સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/શક્તિ અને કાર્યની સમતુલા


સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે મેઘાણીનાં ગીતો પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણી નામ સાર્થક છે. એમનો કંઠ મેઘ જેવો ગંભીર અને આહ્લાદક છે. શ્રોતાઓને પોતાની ગંભીર ગર્જનગિરાથી મોરોની પેઠે તેઓ નચાવતા અને રસોદ્ગારથી ટહુકારાવતા. આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જ જન્મી. મેં અત્યાર લગી તેમનું કોઈ લખાણ વાંચ્યું ન હતું. એમની ‘રસધાર’ની ચોપડીઓ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. અનુકૂળતાએ બધી નહિ તો એમાંથી કેટલીકનો કેટલોક ભાગ સાંભળી ગયો અને બાલ્યાવસ્થામાં જ ગ્રામજીવન તેમજ લોકગીતોના સંસ્કાર ઝીલ્યા હતા—અને જે સંસ્કાર હવે ગત જન્મના સંસ્કાર જેવા થઈ ગયા હતા—તે બધા એકે એકે મનમાં ઊભરાવા લાગ્યા. પછી ક્યારેક મુંબઈમાં અમે બંને મળ્યા. ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કંઠની બક્ષિસવાળો સુગાયક જ નથી, પણ એ તો ચંતિન અને સંવેદનથી પણ સ્વચ્છ હૃદયનો પુરુષ છે. ને તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. ૧૯૪૧ના ઉનાળામાં મેઘાણી મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણ હતો. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણી, એટલે એમને પોતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન, મારી સાથે બિહારના એક ડોક્ટર હતા તેમણે એક ગીત લલકાર્યંુ. ગીત પૂરું થતાં જ મેઘાણી આપમેળે ગાવા મંડી ગયા. મેં રોક્યા પણ, આ એક તો પૂરું કરી લઉં, એમ કહી તે આગળ ચાલ્યા. એક એટલે કયંુ એક, એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી [૧૯૪૩માં] તેમનાં મુંબઈ યુનિવર્સિટીનાં ભાષણો સાંભળવાની તક મળી. કલાકોના કલાકો લગી અખંડપણે એટલી મોટી મેદની વચ્ચે ઊચા સ્વરથી ગાવું અને વિદ્વાનો સમક્ષ વિવેચન પણ કરતા જવું, એ સિદ્ધિ તે જ વખતે જોઈ. મને થયું કે પ્રસંગ મળે તો મેઘાણીને કહી દઉં કે, “આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તોપણ પૂરતો આરામ કરી લો.” પરંતુ તેમણે તો મને એવો ઉત્તર આપ્યો કે, “આરામની વાત ક્યાં છે? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું. રાતે પણ એ જ ગડભાંજમાં રહું છું.” હું કાંઈ વિશેષ ન બોલ્યો પણ એટલું કહ્યું કે “આ રીત સારી નથી, જીવલેણ છે.’ ’ યુનિવર્સિટીનાં પાંચ ભાષણો પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યા ભવનમાં એક મેળાવડો યોજાયો. મુનશીજી પ્રમુખ અને મેઘાણી લોકગીત લલકારનાર. પોણા ત્રણ કલાકએ મેઘગંભીર ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રી મુનશીએ કહ્યું કે “આ તો વ્યાસ છે.” મને એમ લાગ્યું કે વ્યાસે ‘મહાભારત’માં જે વિવિધતા આણી છે તે જ તત્ત્વ મેઘાણીના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક ત્રુટિ ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એ કે વક્તા શકિત અને સમયનું પ્રમાણ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાઓ માત્ર પોતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિનો જ વિચાર કરે છે, વક્તાની સ્થિતિનો નહિ. છેલ્લે ૧૯૪૬ના એપ્રિલમાં [મુંબઈમાં] ‘બ્લેવેટ્સ્કી હોલ’માં એક મેળાવડો યોજાયેલો. મેઘાણી ગાનાર. ઠઠ ખૂબ જામી હતી. મેં ધારેલું કે દોઢેક કલાકમાં પૂરું થશે, પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું. એટલે હું તો અતિ લંબાણની ચિંતા કરતો ઘેર પાછો ફર્યો. મારી સાથે એક બેન આવેલાં એમને મેં કહ્યું કે “જો મેઘાણી આ રીતે ગાતા રહેશે ને સમય-મર્યાદા નહીં બાંધે તો લાંબંુ જીવન માણી શકશે નહિ. શ્રોતાઓ ‘આગળ ચલાવો—આગળ ચલાવો’ એમ કહ્યે જાય છે, સારા સારા વિચારકો પણ એમને રોકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જાય છે. એ ભારેમાં ભારે અજ્ઞાન છે.” લગભગ અગિયાર મહિના પછી મેઘાણીના દુ:ખદ અવસાનની વાત જાણી, ત્યારે મને મારા અનુમાનના કાર્યકારણભાવ વિષેની ખાતરી થઈ. માણસ ગમે તેવો શકિતશાળી હોય, છતાં શકિત અને કાર્યની સમતુલા જો રાખી ન શકાય તો એકંદરે તે પોતે અને પ્રજા નુકસાનીમાં જ રહે છે. લોકસેવક ગોખલેના અવસાન પછી અમદાવાદમાં એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મન ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, “ગોખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમોને પૂરી રીતે તેઓ ન અનુસર્યા. તેમણે કામ બહુ કીમતી કર્યંુ, પણ વધારે પડતું ખેંચવાથી એકંદરે તેઓ પોતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શકત તેનાથી વંચિત રહ્યા છીએ.” મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે. યુરોપના આધુનિક લેખકોમાં એચ. જી. વેલ્સ કે બર્નાર્ડ શો જેવા ઘણા છે, જેઓએ આખી જિંદગી સાહિત્યસર્જનમાં આપી છે. તેમનંુ દીર્ઘ જીવન જોતાં એમ લાગે છે કે તેઓ શકિત અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈએ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દીર્ઘ જીવન દ્વારા લોકસેવા કરી રહ્યા છે તેનો આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું. મેઘાણીનાં પુસ્તકોમાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. ‘વેવિશાળ’, ‘પ્રભુ પધાર્યા’ અને ‘માણસાઈના દીવા’, છેલ્લે મહીડા ચંદ્રક વખતનું પ્રવચન, રાજકોટની સાહિત્ય સભામાં પ્રમુખ તરીકેનું ભાષણ અને ‘સંસ્કૃતિ’માંનો ‘લોકકવિતાનો પારસમણિ’ લેખ: આટલા અતિ અલ્પ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊડામાં ઊડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેઘાણી બીજું બધું ગમે તે હોય કે નહિ, પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશકિત છતાં નિષ્પક્ષતા સાચવવાની શકિત છે, તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે. તેઓ દોષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે ‘અહમેવાસ્મિ’માં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પોતાની પાછળની પેઢીને એક ચેપી રોગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રોગથી પર હતા, એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે. [‘સૌનો લાડકવાયો’ પુસ્તક]