સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/છોટુકાકાનાં અસીલો


વાપીના વસવાટનાં વરસો દરમિયાન અમારા છોટુભાઈનો એક ક્રમ એ થઈ પડ્યો કે અઠવાડિયામાં બેત્રણ દિવસ આસપાસનાં ગામો કે ફળિયામાં વસતાં હરિજનો કે દૂબળાં લોકોના કાગળો લખી દેવા જવું. જોતજોતામાં આખી વસ્તીમાં ‘સોટુકાકા’ ગરીબોના બેલી થઈ પડ્યા. અભણ-નિરક્ષર વસ્તીમાં ઢેડ-દૂબળાંની બૈરીઓને કે ડોસીઓને, તેમના ધણી— દીકરાઓ શહેરોમાં (મોટે ભાગે મુંબઈમાં) રળતા હોય તેમના પર ઘરખબરના કાગળો હરહંમેશ લખાવવાના હોય. ગામપડોશનો કાપડી (દુકાનદાર વાણિયો) પેલીએ આણેલું ત્રણ પૈસાનું પત્તું એક આનો લખામણી લઈ લખી આપે! બાઈ ઘરકુટુંબના બધા સમાચાર લાંબી લાંબી વિગતે લખાવે, ને લખનારો કાપડી કાનમાં પૂમડાં ભર્યાં હોય તેમ સાંભળ્યે જાય. પછી ટાઢે કોઠે ચાર લીટી ચીતરી આપે! બોલનારી ચાહે તેટલું બોલી હોય — ઘરના ખુશીખબર, પોયરાંની તાવઉધરસ ને પૈસાનું મનીઆર્ડર મોકલવાની તાકીદ ઉપરાંત બીજું કશું લખી આપવાના કાપડીએ સોગન ખાધા હોય! બસ, લખામણીનો આનો લઈને પેલીને વદાય કરે. બાપડી બાઈ ઘણુંયે સમજે, કે પોતે લખાવેલું તેનો દસમો ભાગેય કાપડીએ કાગળ પર પાડયો નથી. પણ શું કરે? ફરી લખાવવા-વંચાવવા આવવાની ગરજ. એટલે વગર ફરિયાદે, લખેલું કાર્ડ લઈને ચોકી પરની ટપાલપેટીમાં નાંખે, ને ઘેર જાય. આ દૃશ્ય, આવ્યાને બે-ત્રણ દિવસ જ થયા હશે ને, છોટુકાકાએ જોયું. લાગલો જ ઉપલો ક્રમ શરૂ થયો. ખીસામાં અડધો ડઝન કાર્ડ ઘાલીને નીકળે, ને ફળિયે ફળિયે ફરે. “કેમ ડોહીમા, કેમ છેવ? કાગલ લખાવવાનો કે ની! આ હું આવેલો છેવ.” “હા, હા આવોની ભાય, આવો, ગાંધી માત્મા. ધન ભાએગ અમું લોકનાં. અમારે કાંય ની લખાવવો હોય? તમે તો ધરમી લોક. મા’ધેવના મંદિરમાં આવીને રે’યલા. કેમ ની ઓરખું!” પછી ડોસી ઘરમાં જઈ, પોસ્ટકાર્ડ ક્યાંક મેલી રાખ્યું હોય તે ફંફોસવા માંડે. “એ કાંય કરો, માય? આય હું ખિસ્સામાં જ કારડફારડ બધું તિયાર લી આવેલો જે!” ડોસી ખુશખુશ થઈ જાય. મનમાં ગગણે : “ગાંધી માત્માનું લોક. ધરમી લોક. નીકર આવું તે વરી કોન કરે?” છોટુકાકા ઓટલાની કોરાણે બેસી કાર્ડ-કલમ કાઢી લખવા માંડે. ડોસી સામે લખાવવા બેસે. ઘરની વહુઓ ને પોયરાં બીતેબીતે ખૂણેખાંચરે કે બારણાંની આડશે ઊભાં રહી તાલ જુએ. એકાદ ગોબરું પણ હિંમતવાળું છોકરું વળી ડોસી પાસે આવી એના ખોળામાં ચઢી બેસે, અને છોટુકાકા લખતા હોય તે સામું તાકીતાકીને જોઈ રહે. ડોસી લખાવતી જાય ને છોટુકાકા લખે. ડોસી બોલતી જાય, ને બોલેબોલ કાગળ પર પડતો જાય : “લખો — તાવ નાની પોરીની પૂંઠે પડેલો, ની મૂકતો. મોટી વહુ ઈના બાપને ઘેર ભાત રોપવા ગેયલી. વાપીવારો વાનિયો હેઠ પૈહાનું વિયાજ ભરી જવા કે. હું કિયાંથી દેવ? તુંને કેયલું કે દિવાહા અગાઉ પસાહ રૂપિયાનું મનીઓર્ડર કરી મૂકજે. પન આય આથમનો મઈનો થિયો ને ભાદરવો હઉ આવહે. પન તારા પૈહાનો પત્તા નીમ્રે. “લખો — ભીખલો, ઈનો છા’બ વેલાત ચાલી ગિયો તી દા’ડાનો ધંધા વના બેથો સે. ઉદવાડાના પારહી મંભઈ લી ગેયલા. પન બે મઈનામાં પાસો આવી રિયો. માંટી મરદથી આમ ઘરે આંગને કેટલાં બેહી રે’વાવાનું ઉતું? તું ઈને મંભઈ બોલાવી લેવ. મારાથી ઈને આય પરમાને તાડીને માંડવે દા’ડો બધો પીને પડી રેયલો ની જોવાતું.” ખાસી દસ મિનિટનું ડિક્ટેશન. લખવાને છેડે છોટુકાકા આખો કાગળ પહેલેથી છેલ્લે લગણ ડોસીને વાંચી સંભળાવે. બોલેલો જ બોલેબોલ, ટૂંકાક્ષરીમાં લીધો હોય તેમ, ફરી પાછો ડોસીને કાને પડે. ને ડોસી ડોલે! ફળિયાની ઢેડીઓ ભેળી થાય, સાંભળે ને કોઈ પત્તું લાવી હોય તે છોટુકાકાની આગળ ધરે. કાકા ન લે. પોતાનું જ ખિસ્સામાંથી કાઢે, ને એનુંય લખી આપે. એ જ લખનાર, ને એ જ લખાવટ. લખીને આખું એનેય પાછું વાંચી સંભળાવે. લખામણી ન લે — ને કાપડીથી દસ ગણું લખી આપે! પછી ટપાલમાં પણ “હું જ લાખી દેવા” કહી છોટુકાકા ઘણાઘણા હેતે કરીને ડોસીની વિદાય લે, ને બીજે ફળિયે જાય, કે ઘર ભણી વળે. લખેલા કાગળો સાથે લીધા હોય તે ટપાલપેટીમાં નાંખે. કો’ક વાર વળી ‘રિપ્લાય’ કાર્ડો પણ લખી આપે, ને અઠવાડિયામાં જવાબ આવી પહોંચે ત્યારે લખાવનારી હેરત થઈ જાય. કોઈના મનીઓર્ડર પણ આવી પૂગે.

*

એક વાર હું ઉદવાડે રણજિત દાક્તરને દવાખાનેથી દવા લઈને આવું. રેલફાટક ભણીથી મોટરબસ આવી, ને એક દૂબળી ઊતરી. છોટુકાકા ઓટલે કોઈનો કાગળ લખી આપેલો તે વાંચી સંભળાવે. અદબથી એક કોરાણે ઊભી રહી. ઓળખીતી લાગી. પૂરું કરી છોટુકાકાએ ઊંચું જોયું. હસીને કહે : “તું વરી કિયાંથી આવી લાગી? — ચૌદેહ ઉપર અમાવાસ!” પેલી કહે, “સોટુકાકા! તુકવાડે જતી ઉતી. તમુંને જોયા, ને ઊતરી પડી. હાંભરો — આય મારો સોટુ બે મઈના થિયા મંભઈ ગયેલો સે. એક વાર કાગજ આવિયું તે માપ. કાગજ જ મોકલતો ની સે. (ગળે ડૂમો આવે છે.) ઈને કાંય હમઝ સે — ઈની માયને મૂઈને કાંય કાંય થાતું ઓહે? (જરા વાર મૌન.) સોટુકાકા! ઈને લખી દેવ, કે આય કાગજ દેખતાની ઘડીયે આવતો રે. લખી દેવ, તારી માય બઉ માંદી સે — મોઢું જોવું હોય તો આવી રે’. “હાસું કઉ સું, સોટુકાકા! મારે તો ઈને મોકલવો જ ની ઉતો. પણ હમારા હેઠે કાંય હાંભર્યું જ નીમ્રે.” છોટુકાકાએ લાંબો કાગળ લખી આપ્યો. પછી કહે : “હરનામું કાંય કરું?” પેલીએ કાગળ જ જાણે નવો લખાવવા માંડ્યો : “લખોની, લખી દેવની — ભાય તપારવારાને માલમ થાય, જે બાપા! આતલું આય મારું કાગજ અમારા વા’લા પોયરા સોટમની કેડ કમ્મરમાં પુગાડજે. હાથોહાથ, તરત પુગાડજે, મારા બાપ! ભગવાન તારું ભલું કરહે!” “પણ ઠેકાણું?” “લખોની, લખી દેવની — થેકાનું એવું સે જે, ઝવેરી બજાર, ખારાકૂવાની પાંહે, ગિલાન લોટ (ગ્રાંટ રોડ) વારા પારહીનો મારો સે. તીમાં અમારા પરિયા ઉદવાડાના વાનિયા લોક રે’તા સે. તીને ઘેર વાહણ ધોતો-માંજતો સે અમારો સોટમ, તીને પુગે. અમારા સોટમને હાથોહાથ પૂગે.” “પણ હેઠનું નામ કાંય લખું?” “અમારો હીરુ હેઠ વરી — તિમાં કાંય પૂસો? હઉ ઓરખે. બીજો કુન હેઠ આવવાનો ઉતો જે? મોટા હેઠનો પોયરો!” છોટુકાકાએ કવર બીડી ઉપર ટિકિટ લગાડી. જોઈને કહે : “લખો — સો પૈહાનું તિકટ લગાવિયું સે. સોકહ કામ કીધું સે. મંભઈ હેર મોતું સે. રહતે કોઈ નરહું માણહ તિકટ ઉખારી લેય, તો તિમાં અમારે કાંય નીમ્રે.” બસ, પહેલવહેલી વાર છોટુકાકાને ‘મૂઆ લખ્ખોદિયા’ કાપડીનું અનુકરણ કરવું પડ્યું!