સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/રાજકારણીઓને સમજી લઈએ


આપણે ત્યાં ચૂંટણીના સંદર્ભમાં કેટલાક ખ્યાલો પ્રવર્તે છે તેને ઝીણવટથી તપાસવા જેવા છે. મતદારોના વર્તનની બાબતમાં બે બાબતો આપણે તપાસીશું. એક, રાજકીય પક્ષો પોતાને જૂઠાં વચનો આપે છે એવું મતદારો જાણતા હોવા છતાં તેમની એ અપ્રામાણિકતા પ્રત્યે તેઓ દુર્લક્ષ કરે છે. બીજું, ઊંચા આદર્શો સાથે ઊભેલા અને પોતાની પ્રામાણિકતા માટે જાણીતા એવા મોટા ભાગના ઉમેદવારોને મતદારો પસંદ કરતા નથી. મતદારો અંગત લાભ-ખર્ચનો વિચાર કરીને મતદાન કરે છે, સામાજિક લાભ— હાનિ તેમના માટે અપ્રસ્તુત બાબત હોય છે. ધારાસભ્ય સરકારની નીતિઓનો અભ્યાસ કરીને તેના અયોગ્ય, પક્ષપાતી અમલનો ધારાગૃહમાં વિરોધ કરે, અને એ રીતે સમગ્ર રાજ્યની સંનિષ્ઠ સેવા કરે, તેનાથી તેના મતદારો રીઝતા નથી. બીજી ચૂંટણી વખતે તેઓ એક જ પૂછવાના : તમે અમારા માટે શું કર્યું? પોતાના મતથી ચૂંટાઈ આવેલા ઉમેદવાર સમગ્ર રાજ્ય કે દેશના હિતને માટે કામ કરે તેવી મતદારોની અપેક્ષા નથી હોતી. તેમને તો પોતાનાં કામો કરે એવા જ ઉમેદવારમાં રસ હોય છે. અંગત કે પોતાના જૂથના લાભથી પ્રેરાઈને મતદારો વર્તે છે, તે હકીકતનો લાભ લેવા માટે રાજકીય પક્ષો મતદારોના વિવિધ સમૂહોને એ પ્રકારના અંગત લાભની લાલચ આપીને તેમને ખરીદવાની કોશિશ કરે છે. ચૂંટણી ઢંઢેરામાં સમાજના પ્રત્યેક મોટા વર્ગ કે સમુદાયને લાભદાયી નીવડે એવાં વચનો આપવામાં આવે છે. કેવળ સામાન્ય મતદારો જ અંગત લાભને નજર સમક્ષ રાખીને મતદાન કરે છે એવું નથી. નબળા વર્ગોનું કામ કરતા કર્મશીલો પણ એનાથી વધારે વ્યાપક હિતનો વિચાર કરવા તૈયાર નથી હોતા. દા.ત., જે કર્મશીલો આદિવાસી વિસ્તારોમાં કામ કરે છે તેમને આદિવાસીઓને મળનાર લાભમાં જ રસ હોય છે. સમાજમાં આદિવાસી જેવા જ બીજા ગરીબ વર્ગો પ્રત્યે તેઓ ઉદાસીન હોય છે. આવું જ વલણ સ્ત્રી કાર્યકરો, હરિજન કાર્યકરો વગેરેનું હોય છે. રાજકારણીઓની જેમ જ આ કર્મશીલો પણ તેમના કાર્યક્ષેત્રમાં ટૂંકા ગાળામાં મળી શકે તેવા ‘નક્કર’ લાભો માટે જ પ્રયાસ કરતા હોય છે. રાજકીય પક્ષો બેધડક જૂઠાં વચનો મતદારોને આપે છે, કેમ કે કોઈ પણ મતદાતાને તેને સીધી રીતે સ્પર્શતાં ન હોય એવાં વચનોના પાલનમાં રસ હોતો નથી. તેથી આખા ઢંઢેરાનો અમલ કરવા માટેનું મતદારોનું સામૂહિક દબાણ ઊભું થવાની કોઈ શક્યતા નથી હોતી. ચૂંટણીમાં ઊંચા આદર્શો સાથે ઊભા રહેતા સંનિષ્ઠ ઉમેદવારો મોટા ભાગના દાખલાઓમાં કેમ ચૂંટાઈ આવતા નથી, તેનો ખુલાસો મતદારોના ઉપર વર્ણવેલા વર્તનમાંથી સાંપડે છે. મતદારોના કોઈ વર્ગને સામાજિક હિત અપીલ કરતું નથી. વળી જો પ્રામાણિક ઉમેદવાર ચૂંટાઈ આવીને મતદારોનાં કામો કરવામાં પણ નિયમો અને પ્રામાણિકતાનો આગ્રહ રાખવાનો હોય, તો મતદારોને તેની પ્રામાણિકતામાં રસ પડતો નથી. પોતાનાં કામો કરવાનાં હોય ત્યારે આદર્શોને વચ્ચે ન લાવે, એવા અન્યથા આદર્શવાદી ઉમેદવારને મતદારો પસંદ કરે છે! રાજકારણીઓના વર્તન અંગેની આપણી અપેક્ષાઓ નૈતિક આદર્શોની ઊંચી ભૂમિકા પર રહીને રચાયેલી હોવાથી આપણી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે બહુ મોટું અંતર પડે છે. તેને પરિણામે નાગરિકો તરીકે આપણે હતાશ થઈએ છીએ અને રાજકારણને સુધારવાના પ્રયાસો ખોટી દિશામાં કરીએ છીએ. કયા ઉદ્દેશથી લોકોએ રાજકારણમાં પડવું જોઈએ એ વિશે, રાજકારણમાં નહિ પડતા લોકોએ ઊંચા આદર્શો રજૂ કરેલા છે. પરંતુ અહીં હકીકતનો છે. લોકો કયા ઉદ્દેશથી રાજકારણમાં પડે છે? રાજકારણીઓની બાબતમાં આપણે એક સામાન્ય અનુભવને વિસારે પાડીએ છીએ. રાજકારણમાં પડેલી વ્યક્તિઓ, રાજકારણમાં પડે તે પૂર્વે કોઈક વ્યવસાયમાં પડેલી હોય છે. એ વ્યવસાયમાં તે એક અર્થપરાયણ માનવી તરીકે વર્તતી હોય છે, એટલે કે તે અંગત લાભ-ખર્ચનો વિચાર કરીને વર્તતી હોય છે. આના સંદર્ભમાં ઊભો થાય છે : જે વ્યક્તિ અન્યથા તેના વર્તનમાં અર્થપરાયણ માનવી તરીકે વર્તે છે, તે રાજકારણમાં પ્રવેશે ત્યારે અંગત લાભ જતો કરીને સામાજિક હિતથી પ્રેરાઈને વર્તશે એવું માનવા માટે આપણી પાસે કોઈ તર્ક કે અનુભવ છે ખરો? રાજકારણીઓ પણ અર્થપરાયણ માનવીઓ તરીકે વર્તે છે એ પાયાના ગૃહીત પર ચાલીએ, તો રાજકારણીઓનાં ઘણાં વર્તનને સમજવાની ચાવી મળી જાય છે. રાજકારણીઓ ચૂંટણીમાં જીતવા માટે ઊભા રહે છે, મૂલ્યોની પ્રતિષ્ઠા કે લોકશાહીના જતન માટે નહિ. ચૂંટણી જીતવાથી મળતી રાજકીય સત્તા અને તેના દ્વારા મળતા લાભોને મહત્તમ કરવાનું તેમનું લક્ષ્ય હોય છે. અલબત્ત, કેટલાક માણસો પ્રામાણિકપણે લોકશાહીની અને સમાજની સેવાના ઉદ્દેશથી ચૂંટણી લડતા હોય છે; પરંતુ તેમની બાબતમાં પણ એક મુદ્દો સ્પષ્ટ છે. તેઓ એમ માને છે કે ધારાસભામાં પ્રવેશીને તેઓ સમાજ અને લોકશાહીની વધુ સારી સેવા કરી શકશે. તેથી તેમના માટે ચૂંટણી જીતવાનું એટલું જ અગત્યનું હોય છે, જેટલું અંગત લાભ માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે હોય છે. ચૂંટણી જીતવા માટે મતદારોના વિવિધ વર્ગોને રીઝવવા જરૂરી હોય છે. તેથી મતદારોના વિવિધ વર્ગો શું ઇચ્છે છે તે રાજકીય પક્ષો શોધતા હોય છે. મતદારોનાં વિવિધ જૂથો કયા અંગત લાભોથી પ્રેરાઈને મત આપશે તે અંગેની રાજકીય પક્ષોની અટકળો તેમના ચૂંટણી-ઢંઢેરામાં જોવા મળે છે. ચૂંટણી-ઢંઢેરા બે રીતે નોંધપાત્રા હોય છે. એક, તેમાં મતદારોનો કોઈ પણ નાનોમોટો વર્ગ નારાજ થાય એવી વાતો ટાળવામાં આવે છે. તેથી રાજ્ય કે રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલ માટે નાગરિકોએ કયા સ્વરૂપે કેટલી કિંમત ચૂકવવી પડશે તેનો કોઈ ઉલ્લેખ ઢંઢેરામાં કરવામાં આવતો નથી. બીજું, રાજ્ય કે પ્રદેશના ઉકેલ માંગતા પ્રશ્નો અને પક્ષે તેના વિચારેલા ઉકેલો વિશે ખાસ કોઈ ચર્ચા ઢંઢેરામાં કરવામાં આવતી નથી. જે સમસ્યા અને તેનો સંભવિત ઉકેલ મતદારોના કોઈ મોટા વર્ગને આકર્ષી શકે તેમ હોય, તેની જ વાત ઢંઢેરામાં કરવામાં આવે છે. ટૂંકમાં, રાજકીય પક્ષો તેમના ઢંઢેરા રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો અંગેની નિસબતથી પ્રેરાઈને તૈયાર કરતા નથી, પરંતુ મતદારોને આકર્ષવાના ઉદ્દેશથી તૈયાર કરે છે. રાજકીય પક્ષો તેમના આદર્શો લોકો પર લાદવાની કોશિશ કરતા નથી, પરંતુ લોકોના વિવિધ વર્ગો જે ઇચ્છે છે તે આપવાની કોશિશ કરે છે, જેથી તેમના મત મળી શકે. તેથી જ્યાં માત્ર બે જ મુખ્ય હરીફ પક્ષો હોય ત્યાં, કેટલીક ચૂંટણીઓના અપવાદો બાદ કરતાં, બે પક્ષો વચ્ચેની સમાનતા સમય જતાં વધતી જાય છે. કેવળ ઢંઢેરામાં જ નહિ, અન્ય આર્થિક, સામાજિક નીતિઓમાં પણ તેમની વચ્ચેની સમાનતા વધતી જાય છે. અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષ વચ્ચે ભાગ્યે જ કોઈ તફાવત છે; ઇંગ્લૅન્ડમાં મજૂર પક્ષ અને રૂઢિચુસ્ત પક્ષ વચ્ચે ભૂતકાળમાં મોટું અંતર હતું, પરંતુ છેલ્લા બે-અઢી દસકામાં એ બે પક્ષો વચ્ચેના તફાવતો ગણનાપાત્રા પ્રમાણમાં ઘટી જવા પામ્યા છે. ભારતમાં જો કાઁગ્રેસ અને ભાજપ એ બે જ મુખ્ય હરીફ પક્ષો રહે, તો થોડા જ વખતમાં તેમની નીતિરીતિઓમાં મોટા પ્રમાણમાં સમાનતા જોવા મળશે. ચૂંટણી જીતવાની દૃષ્ટિએ જો ઉપયોગી નહિ લાગે તો કાઁગ્રેસ તેની બિનસાંપ્રદાયિકતા છોડી દેશે અને ભાજપ તેના હિન્દુત્વને છોડી દેશે. રાજકીય પક્ષો માટે વિચારસરણી અને આદર્શો સાધનો છે, સાધ્ય નથી. જેવી રીતે ઔદ્યોગિક પેઢીઓ તેમની જે પેદાશો બજારમાં ન ચાલે તે પાછી ખેંચી લે છે, તેવી રીતે રાજકીય પક્ષો જે મુદ્દાઓ ચૂંટણીના બજારમાં ન ચાલે તેને પાછા ખેંચી લે છે. ભારતમાં રાજકીય પક્ષોની સામે એક ટીકા સર્વસામાન્ય રીતે કરવામાં આવે છે : તેઓ દેશના સમાજનું જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, પ્રદેશ વગેરેના આધાર પર વિભાજન કરી રહ્યા છે. આ ટીકા દેખીતી રીતે સાચી જણાય છે, પરંતુ તેમાં થોડા ઊંડા ઊતરીને વિચારીશું તો જુદું ચિત્ર ઊપસી આવશે. ભારતીય સમાજ જ્ઞાતિ, કોમ જેવા વિવિધ આધારો પર વહેંચાયેલો છે. દેશમાં ભાગ્યે જ એવી કોઈ જ્ઞાતિ હશે જેનાં મંડળો ન હોય. દેશના વિવિધ પ્રદેશોમાં રહેતા લોકો તેમનાં પ્રાદેશિક હિતોનો જ વિચાર કરતા હોય છે. આવી જ લાગણી વિવિધ લઘુમતીઓની હોય છે, જેમને એ લઘુમતીઓના અગ્રણીઓ પોતાની ‘સત્તા’ વધારવા માટે પોષતા હોય છે. લોકોની ઉપર્યુક્ત મનોદશાનો લાભ લેવાનો પ્રયાસ રાજકીય પક્ષો કરે છે. લોકો તેમનાં સંગઠનો દ્વારા જે લાભો મેળવવાનો પ્રયાસ કરતા હોય છે તે આપીને રાજકીય પક્ષો ચૂંટણી જીતવાનો વ્યૂહ ઘડે છે. રાજકારણમાં દબાવજૂથો તરીકે ઓળખાતાં વર્ગીય હિતો, રાજકીય પક્ષોની ચૂંટાઈ આવવાની ગરજનો લાભ લઈને ચૂંટણીપ્રસંગે તેમની માગણીઓ આગળ ધરતાં હોય છે. વિવિધ વર્ગો, જૂથોમાં વહેંચાયેલા લોકો જો તેમનાં વર્ગીય હિતોથી દૂર જોવા તૈયાર ન હોય, તો તેમના મત દ્વારા જેમને ચૂંટાવાનું છે એ રાજકારણીઓ જુદી રીતે વર્તે એવી અપેક્ષા રાખવા માટે કોઈ કારણ નથી. ચૂંટણીઓમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ગંજાવર ખર્ચને જોઈને કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે ચૂંટણીમાં કરેલા ખર્ચનું વળતર મેળવવા માટે રાજકારણીઓ ભ્રષ્ટાચાર આચરે છે; જો ચૂંટણીઓને કોઈક રીતે ઓછી ખર્ચાળ બનાવવામાં આવે અને ચૂંટણીખર્ચ અંશતઃ રાજ્યની તિજોરીમાંથી આપવામાં આવે તો ભ્રષ્ટાચાર ઓછો થાય. પરંતુ રાજકારણમાં ભ્રષ્ટાચાર દ્વારા મબલક કમાણી કરવાની તકો ચાલુ રહે ત્યાં સુધી ચૂંટણીઓ ઓછી ખર્ચાળ અને ઓછી ભ્રષ્ટ થવાની અપેક્ષા રાખી શકાય નહિ. પરંતુ હીન માણસોના હાથમાં રાજકીય સત્તા આવે તોપણ તેઓ સમાજનું ન્યૂનતમ અહિત જ કરી શકે એવા બંધારણીય પ્રબંધો વિચારવામાં સલામતી છે. જેમાં રાજકારણીઓને સત્તા વાપરવાનો મોટો અવકાશ હોય, એવાં ક્ષેત્રોમાં રાજ્યની પ્રવૃત્તિઓ વિસ્તારતાં પહેલાં સાત વખત વિચારવું જોઈએ. રાજ્યનું વિસ્તરતું કાર્યક્ષેત્ર છેવટે તો લાભો વહેંચવાની રાજકારણીઓની સત્તામાં જ વધારો કરતું હોય છે. રાજ્યના કાર્યક્ષેત્રમાં થતા વિસ્તાર અને વ્યાપક બનતા ભ્રષ્ટાચાર વચ્ચે સીધો સંબંધ છે, એ આપણે હંમેશાં ધ્યાનમાં રાખવાનું છે. [‘નયા માર્ગ’ પખવાડિક : ૧૯૯૫]