર) કે મેં યુરોપનું નામ પણ સાંભળ્યું. હું સમજું છું કે હું કેવો અભાગીઓ કે મેં યુરોપની ચોપડીઓનો અભ્યાસ કર્યો. (તાળીઓ.) હું સમજું છું કે હું કેવો મૂરખો કે મેં યુરોપની રીતભાતો જાણી. (હસાહસ.) માટે પ્રમુખસાહેબ, હું આપનો ઉપકાર માનું છું કે, આપણી ભાષામાં ભાષણ કરવાનું માનવંતું કામ મને સોંપ્યું છે. તે માટે ગૃહસ્થો, હું તમને મગરૂરીથી કહું છું કે મારા જેવા સાદા આદમીને આવું માન વગર માગ્યે મળ્યું નહિ હોત તો હું તે લેત નહિ. હવે આજની સભામાં શું કરવાનું છે તે મારે તમને કહેવું જોઈએ. તમે સહુ જાણો છો કે સુધારાવાળાઓ લોકોની ગાળો ખાય છે તોપણ સુધારો કરવા મથે છે. મારા જેવા આબરૂદાર માણસો સુધારાવાળાના સામા પક્ષમાં દાખલ થઈ બહુમાન પામે છે, તે પરથી સાફ જણાશે કે સુધારાવાળા થવું ફાયદાકારક નથી. સુધારાવાળાના આગેવાન મલબારી છે, તેને લોકો શું કહે છે તે પરથી સાફ જણાશે કે એ કામમાં લોકપ્રિય થવાનું નથી. તોપણ તે સરકારને અરજી કરવા માગે છે કે બાળલગ્ન અટકાવવાનો કાયદો કરવો. આપણા ધર્મશાસ્ત્રમાં બાળલગ્ન કરવાનું લખેલું છે. એટલે તે માટે હું વધારે બોલવાની જરૂર ધારતો નથી. શું આપણે ધર્મ વિરુદ્ધ જવું? શું આપણો ધર્મ ચૂકવો? કદી નહિ, કદી નહિ. (તાળીઓ.) વળી, સરકારને વચ્ચે નાખવાની શી જરૂર છે? બાળલગ્નનો રિવાજ શો ખોટો છે કે સુધારો કરવાની જરૂર પડે? અને જરૂર પડે તો શું આપણે નહિ કરી શકીએ? આપણે આટલી બધી કેળવણી પામ્યા ને સરકારની મદદ લેવી પડે? આપણા બધા રિવાજ બહુ લાભકારક છે. તે બતાવી આપે છે કે આપણા જેવા વિદ્વાન, આપણા જેવા ડાહ્યા, આપણા જેવા હોશિયાર બીજા કોઈ નથી. તો પછી આપણા જેવા લોકોના રિવાજ ખોટા કેમ હોય? તેમાં સુધારો કરવાની શી જરૂર હોય? પ્રમુખસાહેબ છે, હું છું, એવા મોટા માણસો આપણા લોકોના આગેવાન છે, તો પછી સરકારને વચમાં નાખવાની શી જરૂર છે? જુઓ, આપણે ખાઈ રહીને કોગળા કરી મોં સાફ કરીએ છીએ : અંગ્રેજ લોક તેમ નથી કરતા. તે સાબિત કરે છે કે આપણા બધા રિવાજ અંગ્રેજ લોકના રિવાજ કરતાં ઘણા જ સારા છે. માટે સરકારને અરજી કરવી જોઈએ કે આ બાબતમાં કાયદો ન કરે. બીજા બોલનારા છે, માટે હું વધારે વખત રોકતો નથી.” (પાંચ મિનિટ લગી તાળીઓ ચાલી રહી.) ટેકો આપવાને એક બીજા ગૃહસ્થ ઊઠ્યા. તેમણે કહ્યું, “સરકારને અરજી શા માટે કરવી જોઈએ, એ બહુ છટાથી કહેવામાં આવ્યું છે, અને ઘણી હુશિયારીથી સાબિત કરવામાં આવ્યું છે, માટે મારે વધારે કહેવાની જરૂર નથી. કેટલાક અંગ્રેજો પણ આપણા રિવાજ વખાણે છે, તેથી સાબિત થાય છે કે આપણા રિવાજ ઘણા જ સારા છે. દુનિયામાં એવા કોઈના નથી. તો પછી સુધારો શું કામ કરવો જોઈએ? સરકારને શું કામ વચમાં નાખવી જોઈએ? આપણા રિવાજની સરકારને શી ખબર પડે? પરદેશી લોકોને આપણા રિવાજમાં હાથ ઘાલવા દઈ શકાય નહિ. તેમના હેતુ ગમે તેટલા સારા હોય તોપણ આપણી રૂઢિઓ કેવી સારી છે તે તેઓ ન સમજે. માટે હું આ દરખાસ્તને ટેકો આપું છું.” એમના બેસી ગયા પછી કુશલવપુશંકર બોલવા ઊભા થયા. તેમને ઊભા થયેલા જોઈને લોકોએ તાળીઓ પાડવા માંડી. ‘ઘોરખોદીઓ’, ‘બાઘો’, ‘શાસ્ત્રી મહારાજ’ એવાં વિવિધ નામે લોકો તેમને બોલાવવા લાગ્યા. પ્રમુખે તાળીઓ પાડી લોકોને શાંત થવા કહ્યું. ટેબલ પર લાકડી ઠોકી, ઊભા થઈ મૂગા થવા હાથે નિશાની કરી. કેટલીક વારે આગલી હારવાળા શાંત થયા ત્યારે પાછલી હાર લગી તાળીઓ જઈ પહોંચી હતી. ત્યાંના લોકો શું ચાલે છે, તે જાણ્યા વિના તાળીઓ પાડવા લાગ્યા. કંઈક શમ્યા પછી પ્રમુખે કુશલવપુશંકરને ભાષણ શરૂ કરવાનું કહ્યું. લોકોના આવકારથી તે બેબાકળા થઈ ગયા હતા. પણ કંઈ જાણતા જ ન હોય, એમ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતા હતા. ચારે તરફ નજર ફેરવી, મારો ગભરાટ કોઈ જોતું નથી, એમ મનથી માની લઈ તેમણે બોલવું શરૂ કર્યું : “શ્રીવેત્રાસનાધિકારિન્ તથા શ્રીસભામિલિત શ્રોતૃજના : આપણો વેદધર્મ શ્રેષ્ઠ છે, કારણ કે વેદ ઈશ્વરપ્રણીત છે. પૂછશો કે શા પ્રમાણથી ઈશ્વરપ્રણીત છે? તો શું બાલક છો? બાલકો જ એવાં પ્રમાણ માગે છે. વેદાધ્યયનને અભાવે બ્રહ્મે પોતાનો પરિમાણ વેદમય કર્યો તેથી. કારણ કે વેદ અનાદિ છે. શબ્દ નિત્ય છે. ઈશ્વરપ્રણીત પ્રમાણજન્યનિત્યત્વઇતરદેશશાસ્ત્રકારાસિદ્ધત્વથી. માટે સુધારો અનિષ્ટ છે. વેદવિરુદ્ધ તેથી. વેદવિરુદ્ધત્વ હોય ત્યાં ત્યાં અનિષ્ટત્વ વ્યાપક છે, તે માટે. જેમ ચાર્વાકાદિમાં. ઇતિ સિદ્ધમ્.” આમ અજય્ય શાસ્ત્રીય પ્રમાણથી આર્યપક્ષ સિદ્ધ કરી સર્વજનોને ન્યાયબલથી વિસ્મય પમાડી અને વિરોધીઓને સર્વકાલ માટે નિરુત્તર કરી નાખી કુશલવપુશંકર બેસી ગયા. આ પરાક્રમથી એમના કાકાના ગંભીર મુખ પર પણ મગરૂરી તથા હર્ષ પ્રસરી રહ્યાં. સભામાં હર્ષનાદ ગાજી રહ્યો. સુધારા વાળાનાં મોં ફિક્કાં પડી ગયાં. સર્વાનુમતે દરખાસ્ત મંજૂર થઈ. પછી સરકારમાં મોકલવાની અરજી વાંચવામાં આવી. તે અરજીને ટેકો આપવા શંભુ પુરાણીના ભાણેજ વલ્લભરામ ઊઠ્યા, અને બોલ્યા : “આજકાલ સુધારાના નામે પાષંડવાદ ચાલે છે. આપણા આર્યશાસ્ત્રમાં શું નથી કે પાશ્ચાત્ય સુધારો આણવાની અગત્ય હોય! આપણાં શાસ્ત્રો જોયા વિના જ સુધારાવાળા એવા ખાલી બકબકાટ કરે છે. તેઓ પૂછે છે કે આગગાડી, તાર, સાંચાકામ, એવું ક્યાં આપણા શાસ્ત્રકારોને ખબર હતું? આ કેવું મોટું અજ્ઞાન છે! યુરોપી ભાષાંતરકારો અને યુરોપીય કોષલેખકોના અર્થ પ્રમાણે તો શાસ્ત્રમાંથી એવી વાતો નહિ જડે. પણ તેમને શાસ્ત્રના રહસ્યની શી ખબર હોય? એવું શું છે કે જે યોગ્ય અર્થ કરતાં શાસ્ત્રમાંથી ન જડે? આપણા શાસ્ત્રકારોને ત્રિકાળનું જ્ઞાન હતું, માટે તેમના જાણવામાં કંઈ ન આવ્યું હોય, એમ હોય જ નહિ. શાસ્ત્રના ખરા અર્થ ન સમજતાં સુધારાવાળા તેને વહેમ વહેમ કહે છે. જુઓ, બ્રાહ્મણથી જનોઈ વિના બોલાય નહિ, એને એ લોકો વહેમ કહે છે. પણ શાસ્ત્ર કહે છે, ગાયત્રીમંત્રના ધ્વનિથી જનોઈના તાંતણા ફૂલે છે; ને તેમાં વિવિધ જાળાં બંધાય છે. તેથી તેમાં પ્રાણવાયુ રહી શકે છે. એ પ્રાણવાયુ શરીરની સ્વેદાદિ અશુદ્ધિને સૂકવી નાખી આવરણ બની આકાશમાં ભમતા ભૂતદેહોના શરીરને સ્પર્શ થવા દેતો નથી. જનોઈ વિના શબ્દોચ્ચાર થાય તો તે ધ્વનિ પ્રાણવાયુનું આવરણ ખસેડી નાખે, ભૂતોને સ્પર્શ કરવાનો લાગ આપે અને તેઓ મનુષ્યનું ચિત્ત ભ્રમિત કરી નાખે. તો શું આ શાસ્ત્રાજ્ઞા વહેમ છે? મોન્ટ ગુફર, સિકા વગેરે યુરોપના જગતપ્રસિદ્ધ વિદ્વાનોએ આ વાત કબૂલ કરેલી છે. મેં હજારો વાર પ્રયોગ કરી એ અજમાયશથી સિદ્ધ કરેલું છે. સુધારાવાળા આપણા આર્યશાસ્ત્રોનાં આ રહસ્ય જાણતા નથી અને પાશ્ચાત્ય યાંત્રિક યુક્તિઓના મોહમાં ગૂંથાયા જાય છે. પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાન, યંત્રો, વીજળીનો પ્રયોગ, એ સર્વ માયાની વિવૃદ્ધિ કરે છે, ભ્રાંતિને પુષ્ટિ આપે છે, બ્રહ્મજ્ઞાનથી વિમુખ કરે છે. આપણા શાસ્ત્રકારોએ આવું પદાર્થવિજ્ઞાન મેળવવા યોગ્ય ધાર્યું નહિ, એ જ સિદ્ધ કરે છે કે તેમણે માયાની અવગણના કરી છે, ચૈતન્યને જ શ્રેષ્ઠ ગણ્યું છે. પાશ્ચાત્ય માયાવાદના મોહથી સુધારો થયો છે. પાશ્ચાત્ય અંશોથી આપણો આર્યદેશ આજ લગી અસ્પૃષ્ટ રહ્યો છે, તો હવે શું કામ તેથી આપણા દેશને દૂષિત કરવો? પાશ્ચાત્ય સુધારાના અંશો શું કામ આપણા દેશમાં દાખલ કરવા? હું રાજકીય સુધારા વિશે આ નથી કહેતો. પાશ્ચાત્ય રિવાજો આપણાં શાસ્ત્રોને આધારે નથી. તે ઘણા જ અનિષ્ટ છે. આપણા દેશને એ રિવાજો અધમ કરશે. આપણા દેશમાંનું તો સર્વ શ્રેષ્ઠ જ. જે તેથી જુદું તે તો તેથી ઊતરતું જ, અધમ જ, એ દેખીતું છે. માટે સિદ્ધ થાય છે કે આપણે સુધારા કરવા ન જોઈએ. પાશ્ચાત્ય રાજકર્તાને આપણા ગૃહસંસારમાં પાડી તેમના અંશ દાખલ કરવા દેવા ન જોઈએ. માટે આ અરજી મોકલવાની આવશ્યકતા સિદ્ધ થાય છે.” આ ભાષણકર્તાના બેસી ગયા પછી, એક શાસ્ત્રી મહારાજે ઊભા થઈ કહ્યું : “આ સભાની વ્યવસ્થા ઘણી જ અનિયમિત રીતે ચાલે છે. પ્રથમ વ્યાકરણના પ્રશ્નોનો વિવાદ થવો જોઈએ. હું એક પ્રયોગ આપું તે જેનામાં પાણી હોય તે સિદ્ધ કરે.” એક બીજા શાસ્ત્રીએ ઊભા થઈ કહ્યું, “એવો ગર્વ ન કરવો જોઈએ. આ સભામાં ઘણા વિદ્વાન શાસ્ત્રી છે.” પ્રથમ બોલનાર શાસ્ત્રીએ ઉત્તર દીધો, “એવા મૂર્ખોને શાસ્ત્રીની પદવી ઘટતી નથી.” પ્રમુખે બન્ને શાસ્ત્રીઓને બેસાડી દીધા. તરત બીજા પાંચ-છ વક્તાઓ ઊભા થઈ સાથે બોલવા લાગ્યા, દરેકના પક્ષકાર સામાને બેસાડી દેવા તાળીઓ પાડવા લાગ્યા. ‘બેસી જાઓ’, ‘ચલાઓ’, ‘એક પછી એક’, એવી બૂમો પડી રહી. સભામાં ઘોંઘાટ થઈ રહ્યો. કંઈક શમ્યા પછી એક જણને બોલવા દીધો. તેણે હાથ લાંબા કરી કહ્યું : “ગૃહસ્થો! આવા સારા અને વખાણવા લાયક કામને મદદનીશ થવા એકઠા થયેલા તમો સહુની સામે મને ઊભેલો જોઈ હું પોતાને નસીબવાન ગણી અભિનંદન આપ્યા વિના મદદ કરી શકતો નથી. હું ન્યુસપેપરનો અધિપતિ છું. તે હોદ્દાના રાખનાર તરીકે મેં ઘણી વાર સુધારાની હિલચાલ પર ટીકા કરેલી છે. તેમાં મેં બતાવી આપ્યું છે કે, જોકે સુધારાવાળાઓએ એકે પથ્થર ફેરવવો બાકી રાખ્યો નથી, તોપણ હજુ લગી તેઓની ટીક્કી લાગી નથી. તે જ બતાવી આપે છે કે સુધારાની અગત્યતા સાબિત થયેલી બિના નથી. એ પણ એક સવાલ છે કે સુધારો ચહાવા લાયક છે? આપણામાં લડવાનું ઐક્યત્વપણું હોય, આપણામાં સારાં સારાં બધાં કામની સામે થવાનો જુસ્સો હોય, આપણામાં અજ્ઞાન છતાં મોટા લોકો તરફ તોછડાઈ હોય, આપણામાં લોકપ્રિયતા એકઠી કરવાની ખપતી હિકમત હોય, તો પછી ગાંભીર્ય વિચારની શી ખોટ છે? વિદ્વાનતાની શી જરૂર છે? સુધારાની શી માગવા લાયકતા છે? કંઈ જ નહિ, અરે! હું પગ ઠોકીને કહું છું કે કંઈ જ નહિ. વળી આપણો અનુક્રમ લીટીઓ પર કરવો, તે બાબતમાં પારસીઓને અને ઇંગ્રેજોને શું કામ નાક મૂકવા દેવા..?’ એવામાં એક ચકરી પાઘડીવાળો ઊભો થઈ બોલ્યો, “પણ લોકો અઘરણીની નાતો નથી કરતા તેનું કેમ?” પ્રમુખે તેને બેસાડી દઈ, ભાષણકર્તાને અગાડી ચલાવવા કહ્યું. તે બોલ્યા : “આ સ્વદેશાભિમાની બંધુએ ઇશારો કર્યો છે, તેવા આપણા દેશના મહાન કલ્યાણના મહાભારત અગત્યના ધર્મ સંબંધી સવાલોમાં પરદેશજન-નિવાસીઓ શી રીતે આરપાર જઈ શકે! આપણાં કામ સમજવાને આપણે અશક્ય થતા જણાઈએ અને પરકીય મુલકના દેશીઓ પોતાનું કહેણ ચલાવવામાં, પોતાના રિવાજોને મજબૂત પગલું ભરાવવામાં ફતેહ પામે, એ કેવો દાર્શનિક નાટક છે? આજકાલના સુધારાવાળાઓએ આર્ય લોકોને અણગમતી વાતો કહેવાનું હાથમાં લીધું છે. તેઓ કહે છે કે પાશ્ચાત્ય રિવાજો દાખલ કરવાલાયક ન હોય, તે શાસ્ત્રમાં ક્યાં પાર્લામેન્ટની હા કહી છે? આ મોટી ભૂલમાં પડવા બરાબર છે. લોકોના રિવાજોને અને રાજ ચલાવવાની પદ્ધતિને કશો સંબંધ ગણવો એ મહા ભૂલ પર ચાલી જવાથી બને છે. દેશની વૃદ્ધિ અગાડી ચલાવવામાં વિચાર ફેરવવાની કશી જરૂર નથી. મારો જ દાખલો ધ્યાનમાં લેવાને ઘટતો છે. બે વરસ પર હું કંપોઝિટર હતો. તે પહેલાં છ મહિના પર હું અંગ્રેજી ત્રીજી ચોપડીમાં મોનિટર હતો. તે છતાં આજે હું એક એડિટર થઈ પડ્યો છું. ગ્રેજ્યુએટો મારી ખુશામત કરવા આવે છે. પૈસાદાર લોકો મને મદદમાં લે છે. મારે જ્ઞાન મેળવેલા હોવાની જરૂર પડી નથી. મારે નહિ સમજાય એવા વિષયોનો અભ્યાસ કરવાની ફરજ આવી પડી નથી. તે છતાં અર્થશાસ્ત્ર, રાજ્યનીતિ, સાહિત્ય, સંસારસ્થિતિ વગેરે બાબતો પર હું બેધડક ચર્ચા કર્યે જાઉં છું. ગમે તે બાબતની માહિતી મેળવ્યા વિના તે વિશે મત જાહેરમાં મૂકતાં મને આંચકો ખાવો પડતો નથી. પણ જુસ્સાની જરૂર છે. ઊંચુંનીચું જોવાની જરૂર નથી. સારું-ખોટું જોવાની જરૂર નથી, પણ તે પર હુમલો કરવાની જરૂર છે. એડિટરના હુન્નરથી અજાણ્યા લોકો આને ઉદ્ધતાઈ કહે છે. હું એને હિંમત કહું છું. એવી જુસ્સાવાળી હિંમત હોય, તો પછી રાજકીય હક્કો મેળવવામાં વિચારની વૃદ્ધિ રમતમાં લાવવાની શી જરૂર છે? તો પછી સુધારાના અમલને કામનું ખેતર જ નથી. તે લાવવો જોઈતો છે નહિ.” દરેક ભાષણકર્તા ભાષણ પૂરું કરી રહે એટલે ભદ્રંભદ્ર બોલવાનો આરંભ કરવા જતા હતા, પણ બીજો કોઈ ઊઠી બોલવા માંડે એટલે રહી જતા. એક પછી એક ભાષણો થયાં જતાં હતાં. વચમાં કોઈ વખત મત લેવાતા હતા, પણ તે વખતે એટલો ઘોંઘાટ થતો કે ઘણી વાર શા માટે મત લેવાય છે તે સંભળાતું નહિ. ભદ્રંભદ્રે નિશ્ચય કર્યો કે, ગમે તેમ કરી ભાષણ કરવું તો ખરું. એક વાર મત લેવાઈ રહ્યા પછી ‘હર હર મહાદેવ’ કરી ખૂબ જોરથી બૂમો પાડી, બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી બોલવા માંડ્યું : “શ્રી પ્રમુખદેવ અને શ્રીયુત આર્યજનો! આ મંગલ સમયે શ્રીગણપતિ ગજાનનને નમસ્કાર કરો. શ્રીશંકરના પાદયુગ્મનું સ્મરણ કરો. શ્રીવિષ્ણુની કૃપાની યાચના કરો. શ્રીસરસ્વતીનું આવાહન કરો. શ્રીઅંબિકાને ભજો. શ્રીલક્ષ્મીને પ્રસન્ન કરો. શ્રીસૂર્યદેવનું સાન્નિધ્ય લક્ષમાં લ્યો. શ્રીવાસુદેવનો પ્રભાવ ઇચ્છો. શ્રીઅગ્નિદેવની સહાયતા માગો. શ્રીવરુણદેવને સંદેશો મોકલો. શ્રીરામકૃષ્ણાદિ અવતારોને, શ્રીવેદમૂર્તિને, શ્રીઇન્દ્રદેવોને, શ્રીગંધર્વોને, શ્રીકિન્નરોને, શ્રીગ્રહોને, શ્રીનક્ષત્રોને, શ્રીતારકોને, શ્રીપૃથ્વીમાતાને, શ્રી આર્યભૂમિને, શ્રીસનાતનધર્મને, શ્રીકાશીને, શ્રીપ્રયાગને, શ્રીમથુરાને, શ્રીજગન્નાથને, શ્રીદ્વારિકાને, શ્રીરામેશ્વરને, શ્રીતીર્થસમૂહને, શ્રીગંગાને, શ્રીસમુદ્રને પ્રીતિથી પૂજો. જય! જય! જય! જય! જય! અહા! ધન્ય તમને, ધન્ય મને! ધન્ય આકાશને! ધન્ય પાતાલને! કીર્તિમંત થઈ છે આજ આર્યસેના, રણમાં રગદોળ્યો છે શત્રુના ધ્વજદંડને. સંહાર કર્યો છે સકલ અરિકટકનો. સનાતન ધર્મ સિદ્ધ થયો છે, આર્યધર્મ આગળ થયો છે. વેદધર્મ પૃથ્વીમાં પ્રસર્યો છે. આપણી રૂઢિઓ વિશ્વમાં સર્વથી ઉત્તમ ઠરી છે. ઉત્તમતાનું આપણું અભિમાન આપણે ક્યાં સમાવવું, એ કઠિન પ્રશ્ન થઈ પડ્યો છે. બ્રહ્માંડ તે માટે પર્યાપ્ત નથી. આત્મા તે માટે સાધન નથી. કાલ તે માટે દીર્ઘ નથી. અહો! જે દેશમાં આજની સમસ્ત મંડળી જેવા દેવાંશી પુરુષો છે ત્યાં ‘સુધારો’ એ શબ્દને અવકાશ શો છે? ન્યૂન શું છે કે અંશ માત્ર પણ સુધારવો પડે? જ્ઞાનની અવધિ આ દેશમાં આવી રહી, તો પછી વધારે જ્ઞાનપ્રાપ્તિ કરવાનું સંભવે શી રીતે! મનુષ્યજાતિમાં ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાં જેટલા જ્ઞાનની શક્તિ છે, તેટલું જ્ઞાન વેદકાળથી આપણા ત્રિકાળજ્ઞાની પૂર્વજો પામી ચૂક્યા છે. બીજા દેશમાં કાળક્રમે જ્ઞાન વધતું જાય છે; પણ આપણા આર્યદેશમાં તેમ નથી, કેમકે યોગ દ્વારા આપણને કંઈ અજ્ઞાત છે જ નહિ. તો પછી પાશ્ચાત્ય રિવાજો આપણને શા કામના છે? અે સત્ય છે, રાજકીય રિવાજો સ્વીકારવામાં આ વાત ભૂલી જવાની છે, પણ તે વિના આપણને નવીન વિચાર જોઈતા નથી. સુધારાવાળા બાળલગ્ન અટકાવવા માગે છે. પણ, મોટી વયનાં લગ્ન પાશ્ચાત્ય પ્રમાણોને આધારે હોય તો તે અનિષ્ટ છે. દુષ્ટ આપણે વર્જ્ય છે. પાશ્ચાત્ય પ્રમાણોને આધારે ન હોય, તો તે આપણાં શાસ્ત્રોમાં છે જ તે માટે તે ઇષ્ટ છે. અને આપણાં શાસ્ત્રોની ઉત્તમતા સિદ્ધ કરે છે. એકે રીતે શાસ્ત્ર બહાર જવાની જરૂર નથી. માટે સુધારો અનિષ્ટ થાય છે, એ સિદ્ધ થાય છે. ‘સુધારો’ એ શબ્દથી હું ત્રાસ પામું છું. આખો દેશ ત્રાસ પામે છે. આખી પૃથ્વી ત્રાસ પામે છે. મનુષ્ય ત્રાસ પામે છે, દેવ ત્રાસ પામે છે, દાનવ ત્રાસ પામે છે, પશુઓ ત્રાસ પામે છે, પક્ષીઓ ત્રાસ પામે છે, વનસ્પતિઓ ત્રાસ પામે છે. એ ત્રાસનો સંહાર કરવા આજ આર્યસેના સજ્જ થઈ છે. ભટોએ અદ્ભુત પરાક્રમ દર્શાવ્યાં છે. પ્રત્યેક વીર પોતાના કૌશલથી પ્રસન્ન થયો છે. પ્રત્યેક પોતાની પ્રશંસાના ઉપાય શોધે છે. તે પ્રશંસાને તે પ્રત્યેક પાત્ર છે. આપણા આર્યલોકોની સ્તુતિથી કોને લાભ ન થાય? કોને લોકપ્રિયતા ન મળે? લોકો અજ્ઞાન છે તેથી સ્તુતિ કરી તેમને પ્રસન્ન કરવા જોઈએ, તેમાં જ આપણું હિત છે. લોકો સત્ય ધર્મ સમજતા નથી. તેઓ જે ધર્મ હાલ પાળે છે તેની પ્રશંસા કરવી જોઈએ કે સત્ય ધર્મ પર તેમની પ્રીતિ થાય, સત્ય ધર્મ તે આપણો વેદધર્મ. આ સભામાં બિરાજમાન થયેલો અને નહિ થયેલો પ્રત્યેક આર્ય એક અખંડિત ધર્મ, ભેદરહિત એક જ વેદધર્મ, અક્ષરશ : ચાર વેદમાંનો ધર્મ પાળે છે તે જ સિદ્ધ કરે છે કે, આપણો ધર્મ સનાતન છે, સત્ય છે. એ સનાતન ધર્મમાંથી જ આપણી સર્વ અનુપમ રૂઢિઓ ઉદ્ભવી છે. અહા! કેવી ઉદાર છે એ રૂઢિઓ! એ જ રૂઢિઓએ બ્રાહ્મણને શ્રેષ્ઠ કરી, બીજા સર્વને અધમ, અજ્ઞાન, અધિકારરહિત, પરવશ, અનક્ષર કરી નાખ્યા છે. બ્રાહ્મણને રૂઢિનો લાભ વિદિત છે, એટલું જ નહિ પણ રૂઢિને બ્રાહ્મણનો લાભ વિદિત છે. એ જ રૂઢિઓએ માત્ર ક્ષત્રિયને યુદ્ધમાં જનાર કરી પૂર્વકાળના યવનોના ઉત્પાત સામે વિગ્રહ કરી દેશરક્ષણ કરવા જતાં અન્ય જાતિઓને અટકાવી, તે સર્વના પ્રાણનું રક્ષણ કર્યું. રૂઢિને ક્ષત્રિયનું હિત વિદિત હતું અને રૂઢિએ પક્ષપાતી થતાં યવનોનું અહિત થવા ન દીધું, એ જ રૂઢિએ વૈશ્યને વ્યાપારત્રસ્ત કરી પછી તેને પરદેશમાં વ્યાપારને મિષે દ્રવ્ય નાખી દેવા જતાં અટકાવી, તેના વ્યાપારને ઉત્તેજિત કર્યો. રૂઢિએ વૈશ્યનું હિત સાચવ્યું, સમુદ્રગમન નિષિદ્ધ કર્યું, અને દેશને પણ અનંતકાલ સુધીનો લાભ કર્યો. એ જ રૂઢિઓએ શૂદ્રને અમુક ધંધા વંશપરંપરા સોંપી લાભાલાભ પ્રમાણે સમયે સમયે ધંધા બદલવાના મોહમાંથી મુક્ત કર્યા-શૂદ્રોને ધનસંચયમાં નિ :સ્પૃહી કર્યા, અને અર્થશાસ્ત્રનો નિયમ સ્થાપિત કર્યો. રૂઢિના ગુણ ગાવા વાણી સમર્થ નથી, જગતની ભાષાઓમાં તે માટે જોઈતા શબ્દ નથી, મનુષ્યની બુદ્ધિમાં તે સમજવાની શક્તિ નથી, ત્યારે આપણી આર્યરીતિ કેવી ઉત્તમ! ભીતિ કેવી ઉત્તમ! પ્રીતિ કેવી ઉત્તમ! નીતિ કેવી ઉત્તમ! જેમણે આ રીતિ, આ ભીતિ, આ પ્રીતિ, આ નીતિની રૂઢિઓ સ્થાપી તેમણે કેવો દીર્ઘ વિચાર કરી તે સ્થાપી હશે!…” એવામાં એક સ્થળે શ્રોતાજનોમાં મારામારી થવાથી, બધા લોકો તે જોવા ઊઠ્યા. અમારી પાટલી પરના માણસો નીચે ઊતરી અગાડી વધ્યા, કઠેરા પર ઊભેલાના એક તરફના ભારથી પાટલી એકાએક ઊલળી પડી. ઊભેલા બધા ગબડી પડ્યા. ભદ્રંભદ્રની પાઘડી સૂર્યદેવનું દર્શન કરવા આકાશ ભણી ઊડી પછી પૃથ્વીમાતા તરફ નીચે વળી. ભદ્રંભદ્ર પણ તે જ દિશામાં પ્રથમ પગ ઊંચા કરી, અધ્ધર ચક્કર ફરી જમીન ભણી વળી નીચે આવ્યા. તેમની ઉપર બીજા પડ્યા. ઊભેલા પડી જવા લાગ્યા. પડી ગયેલા ઊભા થવા લાગ્યા. મારી પણ એ જ વલે થઈ. કચરાયેલા બૂમો પાડવા લાગ્યા. નહિ કચરાયેલા તાળીઓ પાડવા લાગ્યા. પાસેના હસવા લાગ્યા, આઘેના ધસવા લાગ્યા. ભીડ વધી ને નીચે પડેલાને ઊભા થવું વધારે મુશ્કેલ થવા લાગ્યું. ભદ્રંભદ્રની ગતિ પરવશ થઈ. જીવનાશા ભંગોન્મુખ થઈ, પણ એવામાં શિવશંકરે આવી કેટલાકને લાત લગાવી, આઘા ખેંચી કાઢ્યા. રામશંકરે પડ્યા પડ્યા કેટલાકને બચકાં ભરી બૂમો પાડતાં અને મહામહેનતે છૂટવા મથતાં ઉઠાડ્યા. મને સહેજ અને ભદ્રંભદ્રને વધારે વાગ્યું હતું તેથી અમને ઘેર લઈ ગયા. છૂંદાઈ જવાની બીક સમૂળગી ગયા પછી ભદ્રંભદ્રમાં હિંમત આવી. આશ્વાસનથી અને ઉપચારથી કંઈક તાજા થયા પછી તેમણે કહ્યું, “હું લેશમાત્ર ગભરાયો નથી. રણમાં ઘવાયેલા યોદ્ધા વ્રણ માટે શોક કરતા નથી. પરાક્રમનાં ચિહ્ન ગણી તે માટે અભિમાન કરે છે. આર્યસેનાના નાયક થઈ સંગ્રામમાં અદ્ભુત શૌર્ય દર્શાવતાં, હું દુષ્ટ શત્રુના છલથી અશ્વભ્રષ્ટ થયો છું પણ તેથી પરાજય પામ્યો નથી. સેનાનો જય થયો છે. આર્યધર્મનો જય થયો છે. રૂઢિદેવીની કીર્તિ પ્રકટિત્ા થઈ છે.” [‘ભદ્રંભદ્ર’ પુસ્તક]