સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેમન્ત દેસાઈ/જોઈ લેવાશે!



થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે!
જવાની પર ભરોસો છે સદંતર, જોઈ લેવાશે!

બનીને બુંદ આલમનો સમુંદર, જોઈ લેવાશે!
સફર કરવા કરી છે હામ, અંતર જોઈ લેવાશે!...

જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં,
હવે શું આવશે એથી ભયંકર? જોઈ લેવાશે!

જમાનામાં ગગન પર તારલા-શું સ્થાન તો લાધ્યું;
ચમકવું કેટલું ક્યારે? વખત પર જોઈ લેવાશે!
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]