સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/ગુલમ્હોર મો’ર્યા એટલે



છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે

બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી
દેહ ચડિયાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે

વાયુ અણિયાળો બન્યો એનીય ના પરવા કરી
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે

આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે

શબ્દકોશો ને શરીરકોશોની પેલે પારના
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે

કઈ તરફ વહેવું અમારે, કઈ તરફ રહેવું, રમેશ
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે