સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/કાંટાળો તાજ


વિશ્વભારતી માટે ફંડ એકઠું કરવા પ્રત્યેક શિયાળામાં મારે જાતે બહાર નીકળવું પડે છે. કાં તો લોકોનું મનોરંજન કરવાના રૂપમાં, અથવા જેઓ જરાયે ઉદાર નથી તેમની ઉદારતાને અપીલ કરવાના રૂપમાં ભીખ માગવાનું કામ મારે માટે અતિશય ઘૃણાજનક કસોટી સમું છે. હું શહીદીનો આનંદ માણવાનો પ્રયત્ન કરું છું અને કશી પણ ફરિયાદ કર્યા વિના માનભંગ, નામોશી અને વ્યર્થતાનો કાંટાળો તાજ પહેરી લઉં છું. પણ મારા મનને હંમેશાં આ સવાલ કઠ્યા કરે છે : કંજૂસ દાતાઓ પાસેથી નજીવાં દાન મહામહેનતે મેળવવામાં મારી શક્તિ ખર્ચી નાખવી, એ મારે કરવા જેવું છે ખરું?