સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/બીજો રંગ
જહાંગીર બાદશાહ એક વખત ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એક ઘોડેસવાર માથે સુંદર ફેંટો પહેરીને જતો હતો. બાદશાહને ફેંટાનો રંગ બહુ ગમી ગયો. તેણે ઘોડેસવારને બોલાવ્યો અને પૂછ્યું, “તેં તારો ફેંટો ક્યાં રંગાવ્યો છે?” જવાબમાં ઘોડેસવારે એક રંગરેજ બાઈનું ઠેકાણું બતાવ્યું. બાદશાહે તે બાઈને બોલાવીને પૂછ્યું, “તું મને આવા રંગનો ફેંટો બનાવી આપે?” બાઈએ કહ્યું, “ઝીણી મજલીન લાવી આપો તો રંગી તો આપું, પણ તેના જેવો તો રંગ નહિ જ થાય.”
બાદશાહ : “કેમ નહીં થાય?”
બાઈ : “કારણ કે તેના પર તો બેવડા રંગ ચડેલા છે.”
બાદશાહ : “મારા ફેંટાને ચાર વખત રંગજે.”
બાઈ : “બેવડા રંગ માત્ર તોલમાપથી નાખેલા તે નહીં. તેમાં એક રંગ તો જે દેખાય છે તે — અને બીજો રંગ તે આશકીનો. આશકીનો રંગ બધા પર ન ચડે.”