સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/ધરતીમાંથી ઊગેલો સર્જક


‘દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ’માં એમની ચૂંટેલી કૃતિઓ એકસાથે ૪૦૦ પાનાંમાં વાંચીએ ત્યારે ‘ખરેખરો ધરતીમાંથી ઊગેલો એક મહાન સર્જક’ આપણી પર છવાઈ જાય છે. પુસ્તકના છ વિભાગ પાડ્યા છે: નવલકથા, નવલિકા, રેખાચિત્રો/ચરિત્રનિબંધો, પ્રસંગકથા/સંસ્મરણકથા, નિરીક્ષણ-ચિંતન અને પત્રકારત્વ. આમાંથી દરેક વિભાગને આરંભે સંપાદકે મૂકેલી એક એક પાનાની નોંધમાં જે તે સાહિત્યપ્રકારમાં દિલીપભાઈએ કરેલા લેખનની વિગતો, ખાસિયતો અને તેનાં સાહિત્યિક સ્થાન વિશે વાંચવા મળે છે. ‘સૂકી ધરતી, સૂકા હોઠ’ આખી નવલકથા આ સંચયમાં વાંચવા મળે છે. એક યુવાન શિક્ષકની પછાત સમાજને કારણે થયેલી પાયમાલીની કથા ક્ષુબ્ધ કરી દે છે. દિલીપભાઈએ કરેલાં સોએક રેખાચિત્રો અને ચરિત્રનિબંધોનાં ચાર પુસ્તકો છે. અદના આદમી અને તેના જીવતર સાથેનો લેખકનો બિલકુલ નજીકનો નાતો તેમાં જોવા મળે છે. પ્રસંગકથા/સંસ્મરણકથા વિભાગની નોંધમાં સંપાદક લખે છે: ‘દિલીપભાઈએ આમ આદમીની દિલેરી, ઉદારતા, હિંમત, સાહસિકતા, માણસાઈ, સમાજ માટે ઘસાઈ છૂટવાની તમન્ના આદિ માનવીય ગુણોની ગાથાઓ રચી છે.’ આ પ્રકારનાં ત્રીસ પુસ્તકોમાંથી અહીં સાત કથાઓ વાંચવા મળે છે. પરિશિષ્ટમાં મુકાયેલી અન્ય બાબતો છે: દિલીપભાઈ પરના કેટલાક પત્રોના અંશો તેમના વિશેના સોએક લેખોની સૂચિ, તેમનાં પુસ્તકોની યાદી અનેજીવનતવારીખ. સંપાદકનો લેખ અને દિલીપભાઈના ‘લાંબામાં લાંબા કાળના સાથી’ હસુભાઈ રાવળે લખેલી ભૂમિકા—એ બંને સાથે મૂકીને વાંચતાં માણસ અને લેખક દિલીપભાઈનું એક મનભર ચિત્ર આપણને મળે છે. દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ: સંપાદન: યશવન્ત મહેતા, રૂ. ૨૨૫ [‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૫]