સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/કહેજો જી રામ રામ



સૂરજ દાદાને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.
ફૂલડાં રાણીને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના....
પીળાં પતંગિયાને કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.
ચાંદા મામાને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.
નીંદર માસીને કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.
[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]