સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ વ્યાસ/ઓગણસાઠ વરસ પર વાવેલું


૫૯ વર્ષ પહેલાં, ૨૨ વર્ષની એકવડા બાંધાની એક યુવતી સફેદ સાડીમાં સમી સાંજે ૧૧ બાળકો અને ૪૦ જેટલા લબાચા-પોટલાં સાથે વઢવાણ સ્ટેશને ઊતરી. અંધારું છવાઈ ગયેલું. સ્ટેશન પરના યાત્રિકોએ નવાઈથી પૂછ્યું, “બહેન, આ નાનાં બાળકો સાથે ક્યાં જવું છે? જવાબમાં આગંતુક બહેને કહ્યું કે તેઓ ઘરશાળા-આશ્રમ પર જવા માગે છે. તો યાત્રિકોએ કહ્યું કે, ત્યાં ન જતાં, બહેન! હજુ ગઈ કાલે જ એ વેરાન માર્ગે એક બાઈને લૂંટીને હેરાન કરવામાં આવી છે, તો રાત્રે ત્યાં નિર્જન જગાએ ન જતાં. દરમિયાન સ્વામી શિવાનંદજી ગાડું લઈને તેડવા આવ્યા અને બાળકો તથા સામાન સાથે એ સમયે વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે આવેલી ઘરશાળામાં જવા પ્રયાણ કર્યું. ત્યાં તેમણે મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓની ધૂણી ધખાવી, તેને આજ ૫૯ વર્ષો થયાં. શ્રી અરુણાબહેન દેસાઈએ સેવાનું વૃક્ષ વાવ્યું જે આજે વડલો બની રહ્યું છે. હાલ શ્રી અરુણાબહેન દેસાઈની રાહબરી નીચે સ્ત્રી રક્ષણ કેન્દ્ર, શિશુગૃહ, છાત્રાલય, હોસ્પિટલ, પ્રાથમિક શાળા, બાલમંદિર, ગર્લ્સ હાઈસ્કૂલ, અધ્યાપન મંદિર, કલા અધ્યાપન મંદિર, ફાઈન આર્ટ્સ કોલેજ, બી.એડ. કોલેજ, સ્ત્રી મહિલા મંડળ, ઉદ્યોગગૃહ, કુટુંબ સલાહ કેન્દ્ર અને વિકાસ વિદ્યાલય, એમ અનેક સંસ્થા ચાલી રહી છે. સાથે ખાદી ઉત્પાદન કેન્દ્રો, ખાદી ભંડાર પણ ચાલી રહ્યા છે. [‘સ્વરાજ્યધર્મ’ પખવાડિક : ૨૦૦૬]