સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ચિરકાળના મિત્રો


મંદિરમાં હું મોટે ભાગે જતો નથી. કોઈ પણ બુકસ્ટોલ મારે માટે મંદિરની ગરજ સારે છે. પુસ્તકઘરમાં જઈએ ત્યારે આપણે કેટલીય સદીઓ સાથે મુલાકાત લેતા હોઈએ તેમ લાગે છે. કેટલાંય એવાં પુસ્તકો છે કે જેમણે આપણા જીવનના અનેક તબક્કે આનંદ આપ્યો હોય છે, તો કેટલીક કૃતિઓ એવી હોય છે કે જેણે જીવન પ્રત્યેનો આપણો અભિગમ બદલી નાખ્યો હોય. એક પુસ્તક વાંચ્યા પછી આપણે એ—ના એ રહેતા નથી; આપણામાં કશુંક ઉમેરાય છે, કંઈક જે નકામું પડ્યું હોય એની બાદબાકી થાય છે. પુસ્તક આપણા લોહીમાં ભળી જાય છે, આપણાં ચૈતન્યનું સંવર્ધન કરે છે. પુસ્તકો આપણી એકલતા દૂર કરે છે, આપણા એકાંતને સમૃદ્ધ કરે છે. માતાની જેમ એ આપણું જતન કરે છે, પિતાની જેમ છત્રછાયા આપે છે. પુસ્તકો આપણા ચિરકાળના મિત્રો છે. એમનો સહવાસ આપણે જ્યારે પણ માગીએ, ત્યારે ભાવથી તે આપણને ભેટે છે. આ સંબંધ કદીય વણસતો નથી. જે માણસ પુસ્તકોની વચ્ચે રહે છે, તે જિંદગી આખી બગીચાની વચ્ચે જ બેઠો હોય છે. સ્થૂળ વૈભવ અને સૂક્ષ્મ વૈભવ વચ્ચેનો ભેદ એને સમજાય છે. હેલન એક્સલીનું એક અંગ્રેજી પુસ્તક છે: ‘બુક લવર્સ ક્વોટેશન્સ’: ‘પુસ્તકપ્રેમીઓનાં અવતરણો’. તેમાં પુસ્તકો વિશેનાં અનેક લોકોનાં મંતવ્યો છે. [‘ઝલક’ પુસ્તક: ૨૦૦૪]