સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/બાળગીતોની કસોટી


આપણા ઘણા કવિઓ બાળકો માટે લખતા રહ્યા છે. અને કવિ નથી તેવા પણ ઘણા લેખકો — ખાસ કરીને બાળશિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો — બાળકો માટે ગીતો જોડતા રહ્યા છે, જેમાં કવિતા અને બાળકો બંને પર અત્યાચાર જ થતો રહ્યો છે. પણ બાળચેતનાની સાથે અનુસંધાન સાધી સાચી કવિતા આપતા રહે એવા કવિની આપણને જરૂર છે. બાળકો માટે જ લખવું, એવા કશા ભારણ વિના સહજ રીતે સૌંદર્ય અને આનંદના સ્વયંભૂ ઉદ્ગાર તરીકે લખાયેલાં કાવ્યો કવિઓએ બાળકો આગળ ધરતા રહેવું જોઈએ. કાવ્યમાં ભાષાનું, ભાવનું, વિચારનું કે વસ્તુનું ઔચિત્ય સાચવવું, એ ઘણું નાજુક અને દોર પર ચાલવા જેવું કામ છે. કાવ્ય અંગે પહેલું ભયસ્થાન એ રહે છે કે કવિને લય કે છંદ હાથ આવી જાય, એટલે તેનો ઉદ્ગાર પૂરતો કાવ્યમય સંસ્કાર પામ્યા વિના, કલ્પના કે ભાવથી રસાયા વિના, ઉપરચોટિયો ગદ્યાળુ બની જાય છે. બાળગીતોમાં તો આવું સહેલાઈથી થઈ જાય, કેમકે બાળકાવ્યની બાનીને બને તેટલી બાળકની સપાટી પર રાખવાની છે. અને આમાં ઊલટી કવિની વધુ કસોટી થાય છે; સપાટીની નિકટ રહી તેણે ચારુતા સાધવાની છે.