સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ક્યાંથી માન હોય?
આનંદશંકર ધ્રુવે એક વાર કહેલું કે હિંદને સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં ખુદ અંગ્રેજો તરફથી જેટલો ફાયદો થવાનો છે તેટલો કોઈ બીજાથી નથી થવાનો; એમના લોહીમાં જ એટલું પ્રજાસ્વાતંત્ર્ય ભરેલું છે કે એમના દાખલ કરેલા રાજ્યતંત્રામાં એ જાણ્યે— અજાણ્યે આવી જ જાય. પણ જીવનનાં છેલ્લાં પાંચસાત વરસમાં અંગ્રેજો પરની તેમની આ આસ્થા ઊઠી ગયેલી.
તેમ છતાં એ પ્રજાની કેટલીક શક્તિઓ માટે તેમને ઘણું માન હતું. એક વાર કંઈક વાતને પ્રસંગે મને કહે, “અંગ્રેજોને આપણે માટે ક્યાંથી માન હોય? આપણા લોકો એશઆરામી અને વિષયી છે, તેમને માટે અંગ્રેજો જેવી કઠિન જીવનપ્રિય પ્રજાને ક્યાંથી માન હોય?”