સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન ઠાકર ‘મેહુલ’/માંયલીપા ઊઘડેલાં કમાડ


ઠેઠ તેરમી સદીની વાત. કવિ બીજલ કવિતા કરીને રાજા રા ડિયાસનું માથું લઈ આવેલો! પણ કવિ તો એ માથું આપનારના ગુણ ગાવા એનું મસ્તક ખોળામાં લઈ ચિતા પર ચઢી બળી મૂઓ. કવિ દુલા ભાયા કાગ આ બીજલ કાગના વંશજ. કવિ બીજલના ત્રણ દીકરા, કાગ સુર એમાં નાનો. કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા. એના દીકરા ભાયા કાગ. ભાયા કાગનાં પત્ની આઈ ધાનબાઈ. ભાયા કાગનો રોટલો ને ઓટલો એટલા પહોળા કે આઈ ધાનબાઈ રોજ પોણો મણ દળણું દળે! આ અન્નપૂર્ણાને પેટે વિ. સં. ૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે કવિ દુલો કાગ જન્મ્યા. ભાયા કાગનો સાત ખોટનો દીકરો દુલો. અધરમીઓને માથે ભાયો કાગ કાળ બનીને ત્રાટકે. પણ દીકરો દુલો જુદી જ દુનિયામાં વસે. કિશોરવયનો દુલો — એના હૈયામાં બે કોડ છે. એક ગાયો ચારવાના અને બીજા ગાયના દૂધ જેવી અમૃતમયી કવિતા કરવાના. ગુજરાતી પાંચ ચોપડીનું ભણતર ભણી, નિશાળને રામરામ કરી એણે ધેનુ ચારવાનું વ્રત લીધું. તપસ્વી જેવા નિયમો લીધા. ઉઘાડા પગે ચાલવાનું, ઉઘાડા માથે ફરવાનું, ગાય બેસે ત્યાં બેસવાનું, ગાય ઊભી રહે ત્યાં ઊભા રહેવાનું. ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ હાથે પાણી સીંચીને પાવાનું! ગાય ચાલતી ચાલતી ગોચરી કરે, એમ ઘેરથી બાંધી આપેલો રોટલો પણ વગર દાળ-શાકે ચાલતાં ચાલતાં બટકાવી જવાનો. કિશોરવયે દુલો આવું જતિ જેવું જીવન જીવે. ગાયો ચરીને ઝાડને છાંયડે વાગોળતી બેઠી હોય, પવન વીણા વાતો હોય, પંખી ગીત ગાતાં હોય, એવે વખતે દુલો કાગ નવાણે જઈને નહાય, ડિલ પર કપડાં બે. એક ધોઈને સૂકવે, એક પહેરીને પૂજા કરવા બેસે. નાનકડી પોટલીમાં બાંધેલી ગજાનનની મૂર્તિ કાઢે અને પૂજા કરે. પછી આ કિશોર ‘રામાયણ’ વાંચે છે. સ્વર તો સિતારના તાર જેવો છે પણ એ દબાતે રાગે ગાય છે. મનમાં એક છાની બીક છે. બાપુને એના આ ભગતવેડા નથી ગમતા. ભાયા કાગ શક્તિનો પૂજારી. ઘેર પાંખાળા ઘોડા છે. બાપ મારતે ઘોડે સો ગાઉની સીમ માથે બાજની ઝપટે આંટો દઈ આવે ને દીકરો સો દોહાચોપાઈ એક દહાડામાં યાદ કરે. એકાંતે માળા ફેરવતા દીકરાને જોઈ બાપ કહે, “દીકરા, હવે આ સીંદરાં ખેંચવાં મૂકી દે! બાંધ કેડે તલવાર ને હાલ્ય મારી સાથે!” દીકરો કંઈ ન બોલે. એ તો એના નીમમાં અચૂક! કિશોર દુલા કાગને ધેનુ ચરાવતાં, દુહા-ચોપાઈ ગોખતાં એક વરસ ને નવ મહિના વીતી ગયા. પોષ મહિનાની વદ તેરશ હતી. કિશોર દુલો સ્નાન કરીને ઘેર ગયો. એણે આંગણામાં જ બાપને બેઠેલ જોયો. બાપે દીકરાને પૂછ્યું, “કાં! હવે ગાયું ચારવી છોડવી છે ને?” દીકરાએ હા પાડી. બાપને આનંદ થયો. આખરે દીકરો છાણ-ગોબરના મોહમાંથી છૂટયો. દીકરો તો પૂજા-સેવામાં બેસી ગયો. પૂજાના ઓરડામાં જ બાપુની તલવાર રહે. ભાયો કાગ તલવાર લેવા આવ્યા ને દીકરાને ગણપતિની પૂજા કરતો ભાળ્યો. કહ્યું, “હાલ મારી સાથે. પીપાવાવના ગીગા રામજી મહારાજ મારા મિત્રા છે. એમને ત્યાં એક મહાસંત મુક્તાનંદજી આવ્યા છે. તને એમને સોંપી આવું એટલે તું સીંદરાં તાણતો (માળા ફેરવતો) મટે.” બાપે દીકરાને લઈ જઈને મહારાજ મુક્તાનંદજીને સોંપ્યો. દુલો ભણવા લાગ્યો. ‘વિચારસાગર’, ‘પંચદશી’, ‘ગીતા’ મોઢે કરી લીધાં. કિશોર દુલાની દસ આંગળીઓમાં પોતાની દસ આંગળીઓ પરોવી, આંખે આંખ મિલાવી, ગોઠણે ગોઠણ મિલાવ્યા. પછી આંખ પર હાથ રાખી કહ્યું, “જા, સવૈયો લખી લાવ!” પહેલો અનુભવ. પહેલી આજ્ઞા. કાગળ લીધો, પેનસિલ લીધી. રમત શરૂ કરી ને લખાઈ : ભક્તકવિ દુલા ભાયા કાગની કાવ્ય-નિર્ઝરણીની એ પહેલી સરવાણી. નાભિબંધમાં કસ્તૂરી છે ને મૃગ કસ્તૂરી બીજે શોધે છે. એ ઉપરથી તત્ત્વજ્ઞાનભર્યો સવૈયો લખાયો : દોડત હૈ મૃગ, ઢૂંઢત જંગલ, બંદ, સુગંધ કહાં બન બાસે? જાનત ના મમ નાભિ મેં હૈ બંદ, ત્યૂ હી બિચરી મન મૃગ ત્રાંસે. ક્યું ત્યોં નર શઠ રહે હરિ ખોજત, ભ્રમ થકી ચિત્ત જ્ઞાન ન ભાસે?’ ‘કાગ’ કહે યે ગુરુ મુક્તાનંદ, આપ હી આતમજ્ઞાન પ્રકાશે. ૧૭ વર્ષની ઉંમરે ફૂટેલી આ સરવાણી પછી અટક્યા વગર વહેતી જ રહી. કવિ કાગનાં કાવ્યોને છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંઓમાં એકતારાના ઝણકાર સાથે ગુંજવા લાગે છે. મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટનાં આકાશવાણીગૃહો પરથી જુદા જુદા ગાયકો અનેક વાર ‘કાગવાણી’ની સુરાવલીઓ વહેતી કરે છે. ‘કાગવાણી’એ લોકસાહિત્યના પુરાણા ખોળિયામાં નવા યુગના પ્રાણ પૂર્યા છે. જૂની સુરાવલીઓને ફરીથી જીવતી કરી છે, જૂના લોકઢાળોને નવાં વહેણ આપ્યાં છે. ‘કાગવાણી’નો કવિ માનવજીવનનાં સનાતન મૂલ્યોને પિછાણનારો છે, સમાજહૃદયનાં સ્પંદનો પારખનારી વેધક દૃષ્ટિવાળો છે. ભારતની સંસ્કૃતિ-ગંગાનાં નીર એણે સૌરાષ્ટ્રની તળપદી શૈલીમાં વહેતાં કર્યાં છે. સાચો કવિ એ કોઈ પણ યુગનું પરમ ધન છે. ગાંધીયુગ એ તો લોકયુગ. ગાંધીજી પર લખાયેલાં આ કવિનાં કાવ્યો ગાંધીજીના વ્યક્તિત્વને સાંગોપાંગ આલેખે છે. ગાંધીજીના જીવનનો મર્મ, ગાંધીજીનું વ્યક્તિત્વ આ કવિએ આત્મસાત્ કર્યા છે. ગાંધીજી પર લખાયેલું એમનું કાવ્ય ‘સો સો વાતુંનો જાણનારો’ જુઓ :

ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે…
ઢાળમાં નવ ધ્રોડનારો;
પોતે ચણેલામાં પોલ ભાળે તો
પાયામાંથી પાડનારો.
આવવું હોય તો કાચે તાંતણે…
બંધાઈને આવનારો;
ના’વવું હોય તો નાડાં જો બાંધશો…
નાડાં તોડાવી નાસનારો…
મોભીડો મારો સો સો વાતુંનો જાણનારો.

કવિ કાગનાં કાવ્યોનો મુખ્ય રણકો ભજનોનો છે. આ કવિની કવિતામાં માનવજીવનની મીમાંસા છે, તત્ત્વજ્ઞાનની ઝીણવટ છે, પ્રભુની કલાની પિછાણ છે. આ કવિ ભક્ત છે, વિચારક છે, માનવતાના પૂજારી છે. પાણકોરાનું ધોતિયું, ડગલો, ફેંટો, ગળે એક પછેડી, કાળી, ઘાટી લાંબી દાઢી અને માથા પર લાંબો ચોટલો. પાણીદાર છતાં પ્રશાંત બે આંખો અને ઘેરો, ગંભીર, મંદિરના ઘંટ-રણકાર જેવો કંઠ. વ્યવસાયે ખેડૂત, અજાચી ચારણ, નિજાનંદ કાજે કાવ્યો રચે. નાનપણથી જ સાધુઓના સમાગમ કરેલા, સંસ્કૃત શાસ્ત્રો અને પુરાણોનો પરિચય કરેલો અને એમાં ઉમેરાઈ નવવિચારોની સામગ્રી. પરિણામે જાચક ચારણકુળમાં જન્મીને પણ એ અજાચક રહ્યા. રાજયશ ગાનાર કુળમાં એ પ્રભુયશ ગાનાર થયા.

*

આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં સન્મુખાનંદ સભાગૃહમાં એકી બેઠકે પ્રભાતી ગાવાના સમય સુધી શબદને સ્વરમાં ઝબોળેલો મારા કાને સતત ઝીલ્યો. ભક્તકવિ કાગને, કાળજે ધરવ ન થાય ત્યાં લગી સાંભળ્યા. ન તાલવાજિંત્રા, ન તારવાજિંત્રા, ન ઘા, ન ફૂંક, ન ઘસરકો. બધું કંઠમાં. એક હાથની મૂઠી બંધ અને બીજા હાથની તર્જની. જુગલબંધીના ટપાકા સંભળાય. અને જે રણઝણ ચઢી તે આજ લગી રહી છે. ‘કાગવાણી’ના ભાગ વાંચ્યા, વાંચે જ ગયો — દરેક વખતે કશું નવું મળતું જ રહ્યું. મારા ભાવજગતને ભાવતાં મોતી હું ચણતો જ ગયો. અને જ્યાં જ્યાં ભાવિકોનાં વૃંદ રચાતાં ગયાં ત્યાં ત્યાં એ મોતીડાં હું વેરતો ગયો. ‘કાગવાણી’ના ભાગોમાં દિવંગત મેઘાણીજીએ, જયભિખ્ખુએ, ગોકુળદાસ રાયચુરા વગેરે વિદ્વાનોએ કાગબાપુ અને એમની સર્જનપ્રક્રિયા વિશેની અંતરંગ વાતો જે લખી છે તે વાંચી ગયો અને એને આધારે સંપાદનનું આ કાર્ય પૂરું થયું. હું એ સાક્ષરોને અંતઃકરણથી વંદન કરી એમનો ઋણસ્વીકાર કરું છું. [કવિ કાગનાં સર્જનોનું સંપાદન ‘કવિ કાગ કહે…’]