સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હીરાબહેન પાઠક/સાહિત્યગુરુ


રામનારાયણ વિશ્વનાથ પાઠક (૧૮૮૭-૧૯૫૫) શિક્ષક પિતાના પુત્ર. લોજિક તથા મોરલ ફિલોસોફી લઈને પ્રથમ વર્ગમાં સ્નાતકની ઉપાધિ મેળવી ૧૯૦૮માં. કાયદાનો અભ્યાસ કર્યો. મહીકાંઠા એજન્સીના કેન્દ્રસ્થાન સાદરામાં ૧૯૧૨થી વકીલાત કરવા માંડી. ૧૯૧૮માં પ્રથમ પત્નીના મૃત્યુને કારણે વકીલાતને વળગી રહેવામાં રસ રહ્યો નહીં. ટાંકણે ગાંધીચેતનાનો ઉજમાળો પ્રકાશ ભારતીય ચેતનાને આલોકિત કરવા માંડ્યો હતો. ૧૯૧૯માં વકીલાત છોડી અમદાવાદ આવ્યા, શિક્ષણપ્રવૃત્તિ સ્વીકારી, એક શાળાના આચાર્યપદે રહ્યા. ત્યાં તો ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. તે વેળા ગુજરાતનું ઉત્તમ બુદ્ધિધન વિદ્યાપીઠમાં અધ્યાપન અર્થે જોડાયું. તેમાં હતા પંડિત સુખલાલજી, મુનિ જિનજયજી, ધર્માનંદ કોસંબી, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, આચાર્ય કૃપાલાની વગેરે. ત્યારે મિત્રોની સંગે પાઠક વિદ્યાપીઠમાં જોડાયા. આ અધ્યાપકોનાં શિક્ષણ-સંસ્કાર ઝીલનારું શિષ્યમંડળ પણ કંઈ કમ ન હતું. ધગશભરી દેશભકિતની સ્વાર્પણબુદ્ધિથી તેઓ તરવરતા યુવાનો હતા: સુન્દરમ્, ઉમાશંકર, નગીનદાસ પારેખ, ‘સ્નેહરશ્મિ’, કરસનદાસ માણેક, ભોગીલાલ ગાંધી વગેરે. તે સહુએ એક કે બીજે સ્વરૂપે ગાંધીજીવનભાવનાવાળું સાહિત્યસર્જન કર્યું. તમામ વિદ્યાસેવીઓ ‘પાઠકસાહેબ’ સાથેનો સાહિત્યગુરુનો સંબંધ ચિરકાલીન જાળવી રહ્યા. આ સંસ્થામાં રામનારાયણ પાઠકે બત્રીસ વર્ષની વયે લેખન કારકિર્દી શરૂ કરી, પોતાનું સાહિત્ય-સામયિક કાઢવા વિચાર્યું. તેને તે સમયના યુગબળના સંદર્ભમાં ‘પ્રસ્થાન’ નામ આપ્યું; તે શરૂ કર્યું ૧૯૨૬માં. ૧૯૨૮માં વિદ્યાપીઠમાંથી છૂટા થયા. આજીવિકા અર્થે ખાનગી ટ્યુશનોથી નિભાવ્યું. ૧૯૩૫માં મુંબઈની ના. દા. ઠા. મહિલા કોલેજના અધ્યાપનકાર્યનું નિમંત્રણ આવ્યું; સ્વીકાર્યું અને મુંબઈ ગયા. કોલેજમાં અધ્યાપન નિમિત્તે વિદ્યાર્થિની હીરા કલ્યાણદાસ મહેતાનો પરિચય થયો, તે ૧૯૪૫માં લગ્નસંબંધમાં પરિણમ્યો. ૧૯૩૭માં અમદાવાદમાં પુનરાગમન: નવી શરૂ થયેલી લા. દ. આર્ટ્સ કોલેજમાં અધ્યાપન માટે જોડાયા. આ કાર્ય ૧૯૪૬ લગી ચાલુ રહ્યું. ૧૯૪૬માં અમદાવાદ છોડી મુંબઈ આવીને વસ્યા. ૧૯૫૫ની ૨૧મી ઓગસ્ટે તેમનું અવસાન થયું.