સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અંદર ચેતન છે!


અંધકારને ફેડવા માટે ઘેરઘેર દીપક હોય એવી યોજના કરવી પડશે. એને બદલે સૂર્ય, ચંદ્ર કે તારાઓની જ રાહ જોયા કરશું તો કામ નહીં ચાલે. આજે ઘેરઘેર દીવો નથી પ્રકાશતો તેનું કારણ એ છે કે લોકોને પોતાની શક્તિનું ભાન નથી. લોકોને અંદરથી એવી ખાતરી નથી થતી કે, અમારી સમસ્યાઓ અમે જાતે ઉકેલી શકીશું. દરેક વાતમાં સરકારને યાદ કરે છે. સરકારનું તો એટલું નામ લે છે કે ભગવાનનેય ભૂલી જાય છે! આ પરિસ્થિતિમાં, સરકારની કશી મદદ વિના, કેવળ લોકશક્તિને આધારે ભૂદાનમાં ૪૦-૪૫ લાખ એકર જમીન મળી, છએક હજાર ગ્રામદાન પણ મળ્યાં, એ બહુ મોટા આશ્ચર્યની વાત ગણાવી જોઈએ. બિલકુલ અંધારું હતું, તેમાં આટલોયે પ્રકાશ થયો, તેનાથી આશા બેસે છે કે આ શરીરમાં હજી ચેતન છે. માણસ મરણપથારીએ પડયો હોય ત્યારે તેના નાક ઉપર સૂતર ધરીને જુએ છે કે તે હલે છે કે નહીં. શ્વાસોચ્છ્વાસ ચાલતો હોય તો સૂતર હલશે અને તેથી સમજાશે કે માણસ જીવતો છે. એવી રીતે મેં ભારતના નાક ઉપર ભૂદાન આંદોલન રૂપી સૂતર ધર્યું છે. તે થોડું હલતું દેખાય છે એ બતાવે છે કે અંદર ચેતન છે.