સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેલન કેલર/આવતી કાલે જ....
હું જાતે આંધળી, જે લોકો દેખતા છે તેમને એક સૂચન કરી શકું તેમ છું : આવતી કાલે જ જાણે કે તમારી પર અંધાપો ઊતરી પડવાનો છે તેમ સમજીને તમારી આંખો વાપરજો! અને બીજી ઇંદ્રિયોને પણ એ જ રીત લાગુ પાડી શકાય. માનવ-શબ્દોનું સંગીત, પંખીનું ગાન, સુરાવલિના પ્રચંડ સ્વરો — જાણે કે આવતી કાલે જ તમે બહેરા બની જવાના હો તે રીતે સાંભળજો. જે જે ચીજને સ્પર્શ કરવો હોય તેને એ રીતે હાથ લગાડજો કે જાણે કાલે તમારી સ્પર્શેદ્રિય બંધ પડી જવાની છે. પુષ્પોને એવી રીતે સૂંઘજો અને રોટલાનું પ્રત્યેક બટકું એવી લિજ્જતથી મમળાવજો કે જાણે કાલથી તમે કદી સુવાસ કે સ્વાદ અનુભવી શકવાના નથી. આ સૃષ્ટિએ તમારી સન્મુખ પાથરેલાં સુખ અને સૌંદર્યના એકેએક પાસાને માણજો. પ્રત્યેક ઇંદ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો.