સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ ભટ્ટ/એક જિજ્ઞાસુ વિજ્ઞાની


૧૯૨૯માં જન્મેલા, ખેડા જિલ્લાના હલધરવાસના મૂળ વતની, કર્મે અને વિચારે વિશ્વમાનવ બનેલા અરવિંદભાઈ પંડ્યાને આમ તો સ્વાતંત્ર્યસેનાની કહેવા પડે, પરંતુ એ તેમની સંપૂર્ણ અને સાચી ઓળખ કદાચ ના કહેવાય. કિશોરાવસ્થામાં સ્વાતંત્ર્યસેનાની તરીકે એમનું જેટલું પ્રદાન થયું, કદાચ તેથી સવિશેષ સ્વાતંત્ર્યોત્તર સમયમાં એક વિજ્ઞાની તરીકેનું રહ્યું. અરવિંદભાઈનું જીવન, તેમની કામ કરવાની અને વિચારવાની પદ્ધતિ વગેરે કિશોરો, યુવાનો માટે પ્રેરણાદાયક બની રહે તેવાં રહ્યાં છે. તેમના વિચારોમાં સ્પષ્ટતા હતી, તેમ આચરણ હંમેશાં એન્જિનિયરે દોરેલી સીધી લીટી જેવું હતું. બાર વર્ષની ઉંમરે પોતાના ઘરથી તેમણે છેડો ફાડ્યો. પિતા ચંદ્રવદન પંડ્યા સરકારી અમલદાર. જન્મે અને આચરણે ચુસ્ત બ્રાહ્મણ. બાળ અરવિંદ ભણવામાં અવલ ક્રમે રહે. જીવ તો જોકે પહેલેથી જ વિજ્ઞાનીનો એટલે રમકડાં કરતાં ઘડિયાળ જેવાં યંત્રોમાં વધુ રસ પડે. પરંતુ તેણે તો બાર વર્ષની કુમળી વયે ગાંધીનો રંગ પકડી લીધો. ઘર છોડતાં જ, ચરોતર વિસ્તારના અડાસ ગામે નાની રેલવેના પાટા ઉખાડી અંગ્રેજો પરનો રોષ વ્યક્ત કર્યો. મિત્રો સાથે પકડાયા. કારાવાસ મળ્યો. કિશોરાવસ્થા ઘરબારથી દૂર, સગાંસ્નેહી વિના અત્યંત મુશ્કેલીમાં વીતી. જેલમાંથી છૂટી બોચાસણની આશ્રમશાળામાં દાખલ થયા. ત્યાં પણ ભણવા અને દળવામાં સહુથી આગળ. હા, દળવામાં પણ તેમને વિજ્ઞાન જ દેખાતું. આશ્રમમાં અને પાછળથી જેલમાં રવિશંકર મહારાજની દળવાની દક્ષતા કિશોર અરવિંદનું લક્ષ્ય અને આદર્શ બન્યાં. અરવિંદભાઈએ સ્વતંત્રતાની ચળવળમાં વિદ્યાર્થી જીવન તો હોમી દીધું હતું, પરંતુ જિજ્ઞાસા અને જ્ઞાનપિપાસા દિલો-દિમાગમાં રુધિરની જેમ વ્યાપ્ત હતી. તેને ડિગ્રીની ઝાઝી તમા ન હતી, છતાં વડીલોએ ગૂજરાત વિદ્યાપીઠની વિનીતની કક્ષા પાર કરાવી. પણ તેમના મનમાં વિલાયત જઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાની મહેચ્છા હતી. આથી સાહસ ખેડીને તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ઔપચારિક રીતે અંગ્રેજી ક્યારેય પણ શીખ્યા વિના, પરદેશમાં ખીસામાં પાઈ-પૈસા વિના અને હાથમાં ડિગ્રીના પોટલા વિના એ જિજ્ઞાસુ એક બાજુ અંગ્રેજી તો બીજી બાજુ કોલેજમાં મિકેનિક્સના પદાર્થપાઠ શીખવા માંડ્યો. વર્ગ સિવાયનો વખત એક અંગ્રેજના કારખાનામાં કામ કરવામાં જતો. બ્રેડ, દૂધ અને ટામેટાં ઉપર જીવનનિર્વાહ થતો. જે વડીલોએ ‘કાશીગમન’ કરાવ્યું હતું, તેમનો જ કોલ આવ્યો: ‘આવો પરત. દેશને, ખાદી જગતને તમારી જરૂર છે.’ ઇંગ્લેન્ડ મૂક્યું પડતું, ઉપાધવાળી પરીક્ષા મૂકી પડતી અને પહોંચ્યા પાછા સ્વદેશે. અમદાવાદના આંગણે આવી ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંલગ્ન પ્રયોગો, ઉત્પાદન, નિદર્શન અને વિચાર-વ્યાપ વિશેની પ્રવૃત્તિ સાથે સંકળાયા. બે સંસ્થાઓ સાથે આ નિમિત્તે મુખ્યત્વે જોડાવાનું થયું: ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તથા ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ. ૧૯૫૬ના અરસામાં આરંભાયેલા તેમના પ્રયોગો જીવનના અંત સુધી ચાલુ રહ્યા. સૂર્યકૂકર, સૂર્યઊર્જાથી ચાલતું નીરા ઉત્પાદક સંયંત્ર, સૌર વોટર હીટર, સોલર ક્રોપ ડ્રાયર, ગોબર ગેસ પ્લાન્ટ અને સૌર ફોટો વોલ્ટેઇક સેલ અંગેનાં યંત્રોની ડિઝાઇન અને કાર્યક્ષમતામાં સુધારા, નિદર્શનો, પ્રચાર અને નવીનીકરણમાં તેઓ રત રહ્યા. બાયો ગૅસ પ્લાન્ટની કાર્યપદ્ધતિના આધારે ઘરમાં મૂકીને વાપરી શકાય તેવું ‘કિચન વેસ્ટ ક્રાઇજેસ્ટર’ (રસોડાનો સેન્દ્રિય કચરો પચાવી શકે તેવું સયંત્ર) તેમણે બનાવ્યું હતું, જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં વિકેન્દ્રીકરણ સિદ્ધ કરી મોટી ક્રાંતિ લાવવાની શક્યતા ધરાવે છે. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]