સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/ગુમરાહ


કાલે ત્રીજી વાર માસ્તર જાનકીદાસે મને ખબર આપી કે “પરેશ શાળામાં હાજર રહેતો નથી. છોકરો ગુમરાહ થઈ જશે.” એટલે આજે ભોજન બાદ પરેશે નિશાળનો થેલો ખભે લટકાવ્યો કે ચુપકીદીથી હું પણ તેની પાછળ પાછળ ચાલ્યો. સ્કૂલની સડકને બદલે શાહજાદાએ બીજો જ રસ્તો પકડયો! ચાલતાં ચાલતાં અમે ગામ બહાર નીકળી ગયા. એ એની ધૂનમાં જ હતો. એણે પાછા વળીને એકે વાર જોયું પણ નહીં. સીટી વગાડતો, ક્યારેક પથ્થરને બૂટ વડે ઠોકરો મારતો આગળ ધપ્યે જ જતો હતો. સુવ્વરનો બચ્ચો! એ નહોતો જાણતો કે એના આ બૂટ ખરીદવા એના બાપને સવારથી સાંજ સુધી ફાઈલો સાથે કેટલાં માથાં ફોડવાં પડતાં હતાં! મદારીઓના ડેરા નજીક એ પહોંચ્યો, તો પાંચ-છ કૂતરા જોરશોરથી ભસતા એની નજીક લપક્યા. હું ગભરાયો — ક્યાંક એ મારા છોકરાને પગે બચકું ભરી લે તો! પણ જેવો એ કૂતરાઓની નજીક પહોંચ્યો કે તેઓ દુમ હલાવવા લાગ્યા. ઓહ! મતલબ કે કૂતરા સાથે એને જૂની ભાઈબંધી હતી. હું ઝાડની આડશે જોઈ રહ્યો હતો. મદારીના એક છોકરાએ ચાર-પાંચ સાપ પરેશને ગળે લટકાવી દીધા. મારો તો શ્વાસ જ અધ્ધર થઈ ગયો! દિલ ધડકતું હતું. પણ ધીરે ધીરે સાપ ગળેથી સરકીને બદન પર થઈ ઘાસ પર રમવા માંડયા. પછી પરેશ આગળ વધ્યો. નહેરને કિનારે કેટલાંક બંગાળી ગોવાનીઝ છોકરાં માછલી પકડી રહ્યાં હતાં. આ બધું એ એકીટશે જોઈ રહ્યો હતો. જોવામાં એ એટલો મગ્ન હતો કે હું એનો બાપ એની અડોઅડ જઈને ઊભો રહ્યો તેનોય એને ખ્યાલ ન રહ્યો. એની આંખોમાં ઉત્સુકતા હતી, જીવન પ્રત્યેનો પ્યાર હતો. એ ત્યાંના વાતાવરણમાં લીન થઈ ગયો હતો. એકાએક પરેશની નજર મારા ઉપર પડી અને એનું મોં પડી ગયું. આખરે એને કાંઈ ન સૂઝ્યું એટલે એણે આંગળી ચીંધી કહ્યું, “પાપા, આ લોકો માછલી પકડી રહ્યા છે.” હુંય એની સાથે બેસી ગયો. ન એની સ્કૂલની વાત નીકળી, ન મારી ઑફિસની! ન મેં એને પૂછ્યું કે, તું શાળાને બદલે આ બાજુ કેમ આવ્યો. ન એણે ધડ કરી કે હું ઑફિસને બદલે આ બાજુ શી રીતે આવી પહોંચ્યો. અમે મિત્રોની માફક અહીંતહીંની હાંકતા રહ્યા. “ચાલો પાપા, નદીની પેલે પાર જઈએ.” કહી એ બૂટની દોરી છોડવા લાગ્યો. “ના બેટા, પગ ભીંજાવાથી તને શરદી થશે,” કહી મેં એને મારી પીઠ પર બેસાડયો અને એણે એના હાથ મારા ગળે લપેટી દીધા. એનાં ચિંતા-ભય બધું જ ગાયબ થઈ ગયું. એ બોલ્યે જતો હતો : “પાપા, નદીની પેલે પાર એક પથ્થરફોડો છે. દી આખો બસ પથ્થર ફોડયા કરે છે. વળી ત્યાં એક સ્વામીજી પણ છે.” નદી પાર કરી કે સામે જ સ્વામીજી મળ્યા. “તમારો છોકરો છે કે?” “હા.” “ઘણો ડાહ્યો ને ભોળો છે. તમારું નામ રોશન કરશે.” ન જાણે આટલી વાત પર મને એવી ખુશી થઈ કે સ્કૂલથી ભાગેલા એ છોકરા વિશે મને ગર્વ થયો. નજીકમાં જ થોડાં ઝૂપડાં હતાં. વાસણ માંજતી એક ભરવાડણે કહ્યું, “ઘણા દિવસે આવ્યો, પરેશ!” પરેશ એની નજીક જઈ લાડમાં બોલ્યો, “હા, માસી! આજે તો મારા પાપા પણ આવ્યા છે.” પરેશની માસી અમને ચા પિવડાવવા માગતી હતી પણ અમે ના કહી. મનોમન હું પરેશને નિશાળેથી ન ભાગી જવાનું સમજાવવા કોશિશ કરતો રહ્યો; પણ કાંઈ કહી ન શક્યો. આખરે મેં નક્કી કર્યું કે આજે નહીં, કાલ-પરમે એને સમજાવી દઈશ. વરસાદે જોર કર્યું. અમે જેમતેમ ઘેર પહોંચ્યા. આંગણામાં જ ધૂંવાંપૂવાં થતી એની મા ઊભી હતી. એણે મને ઊધડો જ લીધો : “આખો મહોલ્લો ઘૂમી વળી. પહેલાં તો બેટો જ ભાગતો હતો, હવે તો બાપેય ભાગવા લાગ્યા કે શું?” કદાચ એને ગોપીનાથ દ્વારા જાણ થઈ હશે કે આજે હું ઑફિસે નહોતો ગયો. પરેશ મારી સોડમાં ભરાયો — પણ જાણે એ મને એની સોડમાં લઈ લેવા માગતો ન હોય! એને થતું હશે કે એને કારણે જ એના પાપાને આ સાંભળવું પડે છે. કદાચ મારા મનની અંદર સૂતેલા બેટાને જાગૃત થયેલો જોઈ એના મનની ભીતરનો સૂતેલો બાપ જાગ્યો હતો. પળ બે પળ રહી એ બોલ્યો, “પાપા, હવે હું ડાહ્યો થઈ ભણ્યા કરીશ, હોં!” કેટલાય મહિના વીતી ગયા. હવે એ નિયમિત નિશાળે જાય છે. પહેલાં કેટલીય વાર માસ્તરની અને એની માની ધમકીઓની કોઈ અસર એના પર નહોતી થઈ. પણ છેલ્લા પ્રસંગની એના પર ઘેરી અસર થઈ છે. એને થઈ ગયું છે કે એના પાપાને ઠપકામાંથી બચાવવા એણે નિશાળે જવું જ જોઈએ. બધાં ખુશ છે, માસ્તર જાનકીદાસ ખુશ છે, એની મા ખુશ છે અને હું પણ... હા, પહેલાં પહેલાં મનેય ખુશી થઈ હતી. પણ હવે... રાતના નવ વાગી ચૂક્યા છે. બારીમાંથી વીજળી ચમકતી દેખાઈ રહી છે. આગિયા ઝબૂકી રહ્યા છે. મલયાનિલ લહેરાઈ રહ્યો છે. પરેશ ટેબલ-લૅમ્પ પાસે પુસ્તકોમાં આંખો પરોવી બેઠો છે. પણ મારા મનના અંતઃસ્થલમાં હલચલ મચી રહી છે. જીવને થાય છે કે એ નિશાળમાંથી ભાગી છૂટે, હું ઑફિસમાંથી, અને અમે બાપ— બેટા આખી દુનિયાને અંગૂઠો દેખાડી જંગલોમાં ઘૂમતા રહીએ! પણ આ વાત હું કોઈને કહી શકતો નથી. પહેલાં એ ગુમરાહ હતો — હવે હું ગુમરાહ થઈ રહ્યો છું. [બલવંતસિંહની હિંદી વાર્તાને આધારે]