સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી/ભોળપણ અને મૂઢતા


જેમ વસતિ વધે છે તેમ જાણે મૂર્તિઓની અને મંદિરોની, સાધુઓની સંખ્યા પણ વધતી જાય છે. બાધા, આખડી, પ્રસાદવિધિ, દર્શનવિધિ, ચોઘડિયાં — એમ કર્મકાંડ ચાલે છે. ઈશ્વરની ઉપાસનાના બાહ્ય આચારમાં હિંદુઓએ મુસ્લિમો પાસેથી બહુ શીખવાનું છે : શાન્તના, સાદાઈ, નિયમન, એકતાભાવ. કેટલાંક મંદિરો તો જાણે વેપારી મંડળો. ક્યાંક ભક્તોના ધનની લૂંટ પુણ્યને નામે થાય છે. મંદિરોને અર્પિત ઘણી જમીન નાનામોટા વેપારીઓએ પડાવી લીધી છે. સામાન્ય સાધુ, સંત કે ઉપદેશકને દેવ કે ભગવાન બનાવી દઈ તેમને નામે મંદિરો રચવાં એ પણ ભોળપણ ગણાય. કૃષ્ણ કે રામને અવતારી પુરુષો ગણીએ તે સુયોગ્ય છે. પરંતુ જ્યાં ત્યાં વિભૂતિ, જ્યાં ત્યાં અવતાર જોવામાં મૂઢતા છે. કોઈ પોતાને દેવ કે અવતારી પુરુષ ન બનાવી દે તે બાબત ગાંધીજી કેટલી બધી કાળજી રાખતા. થોડીક ઊંચી કક્ષાના માનવને ભગવાન બનાવી દેવાની હિંદુઓની ટેવ આપણા ધાર્મિક જીવનનો મોટો દોષ ગણાવો જોઈએ. પ્રભુ પાસે જવાનો માર્ગ તત્ત્વનિષ્ઠ અને સાત્ત્વિક જ હોવો જોઈએ. મૂઢાચારથી મોક્ષ ન મળે. [‘ઉત્પ્રેક્ષા’ પુસ્તક]