સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ જાની/અમે — તમે



અમે ધરતી ને તમે આભ :
લ્યો, ચારે છેડે છાઈ ગયા;
તમે ચાંદરણું, અમે ચાકળો :
કિરણ કિરણ ઢંકાઈ ગયાં.

અનરાધાર અષાઢ તમે
ને અમે નવાણે નીર;
અમે ખેડેલાં ખેતરાં ને તમે વણબોટ્યું બીજ.
અમે વડવાયું, તમે વૃક્ષ :

લ્યો, વળ વળમાં ગંઠાઈ ગયાં;
તમે ટહુકો ને અમે પડછંદા :
નાદે નાદે નાહી ગયાં.
તમે ડેલીના ડાયરા,

અમે મેડીની બોલાશ;
તમે દુહા ને રાસ અમે : લ્યો,
રગરગમાં રંગાઈ ગયાં.
તમે કાંગરિયાળા કાંઠલા,

અમે ભીંત્યું ઝાકમઝોળ;
તમે અમારાં પાનેતર :
અમે તમારા ખેસ.
[‘સ્ત્રી-જીવન’ માસિક : ૧૯૭૬]