સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલિત શાહ/ખુશાલીનું પડીકું


મારી એક વિદ્યાર્થિની તેની નાની બહેનનાં લગ્ન નિમિત્તે મીઠાઈનું એક સુંદર પડીકું લઈને આવી. ઉપર લખ્યું હતું: અમીશા શાહ અને હનીફ શેખનાં લગ્ન નિમિત્તે ખુશાલી. નીચે બંનેનાં માતાપિતાનાં નામ. એ વડીલોએ આ પડીકા મારફત એ શુભ સમાચાર આ રીતે ફેલાવી દીધા હતા. અમીશા અને હનીફ નાનપણમાં નજીક નજીક રહેતાં હતાં, સાથે ભણેલાં હતાં. અત્યારે તેમને એક જ શહેરમાં નોકરી મળેલી હતી. આ અવસરને બિરદાવતો પત્ર મેં લખ્યો. જવાબમાં કન્યાનાં માતા-પિતાએ લખ્યું: “અમીશા-હનીફનાં લગ્નને આટલી સાહજિકતાથી, ઉદારતાથી અને અંતરની લાગણીથી વધાવનાર સૌપ્રથમ તમે જ છો. અમારાં ઘણાં સગાંસંબંધીઓને આની અગાઉથી જાણ કરેલી. તેમાંથી ઘણાંએ જાણે કે પત્ર મળ્યો નથી કે કાંઈ જાણતાં નથી એ રીતે મૂક વિરોધ દર્શાવ્યો છે, તો કેટલાકે સ્પષ્ટ રીતે વિરોધ કરીને આમાંથી પાછાં વળવાની સલાહ અમને આપી છે. પણ અમારાં તથા વેવાઈનાં કેટલાંક નિકટનાં સગાંઓએ ઉત્સાહથી લગ્નમાં હાજર રહીને, ગીતો ગાઈને પ્રસંગને દીપાવ્યો છે. આપનો પત્ર ઘરનાં સહુને તથા મારાં સાસુ-સસરા, પુત્રી-જમાઈ વગેરેને વંચાવ્યો છે અને આપના ઉમદા લખાણથી સહુ રાજી થયાં છે. એ પત્ર અમારા માટે મીઠું સંભારણું બની રહેશે.” [‘સ્વસ્થ માનવ’ માસિક: ૨૦૦૧]