સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/વ્યથાકારક મંથન



બળતાં પાણી



નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો,
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી
ઘણું દાઝે દેહે તપી તપી, ઊડે બિન્દુ જળનાં;
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડો છાંટી શીતળ કરવાનું નવ બને.

અરે! એ પહાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી, લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી,
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી, જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે?
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
— ઉમાશંકર જોશી