સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલ્લુભાઈ મ. પટેલ/ઘીનો દીવો


તે દિવસે સેવાગ્રામમાં નિત્ય સાયંપ્રાર્થના પછી બાપુ પ્રવચન કરનાર હતા. એ ગાંધી જયંતીનો દિવસ હોવાથી આસપાસનાં ગામનાં લોકો પણ પ્રાર્થનામાં હાજર હતા. ગાંધીજીને માટે એક ઊંચી બેઠક બનાવવામાં આવી હતી. આસપાસ કોઈ શણગાર કે સજાવટ ન હતાં, પણ સફેદ ખાદીની ગાદીથી બેઠક સુશોભિત હતી. થોડે દૂર દીવડીમાં એક ઘીનો દીવો બળી રહ્યો હતો. ગાંધીજી આવી પહોંચ્યા. તેમનું ધ્યાન પેલી દીવડી તરફ ગયું. તેમણે આંખો બંધ કરી, પ્રાર્થના શરૂ થઈ. પ્રાર્થના પછી કાંઈ બોલતા પહેલાં બાપુએ કર્યો : “આ દીવડી કોણ લાવ્યું?” બા બોલ્યાં, “એ હું લાવી છું.” ગાંધીજીએ કહ્યું, “એ ક્યાંથી મંગાવી?” બા કહે, “ગામમાંથી.” ક્ષણભર ગાંધીજી બા તરફ જોઈ રહ્યા. દીવો કરી પોતાના પતિનાં દીર્ઘાયુ ને તંદુરસ્તી માટે પ્રભુને પ્રાર્થના કરવી એ હિંદુ સ્ત્રીનો ધર્મ છે, એમ માનીને કસ્તૂરબાએ દીવડી મંગાવી દીવો કરેલો. પણ બાપુએ આ કેમ પૂછ્યો તે બાને સમજાયું નહિ. પછી ગાંધીજી બોલ્યા : “આજે કંઈ સૌથી ખરાબ થયું હોય તો તે એ કે બાએ દીવડી મંગાવી ઘીનો દીવો કર્યો. આજે મારો જન્મદિવસ છે, તેથી દીવો કરવામાં આવ્યો છે? મારી આસપાસનાં ગામડાંમાં રહેનારા લોકોનું જીવન હું રોજ જોઉં છું. તેમને તો ભાખરી પર ચોપડવાને તેલનાં બે ટીપાં પણ મળતાં નથી, અને મારા આશ્રમમાં આજે ઘી બળી રહ્યું છે! આજે મારો જન્મદિવસ હોય તેથી શું થયું? આજે સત્કર્મ કરવાનું હોય, પાપ નહિ. ગરીબ ખેડૂતોને જે ચીજ મળતી નથી, તેનો આવી રીતે દુરુપયોગ આપણાથી થાય જ કેમ?