સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/પ્હેલવ્હેલી



હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે તારલાની ટોળી રે,
કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.
કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે,
કોણે ધરતી દીધી અહીં ઠેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.

હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે ધરતીને ખોળે રે,
કોણે નદીઓને વ્હેતી મેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.

કોઈ કહેશો કે સાતે સાગરને રે,
કોણે આવીને પાળ આ બાંધેલી રે
પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી....

હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે કોકિલને કંઠે રે,
કોણે સંતાઈ, સૂરરેલ રેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી...

પેલા ઘેલા ચકોર તણા ચિત્તે રે,
કોણે ચંદરની પ્રીતડી ભરેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી...

હાં રે પ્હેલવ્હેલી રે,
નાનાં બાળકાંને માત સામું જોઈ રે,
કોણે હસવાની વાત શીખવેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.

કોઈ કહેશો શહીદ તણે હૈયે રે,
કોણે કુરબાનીને કોતરેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.

[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]