સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરનિશ જાની/અમેરિકામાં ગુજરાતી સાહિત્યસર્જન


અમેરિકામાં ગુજરાતી સાહિત્ય લખાય છે. પણ કેવું? એક જમાનામાં ગુજરાતમાં કોઈ લેખકનું પુસ્તક બહાર પડતું તો ગૌરવભર્યો પ્રસંગ ગણાતો. પ્રકાશક તેમને પૈસા આપતા, લોકો તેમને માન આપતા. આજે અમેરિકામાં લેખકો પાસે પૈસા છે. પોતાનું પુસ્તક પોતે છપાવી શકે છે. પ્રકાશક જ્યારે પોતાના પૈસા ખર્ચીને લેખકનું પુસ્તક છાપે ત્યારે વેપારી દૃષ્ટિ વાપરીને જુએ કે પોતાનાં રોકાણમાં વળતરની શક્યતા છે કે નહીં? એટલે પ્રકાશકો લેખકોનાં લખાણને ચકાસતા. જ્યારે અમેરિકામાં આજે હજાર-બે હજાર ખર્ચવા એ લેખકો માટે રમતની વાત છે. ઘણા પૈસાદાર લેખકો દર વરસે પોતાનાં પુસ્તકો બહાર પાડે છે, પછી ભલે ને એને કોઈ વાંચે કે ન વાંચે. લેખક પોતે જ પોતાની ગુણવત્તા ચકાસે છે અને દલા તરવાડીની જેમ બે-ચાર ચીભડાં પોતે તોડી લે છે. લેખકોને પૈસા કમાવાની વૃત્તિ હોતી નથી. આમેય બર્થડે પાર્ટીમાં એટલા પૈસા તો ખર્ચાય છે. અમેરિકામાં કેટલાક લેખકો વરસમાં આવી બે-ત્રણ બર્થડે ઊજવે છે. થોડાક સમયમાં તો તે લેખકનાં ૩૦-૪૦ પુસ્તકો પ્રકાશકોની ચકાસણી વિના છપાય છે! [‘ઓપીનિયન’ માસિક : ૨૦૦૬]