સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વ્રજેશ વાણંદ/પ્રાણીઓની ગાડી



જંગલ કેરાં પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી...
સૌથી આગળ કાળો હાથી, એન્જિન એ કહેવાય.
હાથી ઉપર બેઠું સસલું, ડ્રાઇવર એ કહેવાય,
મોટાં મોટાં ફળ એ હાથીને દેતું જાય.
જંગલ આખું ધમધમ થાતું, પક્ષીઓ હરખાય.
લાંબી ડોકે જીરાફભાઈ જંગલ જોતા જાય,
વરુ અને શિયાળ એના પગમાં અથડાય;
કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય,
હરણ અને સાબર એ તો ઠેકડા મારતા જાય.
કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય,
પાંદડાંની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય;
સૌની આગળ ઝંડી લઈને રીંછભાઈ જાય;
પી-પી સીટી વગાડી, ગાડી ઊપડી જાય.