સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સંસ્કૃતિ... પ્રકૃતિ... વિકૃતિ


પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતાં માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત્-સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ, ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીએ, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપિ સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું; પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. સિંહ હરણને ખાય છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. ગાય માંસ નથી ખાતી, પણ તેટલાથી કાંઈ તેને બહુ સારી કહીને તેનો મહિમા ન કરી શકાય કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઊઠીને આગળ વધવું, એ જ સંસ્કૃતિ છે. ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોયે અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગિજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. પણ આપણા કરતાંયે વધારે સુજલ-સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, અહીં જે વિચાર-સંપદા આપણને મળી છે, તે અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત, તોપણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર-વૈભવ ખરેખર અદ્વિતીય છે. અને તે એટલા વાસ્તે નહીં કે અહીં નાટક વગેરે સાહિત્ય પુષ્કળ રચાયું છે, અહીંનાં સ્થાપત્ય બેનમૂન છે. એ બધું તો છે, પણ તે મામૂલી ચીજો છે. પરંતુ બુનિયાદી ચીજ ‘આધ્યાત્મિક વિચાર-સંપદા’ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો, જ્યાંની ભાષામાં દસ હજાર વરસોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે, તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. ‘અગ્નિમીળે પુરોહિતમ્’ — આ વૈદિક મંત્ર હજારો વર્ષથી ચાલ્યો આવ્યો છે. તેમાંના અગ્નિ, દેવ, ઋત્વિજ, પુરોહિત, યજ્ઞ, રત્ન વગેરે બધા શબ્દો આજની આપણી ભાષાઓમાંયે કાયમ છે. તેને લીધે ભાષાઓ બદલાઈ, અપભ્રંશ થઈ, છતાં અહીંની જ્ઞાન-પરંપરા ખંડિત નથી થઈ. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે, જે બદલાતી નથી. ‘યૂનાનો મિસ્ર રૂમા સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી’ — યૂનાન, રોમ, મિસ્ર બધા ભૂંસાઈ ગયા, પણ કાંઈક એવું છે કે આ દેશની હસ્તી હજીયે કાયમ છે. પ્રકૃતિથી ઉપર ઊઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. [‘ભારતીય સંસ્કૃતિ’ પુસ્તક : ૨૦૦૩]