સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વસંત વ્યાસ/અગડ છે!


“હાલો, ઊઠો વારુ કરવા!” અમારી વાતો પૂરી થઈ એટલે લાખાભાઈ બોલ્યા. “હા ભાઈ, પેટને ભાડું તો દેવું જોવે ને? બીજા બધા વિના હાલશે, પણ કાંઈ એના વિના થોડું હાલશે?” આમ મનજીભાઈ બોલતા હતા ત્યારે, એમનાં ફાટેલાં કપડાં અને વધેલી દાઢી પરથી લાગતું હતું કે ઘણી વસ્તુઓ વિના ચલાવી લેવા તે ટેવાયેલા હશે. બધા ઊઠ્યા. હું લાખાભાઈની જોડે એમને ઘેર ગયો. પતરાના ઢાંકણાવાળી કાચની શીશીનો નાનકડો દીવો બારસાખ પાસે એવી રીતે મૂકેલો હતો કે તેનો ઝાંખો પ્રકાશ અડધો ઓસરીમાં અને અડધો ઘોલકા જેવા નાનકડા ઘરમાં પડતો હતો. અમે જમવા બેઠા. ખરબચડા લાકડાના બાજઠ ઉપર જુવારના બે રોટલા ને તાંસળીમાં કંઈક ખીચડી જેવું આવ્યું. “હમણાં બહુ કામમાં રઈં છઈં એટલે શે’રમાં નથી જવાણું, ને ઘરમાં તેલ થઈ ર્યું છે તી આજ ખીચડીમાં અબગાર નથી,” સંકોચભર્યા અવાજે લાખાભાઈ ધીરેથી બોલ્યા. “એમાં કાંઈ વાંધો નહિ. એ તો ચાલે....” “તો હલાવો તયેં, લ્યો!” એમનો વિનંતીના રૂપમાં આદેશ મળ્યો ને અમારું ભોજન શરૂ થયું. ઝાંખા પ્રકાશમાં ખીચડી જેવી જણાતી વસ્તુનો સ્વાદ કંઈક જુદો લાગ્યો, એટલે મેં પૂછ્યું, “લાખાભાઈ, આ શું છે?” “ખીચડી છે, ભાઈ.... પણ તમારા જેવી નહિ, જરા જુદી જાતની — અમે ચોખા નથી નાખતા....” “કેમ નથી નાખતા?” “અમારે અગડ છે...” કહીને હસવા માંડયા. “અગડ શા માટે? કાંઈ માનતા રાખી છે?” “માનતા-બાનતા તો શું હોય, મારા ભઈ? પણ ચોખા મળે તો ખાઈંને? બાર મૈનાનાં જારબાજરો પૂરાં નથી થાતાં, ન્યાં ચોખાની ક્યાં વાત? આ તો વળી મઠ થાય છે એટલી ઉપરવાળાની દયા છે, એનું ધાન કરીને ખાઈં છઈં.” “એ ધાન કેવી રીતે બનાવો?” “આ મઠ હાંડલામાં બફાઈ જાય એટલે બે-ત્રાણ મૂઠી બાજરાનો લોટ એમાં નાખી દઈં — તે થઈ જાય ખીચડી જેવું!” બીજે ઘેર અડધું વાળુ કરીએ ત્યાં દૂધ પીરસાતું, તેમ કદાચ અહીં આવે એવી કાચી-પાકી ધારણા મનમાં ચાલતી હતી; ત્યાં તો વગરપૂછ્યે લાખાભાઈએ જાતે જ ખુલાસો કર્યો : “ભાઈ, ચોખા તો એક કોર ર્યા — પણ ગામમાં દુઝાણાંય નથી, તે આ રેખરળતા ઉનાળામાં છોકરાંવ છાશેય નથી ભાળતાં.” “કેમ, ગામમાં ગાય-ભેંશ નથી?” “છે બે’ક જણાને બકરી જેવી ગાયું — એનુંય નો વળતું હોય, ન્યાં આપણને તી ક્યાંથી દ્યે?” રોટલા ને ‘ખીચડી’ને ન્યાય આપી, એમના કુટુંબની ને ગામની વાતો કરતાં ઠીક ઠીક વખત સુધી બેઠા. પછી, ઘરમાં બીજો ખાટલો નહોતો છતાંયે, એમના અતિ આગ્રહને વશ થઈને મેં ફળિયામાં ખાટલા પર લંબાવ્યું. ઉપર આકાશમાં તારામંડળ ઝગમગી રહ્યું હતું. પણ આજે એમની સાથે હું ગોઠડી ન કરી શક્યો. મારી આંખ સામે આ વિસ્તારના બે દિવસના મારા પ્રવાસનાં દૃશ્યો તરવરવા લાગ્યાં.... ગઈ કાલે સવારે પેલા ગામમાં મણિબહેન સાથે વાતચીત થતાં જાણ્યું કે કંઈ કામ ન મળવાથી એમના પતિ અને મોટો દીકરો થોડે દૂરના કસબામાં હાથગાડી ચલાવીને મજૂરી કરે છે, ને એમાંથી પોતાનો ખર્ચ કાઢતાં કંઈ વધે તો થોડુંઘણું ઘેર મોકલે છે. મણિબહેન અહીં દાડિયું રળવા જાય છે ને છોકરાંવને ખવડાવે છે. કહેતાં હતાં કે લૂગડાં લેવા માટે પૈસાનો વેંત ક્યાંય ન થયો, તે ગયા શિયાળામાં ટાઢ વેઠીને છોકરાં માંદાં પડેલાં.... આજે સવારના ગામે એક બહેનને ત્યાં બાળકો હાથમાં જુવારના રોટલાનાં જાડાં બટકાં લઈને હરતાં ફરતાં ખાતાં હતાં. મેં પૂછ્યું કે, રોજ આમ લૂખા રોટલા જ ખાય છે? ત્યારે બહેન કહેવા લાગ્યાં : “તમારે પ્રતાપે લગભગ તો હજી લગણ લૂખું નથી ખાતાં. કાં રોટલા ભેગું અડદ-મગનું શાક હોય, ને કાં લહણની ચટણી હોય.” મેં મનોમન કહેલું : “હા બેન, હા — અમારા જેવાને પ્રતાપે ....” ને અત્યારે આ લાખાભાઈનું ઘર : ચોખાની અગડ, તેલની અગડ, કપડાંની અગડ, દૂધ-ઘીની અગડ, શાકભાજીની અગડ... વળી એવાય વિસ્તારો હશે, જ્યાં કોઈ કોઈ વાર લોકોને અનાજનીયે અગડ રાખવી પડતી હશે! સ્વતંત્રા ભારતના કરોડો નાગરિકો કઈ સિદ્ધિ માટે આવી અનેક અગડ રાખી રહ્યા છે? દેશના, દુનિયાના, આવા સહુની અગડ કોણ છોડાવશે? ક્યારે છોડાવશે?